પીંપળવાડીથી બારડોલી – જુગતરામ દવે

               મુંબઈનું મારું બાળપણનું નિવાસસ્થાન પીંપળવાડી હતું. આસપાસ ચાલીઓથી ઘેરાયેલું વિશાળ મેદાન, વચ્ચે સુંદર નાળિયેરીનાં ઝાડ શોભી રહ્યાં હતાં.
               આ દિવસોમાં એક મારાથી સહેજ મોટી ઉંમરનો, ઝીણી ઝીણી દાઢીવાળો, પારદર્શક આંખોવાળો, હસમુખો, ગૌરવર્ણો અને ભગવાંધારી જુવાનિયો અમારી ચાલીમાં તેના મોટા ભાઈને ઘેર આવ્યો. અમે ચાલીના જુવાનિયાઓ તેના તરફ ખૂબ આકર્ષાયા અને વખતોવખત તેને વીંટળાઈ તેની સ્ફૂર્તિદાયક વાતો સાંભળવા લાગ્યા. આ મોહક સાધુ, જે ચાલીમાં રહેતાં સંસારીઓમાં ખૂબ જ છૂટથી ભળતા હતા, તે હતા સ્વામી આનંદ. અમે ધીમે ધીમે જાણ્યું કે અમારી ચાલીના બીજા માળ પર શિયાણીના બ્રાહ્મણ ગૃહસ્થો હરિલાલ તથા જયાશંકર દ્વિવેદી રહેતા હતા, તેમના એ નાના ભાઈ હતા. થોડાં વર્ષ પર તે આવી પડેલી લગ્નની તિથિ ચૂકવવા ઘેરથી નાસી છૂટયા હતા. સાધુસંતોનાં મંડળોમાં ફરતાં ફરતાં તે હિમાલયનાં પહાડી તીર્થસ્થાનોમાં ફરી વળ્યા હતા. તે દરમ્યાન જ્ઞાની અને યોગી સાધુઓના તેમ જ આધુનિક ભણેલાગણેલા સાધુઓ અને યાત્રીઓના પણ સંસર્ગમાં આવ્યા હતા. અનુભવ થતો ગયો તેમ અમે જોયું કે તે દેશની અનેક ભાષાઓ બોલી શકતા હતા. જેવું શુદ્ધ ગુજરાતી તેવું જ મરાઠી પણ તે શુદ્ધ દક્ષિણી બ્રાહ્મણો જેવું જ અસ્ખલિત રીતે બોલી શકતા હતા. હિંદી પણ તેવું જ. બંગાળીની પણ તેમને તેટલી જ છૂટ હતી એમ અમે સાંભળ્યું. અમે ઓળખતા ગયા તેમ તેમ જાણ્યું કે તેમના પરિભ્રમણ દરમિયાન તે દેશના જુદા જુદા ભાગોમાં નેતાઓ, સાધુઓ, ગૃહસ્થીઓ, સંસ્થાઓ, મઠો વગેરેમાં છૂટથી ભળ્યા હતા અને એકરસ થઈને રહ્યા હતા. ભાષાઓ એ તો એ ભળવાનું ઉપરનું ફળ જ હતું. ઊંડા પરિચયો, દિલોજાન મૈત્રીઓ, બાળકોનાં કિલ્લોલ, વૃદ્ધોના પ્રેમાશિષ એ બધાંનો તેમણે એ નાની ઉંમરમાં ભરપેટ લહાવો મેળવ્યો હતો.
               અમને એ પણ જાણવા મળ્યું કે સ્વામી જેમ સાધુસંન્યાસીમાં ફર્યા છે તેમ સ્વરાજના તીખા તમતમતા જહાલ નેતાઓ અને પત્રકારોમાં પણ એટલું જ ભળ્યા છે. તેમને ખુદ લોકમાન્ય ટિળકની સાથે પણ ઓળખાણ હતી.
               ટિળક મહારાજ માંડલેની જેલમાંથી ‘ગીતારહસ્ય અથવા કર્મયોગ’ નામનો મોટો મરાઠી ગ્રંથ લખી લાવ્યા હતા. સ્વામીને તે એટલો ગમી ગયો હતો કે તેમણે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી નાખ્યું હતું, અને પોતાના તે હસ્તલિખિત લખાણમાંથી એ કોઈ કોઈ વાર અમને વાંચી સંભળાવતા હતા.

**

               આશ્રમમાં હવે ગાંધીજીનું કામ જામવા લાગ્યું હતું. તેમણે એક સાપ્તાહિક ‘નવજીવન’ કાઢવાનું ઠરાવ્યું. તેનો પહેલો અંક તા. 7-9-19ને દિવસે નીકળ્યો. તે માટે અમદાવાદમાં એક નાનું સરખું પ્રેસ રાખી લીધું. આ કામ દિવસેદિવસે વધી રહ્યું હતું. પ્રેસના ચાલુ માણસો તેને પહોંચી વળતા નહોતા. ગાંધીજીને આ ભીડને વખતે સ્વામી આનંદ યાદ આવ્યા. તેમને ખબર હતી કે સ્વામીને છાપવા-છપાવવાના કામનો અનુભવ હતો, અને આ નવું કામ તે ખીલવી શકશે એવો તેમને વિશ્વાસ હતો. ગાંધીજીએ એમને બોલાવી લીધા અને ‘નવજીવન’ સાથે જોતરી દીધા. તે 1919ના અંતભાગમાં ‘નવજીવન’માં આવ્યા હશે.
               એ કામ સ્વીકાર્યા પછી સ્વામીએ એક-બે મહિનામાં મને વડોદરાથી બોલાવી લીધો. હું અમદાવાદ ગયો ત્યારે સ્વામી આર્ય ભુવનવાળા મકાનમાં ‘નવજીવન’નું કાર્યાલય ખોલીને બેઠા હતા.
               આ દિવસો 1919-20ના હતા, એટલે ગાંધીજી તરફથી સવિનયભંગની અને જાહેર હડતાળની અને ઉપવાસની હાકલો પડી રહી હતી. આથી નવજીવન પ્રેસમાં તેમના તરફથી રોજ હસ્તલિખિત લેખોનો ધોધ આવી રહ્યો હતો. ‘નવજીવન’નાં 8 પૃષ્ઠોને ઠેકાણે દરેક અંકમાં 12 ને 16 પૃષ્ઠો થવા લાગ્યાં હતાં. ચૂડી ઓળની સાંકડી ગલીમાં આવેલા તેનાથી પણ સાંકડા નવજીવન પ્રેસમાં રાતદિવસ ધમાલ ચાલતી હતી. છાપેલાં પાનાંના ટાઇપ ધોવાઈને ઉકેલાય તે પહેલાં નવાં પૃષ્ઠો છાપવાની તાકીદ ઊભી થતી રહેતી. તેમાં ગાંધીજીનાં ઘણી વાર પેન્સિલથી લખેલાં પાનાં ઉકેલવાનો રસિક વ્યાયામ સ્વામી અને તેમના મદદનીશોને માટે સારો રસ પૂરો પાડતો હતો. મશીન ચલાવનારાઓ, કંપોઝીટરો, પ્રૂફવાળાઓ સૌને દિવસના ચોવીસ કલાક ટૂંકા પડતા હતા. ઉજાગરા ઉપર ઉજાગરા કરવામાં તેઓ એકબીજા સાથે હરીફાઈ કરતા હતા, પણ તે શક્તિમાં સ્વામી સૌને ચડી જતા હતા. ત્રણ રાત્રાઓ અખંડ જાગરણ કર્યા પછી ચોથી સવારે પણ પ્રૂફ વાંચી છાપવાનો ઓર્ડર આપવા તે તૈયાર હતા.
               ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’માં બાપુએ અગ્નિ જેવાં તેજસ્વી લખાણોનો ધોધ વહેવડાવવા માંડયો હતો. ચૂડી ઓળનું નાનું છાપખાનું તેને માટે અતિ નાનું પડતું હતું. સ્વામીએ સારંગપુર તરફનું વિશાળ મકાન શોધી કાઢયું. મૌલાના મહમદઅલીએ બંધ કરેલા છાપખાનાનાં યંત્રો બાપુને આપી દીધાં. તે આ નવા મકાનમાં ગોઠવી દેવામાં આવ્યાં. સ્વામીને વધારે મદદનીશોની જરૂર હતી. મારી સાથેની વણલખી બોલી પ્રમાણે તેમણે મને પાછો નવજીવનમાં ખેંચી લીધો. બાપુએ અસહકારની લડત ઉપાડવાની તૈયારી માંડી હતી અને તે માટે બારડોલી તાલુકાની પસંદગી કરી હતી, અને પોતે 1921ના ડિસેમ્બરથી તાલુકાને લડત માટે સજ્જ કરવા બારડોલી જઈને પડાવ નાખ્યો હતો. સ્વામીને ઇચ્છા થઈ કે બાપુની નજીક રહી મારે પણ બારડોલીનું તાજું વાતાવરણ ‘નવજીવન’માં મોકલતા રહેવું. તે પ્રમાણે હું બારડોલી જઈ ત્યાંના લડતના સૈનિકોમાં ભળી ગયો અને દર અંકમાં ‘વાતાવરણ’ મોકલવા લાગ્યો.
               બાપુએ બારડોલીને પસંદગી આપવામાં ત્રણ શરતો મૂકી હતી, તેનું પાલન કરવા ઘણાં ગામો કેવો ભરચક પ્રયત્ન કરી રહ્યાં હતાં તે મને નજરે જોવા મળ્યું હતું. જે ગામે કોઈ પણ નેતા જાય ત્યાં કોઈ પણ ઘરમાં ગામલોકો ભેગા થતા, ત્યાં ગામના હરિજનોને ખાસ તેડી લાવતા અને સભામાં સૌની સાથે બેસાડતા. એ હરિજન ભાઈ કે બહેન ઘરના કૂવેથી પાણી સીંચે અને ભેગા મળેલા સૌ ગામલોકોને પોતાને હાથે પાણી પાય. આ રીતે તેઓ અસ્પૃશ્યતા-નિવારણની શરતનું પાલન પ્રત્યક્ષ કરી બતાવતા હતા.
               પછી બારડોલી તાલુકાનાં ઘણાંખરાં ગામોમાં તેમણે સરકારી નિશાળો ઉઠાડી મૂકી “રાષ્ટી” ચાલુ કરી દીધી હતી. આ રીતે સરકારી શિક્ષણના અસહકારની બીજી શરતનું તેમણે પાલન કરી બતાવ્યું હતું. “રાષ્ટી” કાઢવાની તેમની રીત ઘણી રમૂજી અને ગામડાંને શોભે તેવી હતી. ગામ ગામના જુવાનિયાઓ – ખાસ કરીને જે ગામોમાં “રાષ્ટી” આ પહેલાં નીકળી ચૂકી હતી ત્યાંના – ટોળે મળીને તે નવા ગામ ઉપર કૂચ લઈ જતા, અને સરકારી નિશાળ ઉઠાડી “રાષ્ટી” ચાલુ કરે ત્યાર પછી જ પોતે ભોજન કરશે એમ જાહેર કરતા. આ ભલા ખેડૂતો બીજું બધું સહન કરી શકે, પણ ઘેર આવેલા મહેમાનો – જેમાંના મોટા ભાગના પોતાના જ્ઞાતિબંધુઓ હોય તેઓ – ભૂખ્યા રહે, એ કેમ સહન કરી શકે ? તેમાંના કોઈ બહેનોના છોકરાઓ હતા, કોઈ મામા-માસીના હતા. અને ગામેગામના લોકો સાથે ગાઢ સંબંધવાળા કુંવરજીભાઈ ખાસ કાળજી લેતા કે એ ટોળીમાં આ ગામના થોડા જમાઈઓને પણ આગ્રહ કરીને સાથે લેવામાં આવે ! હવે ઘરને આંગણે આવેલા જમાઈરાજોને ભૂખ્યા કેમ સહન કરી શકાય ? નચિકેતાને ઘરને આંગણે ભૂખ્યો-તરસ્યો ત્રણ દિવસ સુધી બેસી રહેલો જોઈ યમરાજાના જીવને કંઈનું કંઈ થઈ ગયું હતું, પોતાનું બધું પુણ્ય બળી જાય છે એમ લાગ્યું હતું. તેવો જ અનુભવ બારડોલીના ખેડૂતોને થતો હતો. પુરુષો થોડા કલાક કઠણ કાળજું કરી જવાબ ન આપે, તો ગામની બહેનો ઘરમાંથી નીકળી સભા સમક્ષ ખુલ્લે મોઢે આવી કંઈ કંઈ વચનો સંભળાવી જતી અને ભરસભામાં પોતાના ઘરવાળાઓને શરમાવી જતી. લાજ કાઢવાના રિવાજવાળા ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી તેમ જ દેશના તેવા જ બીજા ભાગોમાંથી આવેલા નેતાઓ ઉપર બારડોલીની મહિલાઓનું આ સ્વરૂપ ખરેખરી વીરાંગનાઓ અને રણચંડીઓ સમું લાગે, એમાં શું આશ્ચર્ય ? ગામના લોકો વશ થઈ સરકારી શાળામાંથી છોકરાને ભગાડી મૂકતા અને કોઈના મોટા મેડા ઉપર તેમને ભેગા કરી તેમના ઉપર ગમે ત્યાંથી લાવીને એક રાષ્ટ્રીય શિક્ષકને બેસાડી દેતા, અને બાળકોનાં રાષ્ટ્રગીતોથી ગામ ગાજી ઊઠતું.
               આ ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓ રેંટિયા ઉપર મથી રહ્યાનાં દૃશ્યો પણ ગામેગામ જોવામાં આવતાં અને કોઈ કોઈ તો એ જાડા સૂતરને વણાવી તેનાં ધોતિયાં, પહેરણ અને ધોળી ટોપી પહેરતા પણ જોવામાં આવતા હતા. એ રીતે બાપુની વસ્ત્ર- સ્વાવલંબનની ત્રીજી શરત વિશે પણ નેતાઓને ખાતરી થતી હતી. હું ‘નવજીવન’ના સંજય તરીકે આવાં દૃશ્યો વચ્ચે ફરી રહ્યો હતો અને ‘નવજીવન’ની કટારોમાં એ બધું વાતાવરણ પીરસી રહ્યો હતો.
મારા પોતાના જીવન ઉપર પણ બારડોલીની ગ્રામપ્રજાનાં આ દૃશ્યો ઘેરી છાપ પાડી રહ્યાં હતાં. મને અહીંની ભૂમિ અને તેનાં નિવાસીઓ વિશે પોતાપણાની લાગણી થવા લાગી હતી. તેના પરિણામે આગળ ઉપર જ્યારે મારી સમક્ષ ‘નવજીવન’ અને આશ્રમશાળાનું કામ છોડી ગામડું વસાવવાનો વિચાર ઉપસ્થિત થયો, ત્યારે મારા ગ્રામપ્રદેશની શોધ કરવામાં મારે જરા પણ મનોમંથન કરવું પડયું નહીં.

જુગતરામ દવે
[‘મારી જીવનકથા’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.