ટીકાકારો વચ્ચે વસવાટ

             શિલ્પી ડોનટેલોની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી હતી. એના વતન ફ્લોરેન્સ શહેર કરતાં બીજાં નગરોમાં ને વિદેશોમાં એની કીર્તિ વધુ ફેલાઈ હતી.

            એક વાર ડોનટેલોને એના કાર્ય માટે પીસા શહેરમાં રહેવાનું બન્યું. અહીં એણે ઉત્તમ શિલ્પોની રચના કરી, તેથી એની કલા વિશે ચારે બાજુથી પ્રશંસાનો વરસાદ વરસવા લાગ્યો. એક વિખ્યાત કલાસમીક્ષકે કહ્યું, “ડોનટેલો વિશ્વના મહાન શિલ્પીઓની હરોળમાં બિરાજે છે.” બીજો કહે, “એની શિલ્પકૃતિઓ અદ્ભુત છે; ગમે તેટલી મહેનત કરો તોયે એમાં એક ક્ષતિ જડતી નથી.”

          આમ પીસામાં એને અઢળક પ્રસિદ્ધિ મળતી રહી ને વિશ્વમાં એની ખ્યાતિ પ્રસરતી રહી. પણ એક દિવસ ડોનટેલોએ પોતાના વતન ફ્લોરેન્સમાં પાછા ફરવાનું નક્કી કર્યું. આ જાણીને એના ચાહકોને આઘાત થયો. ડોનટેલોનો પરમ મિત્રા એની પાસે દોડી આવ્યો અને એણે કહ્યું, “પીસામાં તને સંપત્તિ, સન્માન, સિદ્ધિ અને પ્રસિદ્ધિ – સઘળું સાંપડયું છે. તેને છોડીને પેલા બેકદર ફ્લોરેન્સમાં રહેવા જવાનો વિચાર તને કેમ આવે છે ?”

               ડોનટેલોએ જવાબ આપ્યો, “અહીં મારી આટલી બધી પ્રશંસા થાય છે તે કારણે જ પીસા છોડીને હું ફ્લોરેન્સ જઈ રહ્યો છું. ફ્લોરેન્સવાસીઓ મારી કલાની આકરી ટીકા કરનારા છે. પણ એટલે જ તેઓ મને ક્યારેય આત્મસંતુષ્ટ કે આળસુ થવા દેતા નથી.”

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.