બાળગંધર્વ – મૃણાલિની દેસાઈ

               વીસમી સદીની શરૂઆતમાં એક દિવસે રંગભૂમિનો મખમલનો પડદો ઊંચકાયો. નાટક જોવા જતા ગણ્યાગાંઠયા માણસો તે દિવસે પણ ત્યાં હતા. પણ હંમેશાં નાટક જોઈને ઘેર જાય ત્યારે તેઓ પાનના ડૂચા સાથે બેચાર રંગીલા શબ્દો જીભ પર રમાડતા જાય, તેને બદલે એ દિવસે નાટક જોઈને જે ગયા તે ગંભીર બનીને ગયા. તે દિવસે તખ્તા પર જે છોકરી જોઈ તે કેટલાકને પોતાની કન્યા જેવી લાગી, તો કોઈને એમાં પોતાની બહેન દેખાઈ. એ નાટક હતું ‘શારદા’.
               નાનકડી કન્યાનાં લગ્ન કોઈ જરઠ મુરતિયા સાથે લેવાયાં છે. વરરાજા આમ ખાસ ઉંમરલાયક તો ન કહેવાય – હમણાં જ પંચોતેર પૂરાં થયાં છે ! પણ પૈસો સારો છે. કન્યા કરગરે છે, મા કલ્પાંત કરે છે, જુવાનિયાઓ અકળાય છે. જોનારાનાં મન જીતી લીધાં હતાં ગભરુ બાળા ‘વલ્લરી’એ. એ બોલે તો જાણે મોતી ખરે. ગાય ત્યારે બધાં મંત્રામુગ્ધ બની જાય.
               ટિળક મહારાજે આ નવા નાનકડા અભિનેતાની કીર્તિ સાંભળી. ગાન પણ સાંભળ્યું. છોકરો નાનો ને નમણો, અને કંઠ તો જાણે દેવનો દીધેલો ! લોકમાન્ય ડોલી ઊઠયા : “આ તો બાળગંધર્વ માનવીની દુનિયામાં અવતર્યા છે !” બસ, તે દિવસથી આ બાળ-અભિનેતા ‘બાળગંધર્વ’ તરીકે જાણીતા થયા.
               હવે તો સારા સારા માણસો નાટક જોવા લાગ્યા. સાક્ષરોની કલમ નાટ્યલેખન તરફ વળી. એમની પ્રભાવી ભાષા ઝીલી લઈ, કથાવસ્તુને અંતરમાં ઉતારી, એ નાટકોની નાયિકા બની, ‘બાળગંધર્વ’ તખ્તા પર ચમકવા લાગ્યા. અને પછી તો, લેખકના મનમાં રમતું હોય પણ તે વ્યક્ત કરતા શબ્દો ન જડયા હોય એવા એના મનના ભાવ એના અભિનયમાંથી ખીલવા લાગ્યા.
               ‘સ્વયંવરા’ નાટકની શરૂઆત છે : રુક્મિણી દાદરાનાં પગથિયાં ઊતરે છે. લેખકે ત્રણ જ શબ્દ એનાં મોંમાં મૂક્યા છે : “દાદા, તે આલે ના ?” (ભાઈ, એ આવ્યા ને ?) ત્રણ જ શબ્દ, પણ એમાં સ્ત્રીસુલભ શાલીનતા છે, પ્રથમ પ્રીતિનો ગુલાબી આવિષ્કાર છે, પ્રિયતમને આવકાર છે, મનોભાવનું સૂચન છે. કૃષ્ણ પ્રવેશ કરે તે પહેલાં જ ખાતરી થાય છે કે આ જે ‘એ’ છે તે અને આ દેવી અવિભક્ત છે, એક છે. માત્ર ત્રણ સાદા શબ્દોમાંથી પ્રેક્ષક જે પામે છે તે કોઈ મહાકાવ્ય વાંચીને ભાગ્યે જ પામે !
               હવે તો આબાલવૃદ્ધોથી પ્રેક્ષકગૃહો ઊભરાવા લાગ્યાં. રસિક પ્રેક્ષકો ગામેગામ એ નાટક કંપની સાથે ફરવા લાગ્યા. બહેનો પણ નાટકો જોવા લાગી. પોતાના ઘરમાં કેવી સૌંદર્યવતી, ચતુરા, બુદ્ધિમતી નારીઓ વસે છે તે જોવાની દૃષ્ટિ બાળગંધર્વે પુરુષોને આપી. બહેનો પણ ચાતુર્ય, વેશભૂષા ને કેશરચનાનું કૌશલ્ય, બોલવું-ચાલવું- હસવું, ઘણું બધું એમની પાસેથી શીખી.
               ‘એક ચ પ્યાલા’માં લખનાર કવિને પણ ડોલાવી જાય એવો અપ્રતિમ અભિનય. બાળગંધર્વે બીજું કાંઈ ન કર્યું હોત તો પણ એ અભિનય ખાતર જગતે એને કીર્તિમાળા પહેરાવી હોત. પણ આવા અભિનયની સાથે બીજી પણ અમૂલ્ય ભેટ એમણે સંસારને ધરી દીધી : સંગીતની. એમના “મધુમધુર” સૂર કંઠેકંઠમાં જઈને વસ્યા. મહારાષ્ટ્ર આખાને સંગીતનું ભાન કરાવ્યું બાળગંધર્વે.
               શાસ્ત્રીય સંગીતમાં પણ હલનચલનની નજાકત બિલકુલ બગાડયા વગર, મુખના ભાવને અર્થ-સ્વર-લય સાથે મેળમાં રાખી બાળગંધર્વ રાગ છેડે, ત્યારે જાણકારો આફરીન થઈ જાય. રાત પૂરી થવા આવતી, પણ સંગીત ને અભિનયની સમાધિમાં ભાન ક્યાંથી રહે ? સુભદ્રાના ભાઈ કૃષ્ણ રુક્ષ્મણીની વિદાય લેવા ઊઠી “પ્રિયે, રાત્રીચા સમય સરુનિ યેત ઉશઃકાળ હા” – એ ભૂપ રાગ લલકારે ત્યારે જ કાંડા પરનાં ઘડિયાળો તરફ લોકોની નજર જાય. પરોઢના ચાર વાગ્યા હોય, પાંચ પણ થયા હોય !

મૃણાલિની દેસાઈ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.