વિકરાળ પ્રશ્ન-રોબર્ટ ફ્રોસ્ટ

              આપણી દોડવાની ગતિ વધારીએ તે પહેલાં બે ઘડી શાંતિથી વિચારશું ખરા કે આપણે જવું છે ક્યાં ? આજે આટલા બધા લોકો વધુ ને વધુ બેચેન અને અશાંત થતા જાય છે. તેમને ખબર નથી કે તેઓ ક્યાં જવા માગે છે, પણ તેમને ક્યાંક જવું છે : જીવન ત્યાં વધુ સારું હશે, અહીં તે સંતોષકારક નથી. આપણો આખોયે સમાજ બેચેન છે, અસ્વસ્થ છે, અસંતુષ્ટ છે; બીજે ક્યાંક જવા, બીજું કશુંક મેળવવા ઝંખે છે. તેથી આ બધી દોડધામ છે.

              નકામી ને ભંગાર ચીજવસ્તુઓનાં ઉત્પાદન, જાહેરાત અને ખરીદ-વેચાણ પાછળ આજે કેટલાં બધાં સમય, શક્તિ અને નાણાં વેડફાઈ રહ્યાં છે ! આ નરી મૂઢતા છે; કેમ કે જેઓ વધુ પૈસા મેળવવા પોતાના ઘરાકને છેતરે છે, તેઓ એ વાત ભૂલી જાય છે કે તેઓ પોતે જ્યારે ઘરાક બનીને કશુંક લેવા નીકળશે ત્યારે તેઓ પણ છેતરાવાના જ છે. આ તો એક ઝેરી કૂંડાળું છે.

              ખરેખર તો, મોટા ભાગના લોકો કાંઈક માનસિક શાંતિ ઇચ્છે છે. એમને એવો સમાજ જોઈએ છે કે જેમાં પોતાના કુટુંબના ભાવિ વિશે ચિંતા ને ભય ન રહે. તેઓ સતત દોડયે જ રાખવા માગતા નથી, પણ ઠરીઠામ થવા ઇચ્છે છે. ભાવો, પગારો, અકરાંતિયો ઉપભોગ વગેરેના ચકરાવામાંથી છૂટવા મળે, તો એ સુખ પામશે. એમને ઝંખના છે થોડુંક વિચારવાની, કંઈક મનની શાંતિ માણવાની. અને એ બધી ચીજોના કાંઈ પૈસા નથી પડતા, તે મેળવવા માટે ઓવરટાઇમનો ઢસરડો નથી કરવો પડતો. પરંતુ આવી બાબતોનો પ્રચાર કરવાથી કોઈનો નફો વધતો નથી, એટલે પછી લોકોને એ વિશેની કેળવણી કોઈ આપતું નથી.

              એક વિકરાળ આપણી સામે ડાચાં ફાડીને ઊભો છે : લોકો આ તે કઈ જાતનું જીવન જીવે છે ? ગુનાઓનું પ્રમાણ કેમ વધતું જ જાય છે ? સમાજમાં આટલી બધી હિંસા ને વિધ્વંસકતા, હતાશા ને સાશંકતા કેમ છે ? કોઈ સામૂહિક હેતુ કે ધ્યેય વિશેની પ્રતીતિ કેમ નથી ? સમાજ પ્રત્યે આત્મીયતાની ભાવના કેમ ક્યાંય દેખાતી નથી ?

 

જે. બી. પ્રિસ્ટલી
મહાનમાં મહાન લેખકને પણ
એકાદ ક્ષણ અહીં, એકાદ પળ ત્યાં, એટલું જ સાંપડે છે.

રોબર્ટ ફ્રોસ્ટ
[સાહિત્યકારો માટેનું સર્વોચ્ચ અમેરિકન સન્માન ‘પુલીત્ઝર પ્રાઇઝ’ચાર વખત મેળવનાર કવિ]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.