અમારે ભલી રાત-મકરન્દ દવે

તમારો ભલે દૂર દીવો ઝબૂકે,
અમારે ભલી રાત અંધારઘેરી.

સમી સાંજના સર્વ ચાલ્યા મુસાફર,
જવાનું હતું પ્હાડ ઊંચા વળોટી;
અમે તો જમાવી અહીં ગામચોકે
કહ્યું : કોણ આઘે કરે આશ ખોટી !

હવે પર્વતો પાર છોને પ્રકાશે,
તમારી દયાવંત એ દેવ-દેરી;
તમારો ભલે દૂર દીવો ઝબૂકે,
અમારે ભલી રાત અંધારઘેરી.

અજાણી દિશે રોજ ને રોજ વેગે
અજાણ્યાં જતાં જોઉં છું કૈંક ટોળાં;
અહીં બે ઘડી જે ન પામે વિસામો,
અરે, અંતમાં પામશે શું ય ભોળાં !

ભલે ગાળ ખાવી લખી છે લલાટે,
નશાખોર, પાગલ, નકામો, લહેરી;
તમારો ભલે દૂર દીવો ઝબૂકે,
અમારે ભલી રાત અંધારઘેરી.

મુબારક હજો તેજ-અંબાર સૌને,
અમોને અમાસોની જાહોજલાલી;
પ્રસાદો સદા પામજો જાતરાળુ,
અમારે ભલી એકલી રંગપ્યાલી.

નથી ઓરતા કૈં, નથી કૈં અજંપા,
ભર્યો જામ છે જિંદગીનો સુનેરી;
તમારો ભલે દૂર દીવો ઝબૂકે,
અમારે ભલી રાત અંધારઘેરી.

ઘટા ઘોર જામેલ કાળી નિશાને
જરા આ કટોરા તણો રંગ પાશું;
પડી આજ મેદાનમાં ધ્રો પરે બસ
મહા મસ્ત મોસમ તણાં ગાન ગાશું.

પ્રવાસી અરે ! પર્વતનો પ્રભુજી,
તમારો અહીં આવશે હેરી હેરી;
તમારો ભલે દૂર દીવો ઝબૂકે,
અમારે ભલી રાત અંધારઘેરી.

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.