સુવાસની અનાસક્તિ

            સામેના છોડ પર ધ્યાનસ્થ થયેલા એક પુષ્પની હાજરી ઊંડી પ્રસન્નતાનો ભાવ જગાવી જાય છે.
પુષ્પ પોતાની જગ્યા છોડીને સુગંધનો પ્રચાર કરવા ક્યાંય જતું નથી. એ શાંતિથી પોતાના સ્થાને ઊભું છે. એનું હોવું એ જ પૂરતું છે. એને અપાર ધીરજ છે. આસપાસ કોઈ સુગંધ માણનારું છે કે નહીં, તેની ચિંતા એ કરતું નથી. પોતાનાં રંગ-રૂપને જોનારું કોઈ છે કે નહીં, એ વાતનો એને ઉચાટ નથી. પુષ્પનો દેહ નાશવંત છે. સાંજ પડયે એની પાંખડીઓ ખરી પડે છે. પરંતુ પુષ્પનું જે પુષ્પત્વ છે તે અક્ષર છે. પુષ્પ મરે છે, પણ પુષ્પત્વ જીવે છે.

        પુષ્પ પાસે સુગંધ છે, રંગ છે અને ભવ્યતા છે. પણ આ બધું કોઈને પહોંચાડવાની ચેષ્ટા એ નથી કરતું. એની ભવ્યતા આસપાસ પ્રસરે છે, કારણ કે એ છે. પુષ્પ એ પ્રચારક નથી, પ્રસારક છે. કોયલ ટહુકે છે, પણ તે શ્રોતાઓ માટે નથી ટહુકતી. ટહુકો એના અસ્તિત્વનો એક ટુકડો છે. કોયલનું સંગીત પ્રચરતું નથી, એ પ્રસરતું રહે છે. પ્રચારમાં અપેક્ષા છે, આકાંક્ષા છે; પ્રસારમાં નિજાનંદ છે, મસ્તી છે.

         માણસને નિજાનંદ વહેંચવાની પણ એક વાસના જાગે છે. કોયલ પણ નિજાનંદ વહેંચે છે, પણ તે વાસના વગર. આનંદનો પૂંજ પડયો છે. કોઈને લેવો હોય તો ફાવે તેટલો લઈ લે, અને કોઈ નહીં લે તો પણ હરિ-ઇચ્છા. પોતાની આંતરિક સંપત્તિ પરખનારું કોઈ નથી, એનો અજંપો કેટલાક સંતોને પણ રહેતો હોય છે. પામર જીવોનો ઉદ્ધાર કરવાની ઉપદેશકોને ભારે આસક્તિ હોય છે.

          પુષ્પ અનાસક્ત છે. પોતાની સુગંધની સમજ આપવા માટે એ વર્ગો નથી ચલાવતું. સુગંધ પ્રચારક મંડળ પણ એ નથી શરૂ કરતું.

ગુણવંત શાહ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.