ધારો કે – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું ?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું ?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઊઠયા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું ?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો ?’ પૂછી લીધું
પણ મૂગી આ વેદનાનું શું ?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું ?
ધારો કે રાણી ! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું ?

જગદીશ જોષી
[‘વમળનાં વન’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.