બેઠા બેઠા તોલ કરે છે – ઉમાશંકર જોશી

કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠા બેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું, તે બધાંનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.

ઉમાશંકર જોશી

**

કાનમાં કહું ?

કેટકેટલા કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો સુંદર શક્તિવાળા ઉદીયમાન કવિઓ ને વાર્તાકારોને હાથે સહેજ ઉતાવળમાં પ્રગટ થાય છે અને કાળના પ્રવાહમાં જાણે તણાઈ જાય છે, મૂળિયાં નાખી સાહિત્યવાડીમાં એક અવનવા ઉમેરારૂપ જવલ્લે જ થાય છે. ત્રણ-ચાર સંગ્રહોને આ રીતે તણાઈ જવા દેવા, એ સારું ? – કે એ બધામાંથી ચૂંટીને એક સબળ અર્પણ બની રહે એવું કંઈક આપવું, એ સારું ? કાનમાં કહું ? – મારા હાથમાં મારો ભૂતકાળ ભૂંસવાનું શક્ય હોય, તો પદ્યનાં થોથાં ગાળી નાખીને એવું જ કાંઈક કરું. પણ બાણ છૂટી ગયું – હવે શું ? એ કામ હવે કાળ ભગવાને કરવાનું.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.