શિખરોના સમ્રાટની સલામીએ – ઇન્દુલાલ ગાંધી

               પર્વતારોહણના જૂના અનુભવીઓ તથા અનેક આશાસ્પદ નવા ડુંગરખેડુઓમાંથી કાળજીપૂર્વક ચૂંટેલા દસ આદમીઓની બનેલી અમારી બ્રિટિશ ટુકડી આ વરસે (1953) હિમાલયના એવરેસ્ટ શિખરને સર કરવા નીકળી છે. એ દસમાંના બે ન્યુઝીલેંડના વતની છે, બાકીના અંગ્રેજ. અમારી મંડળીમાં એક દાક્તર પણ છે, જે જાતે ચુનંદા પહાડખેડુ છે; એક શરીરશાસ્ત્રી છે ને એક ફોટોગ્રાફર છે. બે જણ સિવાયના બીજા બધા આ અગાઉ પર્વતરાજ હિમાલયનો પ્રત્યક્ષ પરિચય કરી આવેલા છે.
               કોઈને થશે કે અમે શા માટે આમ પહાડો ચડવા નીકળતા હશું ? એના જવાબમાં અમારામાંનો પ્રત્યેક જે કહેશે તેમાં જુદી જુદી બાબતોનું વધુઓછું મહત્ત્વ જણાશે. પણ હું ધારું છું કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં માનવીના પુરુષાર્થની પાછળ જે પ્રયોજન પડેલું હોય છે તે જ અમારા પ્રયાસનું પણ મુખ્ય કારણ ગણાવી શકાય. એક અણઉકેલ્યા કોયડાનો ઉકેલ શોધવાનો તરવરાટ એ જ અમારું પ્રયોજન. મનુષ્યે હજી જેની ઉપર પગ ન મૂક્યો હોય તેવું પ્રત્યેક શિખર તે પહાડખેડુઓ માટે એક અણઉકલ્યા કોયડા સમાન જ છે. પહાડખેડુના સમસ્ત જીવનને, તેના સામર્થ્યને પડકાર કરતું એ શિખર ઊભું હોય છે. અને એવરેસ્ટનું અજેય, ઊંચામાં ઊંચું શિખર એ પડકારનું ભવ્ય પ્રતીક છે.
               એક વાત હું બિલકુલ સ્પષ્ટ કરી દેવા માગું છું તે એ કે એક ટુકડી તરીકે અથવા વ્યક્તિગત રીતે પણ એવરેસ્ટ ઉપર ચડવાની કોઈ હરીફાઈમાં અમે ઊતર્યા હોઈએ તેવી ભાવના અમારા મનમાં સમૂળગી નથી. અમારી પહેલાં ગયે વરસે જ સ્વિટ્ઝરર્લેન્ડની ટુકડીએ એવરેસ્ટ-આરોહણનો પ્રયાસ કરેલો અને, જો અમે નિષ્ફળ જઈશું તો, આવતે વરસે અમારા ફ્રેંચ મિત્રો પણ પ્રયાસ કરશે. એવરેસ્ટ ઉપર અમે સૌથી પહેલા ચડી શકીએ તો તેનો આનંદ તો થાય જ. પણ અમારે મન મહત્ત્વની વાત એવરેસ્ટનો પડકાર ઝીલવાની છે – બીજાઓ સાથે હોડમાં ઊતરવાની નહિ. વળી, સમગ્ર ટુકડીરૂપે અમે આ કોયડો ઉકેલવા નીકળ્યા છીએ; તે છતાં, એવરેસ્ટની ટોચે પ્રથમ પહોંચવાનું સદ્ભાગ્ય પોતાને સાંપડે તેવી ગુપ્ત ઝંખના અમારા દસેયના દિલમાં લપાયેલી ન પડી હોય તો જ નવાઈ લાગે.
               આ વરસના પ્રયાસમાં સફળ થવાની અમને આશા છે તે મુખ્યત્વે આગલી ટુકડીઓ પાસેથી સાંપડેલા સારા એવા અનુભવ અને જ્ઞાન ઉપર મંડાયેલી છે. આગલા વરસના પ્રયાસ પછી થયેલી વિજ્ઞાનની નવામાં નવી શોધોનો લાભ અમે લઈ શક્યા છીએ તે પણ અમારું પલ્લું નમાવતી હકીકત છે. એક છેલ્લી કડી સિવાયનો આખો કોયડો લગભગ ઊકલી ગયેલો પડયો છે. અમારા હાથ મજબૂત બનાવનારાં આ જ્ઞાન-માહિતી ભૂતકાળમાં કેવી રીતે સાંપડયાં છે તે પણ ખ્યાલમાં રાખવા જેવું છે. એવરેસ્ટ શિખર ઉપર ચડવાની શક્યતાઓ તપાસવા પહાડખેડુઓની પહેલવહેલી ટુકડી હિમાલયને પ્રવાસે ગઈ તે વાતને આજે ત્રીસથી વધુ વરસ થઈ ગયાં. 1921ના એ પ્રથમ પ્રયાસ પછી બીજી દસ ટુકડીઓ એ પર્વતાધિરાજ ઉપર ચઢાઈ કરી ચૂકી છે – અને તેમાંથી સાતની નેમ તો એવરેસ્ટને સર કરવાની જ હતી. એ દસમાંથી ત્રણ (ગયા વરસની સ્વીસ ટુકડી તથા 1924 અને 1933ની બ્રિટિશ ટુકડીઓ)ને તો વિજય હાથવેંતમાં જ હતો. બે વરસ પૂર્વે એરિક શિપ્ટનની આગેવાની નીચેની ટુકડીએ જે કેડાની તપાસ કરી હતી અને સ્વિસ ટુકડી જેના લગભગ છેડા સુધી પહોંચી હતી તેનો જ અમે પણ મુખ્ય ઉપયોગ કરવાના છીએ.
               આ બધી હકીકત મારે મન ખૂબ મહત્ત્વની છે. અત્યારે અમે ક્યાં ઊભા છીએ અને હવે કેટલું કરવાનું બાકી રહે છે તે એમાંથી દેખાય છે. એ હકીકતો બતાવે છે કે અમારું આ કોઈ નવલું સાહસ નથી. જે કથાનો મોટો ભાગ આલેખાઈ ચૂક્યો છે તેને જ અમે થોડી આગળ ચલાવવાના છીએ. અમારી પૂર્વે હિમાલયની ટોચ ભણી જઈ આવેલા સહુ કોઈની પ્રત્યે અમારું જે ઋણ છે તે 1953ની અમારી એવરેસ્ટ-ટુકડીના હૈયામાં પૂરેપૂરું વસેલું છે. સાથોસાથ, કુશળ માનવીઓએ આટઆટલા પ્રયાસો કર્યા છતાં જે ધ્યેય સિદ્ધ નથી થયું તે અમને રમતવાતમાં સાંપડી જશે તેવો મૂર્ખાઈભર્યો આશાવાદ પણ અમે સેવતા નથી.
               અમારી અગાઉની ટુકડીઓએ જેની ઉપર પ્રકાશ ફેંક્યો છે ને જે અમારે પાર કરવાની છે તેવી સૌથી મોટી કસોટી કઈ છે ? ઝીણવટથી જોતાં એવરેસ્ટના ગઢ ઉપરના છેલ્લા 1,000 ફૂટના ચઢાણમાં જ એ કસોટી રહેલી છે. એવરેસ્ટની ઓતરાદી ને દખણાદી ધાર ઉપર 28,000થી વધુ ફૂટની ઊંચાઈ સુધી તો જુદી જુદી ટુકડીઓ કે એકલ પર્વતવીરો આજ પૂર્વે ચાર પ્રસંગે પહોંચી ચૂકેલ છે. છેક 1924માં નોર્ટન એકલો એટલે ઊંચે પહોંચેલો; અને એ જ વરસે મેલોરી તથા ઈરવિન પણ એટલી જ અથવા એથીય વધુ ઊંચાઈએ પહોંચ્યા હોય તે બનવાજોગ છે. 1933ની ચડાઈ દરમિયાન વેઈજર અને વિન હેરિસ તથા પાછળથી એકલપંથી ફ્રેંક સ્મિધી પણ ઓતરાદી ધાર ઉપર લગભગ નોર્ટનના જેટલી જ ઊંચાઈએ પહોંચેલા. ગયે વર્ષે લેંબર્ટ તથા શેર્પા મજૂર તેનસિંગ દખણાદી ધાર ઉપરથી એટલી જ ઊંચાઈએથી પાછા ફરેલા. એટલે, ફક્ત છેવટના 1,000 ફૂટના પંથ ઉપર જ પગલાં પાડવાનાં બાકી રહે છે. પણ વાત એમ લાગે છે તેટલી સહેલી નથી. એવરેસ્ટનો આખરી ગઢ અવિજેય રાખનારી બે બાબતો છે – ઊંચાઈ અને હવામાન.
               એવરેસ્ટના કે બીજા કોઈ પણ ઉત્તુંગ શિખરના ઊંચાણ પ્રદેશની આસપાસ વીંટળાયેલી પાતળી હવામાં હલનચલન વધુ ને વધુ મુશ્કેલ બને છે; અને પ્રાણવાયુના અભાવને પરિણામે મગજશક્તિ મંદ ને ક્ષીણ બની જાય છે. બીજી બાજુથી, હવે એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે માણસ જો મોટી ઊંચાઈએ સારો એવો સમય રહીને ત્યાંના વાતાવરણથી ટેવાઈ જાય, તો ઉપર કહી વિપરીત અસરોમાંથી એ થોડોઘણો પણ ઊગરી શકે છે. આ બાબતમાં કોઈ પણ નવી ટુકડીને આગલી ચઢાઈનો અનુભવ ખૂબ ઉપયોગી થઈ પડે છે. એ રીતે ક્રમે ક્રમે મોટી ઊંચાઈએ જીવવાની આદત પાડતો પાડતો મનુષ્ય 23,000 ફૂટની ઊંચાઈએ પહોંચી શકે, ને વધુ ઊંચા શિખર પર છાપો મારવાની તૈયારી કરવા જેટલો કાળ ત્યાં વિના હરકતે વિતાવી શકે એમ હવે ખાતરીપૂર્વક કહી શકાય તેવું છે.
               પણ એટલે પહોંચ્યા પછી જ મુસીબત ઊભી થાય છે. તેથી જ, 26,000 ફૂટથી વધુ ઊંચાં જગતભરનાં શિખરો ઉપર ચડવાની મુશ્કેલીઓ જુદા જ પ્રકારની રહે છે. ક્રમે ક્રમે મોટી ઊંચાઈના વાતાવરણથી ટેવાઈ જવાની મનુષ્યની શક્તિની પણ ત્યાં સીમા આવી જાય છે, કારણ કે માનવીની કાયાના સ્નાયુઓ ત્યાંથી ઢીલા પડવા માંડે છે, તેની શક્તિ ઘટવા માંડે છે, ઠંડી વેઠવાની તેની તાકાત મંદ પડતી જાય છે, ભૂખ- તરસની લાગણીઓ ક્ષીણ થતી જાય છે, ને ઊંઘમાંથી એ આરામ પણ મેળવી શકતો નથી. એટલે 23,000 ફૂટ સુધી ધીમે ધીમે, શરીરને નવા નવા વાતાવરણથી ટેવાવા દઈને, આગળ વધતા પહાડખેડુને એટલી ઊંચાઈએ પહોંચીને પછી એકાએક પોતાની ચાલ બદલવી પડે છે ને રહ્યાસહ્યા અંતર ઉપર વીજળિક વેગે છાપો મારવો પડે છે. જોકે હિમાલયના કોઈ શિખર ઉપર વેગીલો છાપો મારવો એમ કહેવું તે પણ બેહૂદું છે, કારણ કે હકીકતમાં એ ક્રિયા અતિ વેદનાભરી ને ધીમી હોય છે. માણસ જેમ ઉપર ચડતો જાય તેમ તેમ તેના શરીરે કદી ન અનુભવેલું વાતાવરણ તેને ભેટતું જાય છે. શરીરબળ અને મનોબળ ટકાવી રાખવાનું વિકટ ને વિકટ બનતું જાય છે. ઓછી ઊંચાઈએ સામાન્ય ડુંગરખેડુ યે જેની આગળ નમે નહિ તેવી મુશ્કેલીઓ પણ 23,000 ફૂટની ઉપર ગયા પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ને ભલભલા પર્વતવીરોને હંફાવે છે. એટલે, ખાંડીએક બોજો વેઠતું ઊંટનું કાઠું છેવટના એક તણખલા-ભારે જ ભાંગી પડે તેમ, હજારો ફૂટનો પંથ કાપી ચૂકેલો માણસ છેવટના થોડાક ચઢાણ દરમિયાન જ તૂટી પડે છે. અને એવરેસ્ટ ઉપર તો એ છેવટનું ચઢાણ પણ નાનુંસૂનું નથી – પૂરા 6,000 ફૂટનું. એ 6,000 ફૂટનું અંતર, માત્ર પોતાના શરીરબળને આધારે ચઢતો માનવી એક જ દિવસમાં કે બે દિવસમાં પણ પાર કરી શકે નહિ. પાકા ચાર દિવસનું એ ચઢાણ છે; અને વાટમાં રાતવાસાની ત્રણ છાવણીઓ પણ ઊભી કરવી પડે કે જેથી ઉપર પહોંચ્યા પછી પાછા 23,000 ફૂટની સીમાએ ક્ષેમકુશળ ઊતરી શકાય.
               રાતવાસા માટેની આ છાવણીઓ માટે તંબુઓ જોઈએ, કોથળા-પથારી જોઈએ ને પર્વત આરોહણનો સરંજામ જોઈએ. આ બધું કાંધે નાખીને 23,000 ફૂટ પછીની ઊંચાઈઓએ પહોંચાડવું જોઈએ. ચઢનારાઓને ઠંડી સામે પૂરતું રક્ષણ આપી શકાય ને તેમની સાધારણ સગવડ પણ જાળવી શકાય તેટલી ચીજવસ્તુઓ લેતાં પણ બોજો સારી પેઠે વધી જાય છે. વળી એવરેસ્ટના ભાવિ વિજેતાઓની કાંધ ઉપર જ આ વધારાનો બોજો લાદીએ તો તેમનું કાર્ય વધુ અશક્ય જ બને છે. એટલે જેમને ટોચ સુધી જવાનું ન હોય તેવા બીજા માણસો પાસે એ સામાન ઉપડાવવો પડે છે. બહુ ઊંચાઈએ આવેલી છાવણીઓ બને તેટલી નાની રાખવા માટે આ સામાન ઉપાડનારી ટુકડીઓને પણ વારાફરતી મોકલવી પડે છે; એટલે તમામ જરૂરી સરંજામ ઉપર પહોંચતાં કેટલાય દિવસનો ગાળો વીતી જાય છે. અને એ સમય-ગાળો પણ લંબાતો જાય છે કારણ કે એટલી બધી ઊંચાઈએ માણસ બહુ મર્યાદિત બોજો ઉપાડી શકે છે. 25,000 ફૂટ ઉપર ગયા પછી વીસેક રતલનો ભાર જ તેનાથી ઊપડે છે. આ રીતે કોઈ પણ ઊંચા શિખર પર ચઢવામાં બે રીતે સમય બહુ વીતે છે : પ્રથમ તો શરીરને ધીમે ધીમે ઊંચાઈના વાતાવરણથી કેળવવામાં, ને પછી આખરી છાપાની મંદ ગતિએ આગળ વધવામાં. આ તો થઈ ઊંચાઈની વાત. અહીંથી હવે એટલી જ નિર્ણાયક ને અકળ બીજી મુશ્કેલીની – આબોહવાની – કથની શરૂ થાય છે.
               એવરેસ્ટની ટોચે પહોંચવાનો ગંભીરપણે પ્રયાસ પણ જ્યારે થઈ શકે તેવા સમય-તબક્કાઓ વરસ આખામાં બહુ થોડા આવે છે, ને તેમની આવરદા સાવ ટૂંકી હોય છે. નવેમ્બરથી માર્ચ સુધીના આખા શિયાળા દરમિયાન ઉત્તરપૂર્વમાંથી ભયાનક પવન સતત ફૂંકાયા કરે છે. 70થી 80 માઈલના પ્રચંડ વેગવાળા એ વાયરાની ઠંડી કાતિલ હોય છે. હિમાલયનાં ઓતરાદાં પડખાં ઘસતો ઘસતો એ દક્ષિણની ધાર ઉપર ચંચળ બરફના અતિ જોખમી ગંજ ખડકે છે. શિયાળાના આ બધા મહિનાઓ દરમિયાન એ કારણે કોઈ પણ ઊંચા શિખર ઉપર ચઢવું અશક્ય બની જાય છે. મે માસની આખરે કે જૂનમાં ઉનાળો બેસતાંની સાથે જ એ હિમવાયુ સામે પ્રતિઆક્રમણ કરતો દક્ષિણ-પૂર્વનો મેઘ આવી પહોંચે છે. બંગાળના ઉપસાગર પરથી આવેલો આ ભેજભર્યો પવન ઊંચાં શિખરો ઉપર ઢગલાબંધ બરફ ઠાલવે છે. આખો ઉનાળો એ પવન ફૂંકાયા કરે છે, ને છેવટે સપ્ટેમ્બરના આખરી દિવસોમાં શાંત પડે છે. ચોમાસા દરમિયાન થોડું ચઢાણ થઈ શકે ખરું, પણ 23,000 ફૂટથી ઉપર જવાની કોઈ આશા ત્યારે હોતી નથી. એવરેસ્ટ ઉપર પહોંચી જવાની એકમાત્ર તક શિયાળુ વાયરો પડી જાય અને ચોમાસુ પવન આવી પહોંચે તે બેની વચ્ચેના ગાળામાં જ મળી રહે છે. અમે જે તકનો લાભ લેવા ધાર્યું છે તે તો ચોમાસું બેઠાં પહેલાના સમયગાળાની છે. પાછલાં વર્ષોના ઇતિહાસ ઉપરથી અનુમાન કરીએ તો આ વચગાળો આઠથી દસ દિવસ સુધી જ લંબાશે એમ લાગે. પરંતુ એ વચગાળાના દિવસો પૂરતુંયે તુઓનું તોફાન થંભે નહિ તે પણ બનવાજોગ છે. અમારી પૂર્વે થયેલી સાત સાત ચડાઈઓમાંથી ફક્ત 1924માં જ આબોહવા તેમ જ બરફે અકસ્માત પહાડખેડુઓને યારી આપી હતી.
               અમારી સામેની ઊંચાઈની તથા આબોહવાની બેવડી મુશ્કેલી આટલા ઉપરથી કાંઈક વધુ સ્પષ્ટ થઈ હશે. ઊંચાણને કારણે માણસ ધીમો પડે છે, થાકી જાય છે; પરિણામે તેને આશરો, ગરમી ને ખોરાક પૂરાં પાડવાં પડે છે; ને તેમ કરવા જતાં તેની ધ્યેયસિદ્ધિ માટે વધારે સમયની જરૂર પડે છે. બીજી બાજુથી આબોહવા આવીને તેની સમક્ષ પડેલી સમય-મર્યાદા સાવ ટૂંકાવી નાખે છે – ને ક્યારેક એટલો મર્યાદિત ગાળો પણ એ રહેવા દેતી નથી.
               આ કોયડાના સંભવિત ઉકેલની દિશાઓ હવે પોતાની રૂપરેખા ઉપસાવતી આવે છે. પહેલી જરૂર તો, જાણે કે, બે ઋતુઓ વચ્ચેના વિરામકાળની તક, જો તે મળે તો, ઝડપી લેવા તૈયાર રહેવાની છે. એનો અર્થ એ કે એ વિરામકાળનો વહેલામાં વહેલો આરંભ, પાછલા અનુભવને આધારે, અંદાજીને તે ઘડીએ 23,000 ફૂટ ઉપર પહોંચી, ત્યાંના વાતાવરણથી ટેવાઈ જઈ, ટોચ ઉપર છાપો મારવા સજ્જ બનીને ખડા રહેવું જોઈએ. અમે ધારીએ છીએ કે વહેલામાં વહેલી એ ઘડી મેની 15મીએ આવશે. ત્યાં સુધીમાં છેલ્લા છાપા માટેનો તમામ જરૂરી સરંજામ અમારે 23,000 ફૂટ સુધી પહોંચતો કરી દેવો જોઈએ. તે પછી, બીજી જરૂર એ છે કે, સાનુકૂળ આબોહવાનો જે કોઈ ગાળો અમારા નસીબમાં આવી પડે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે અમારી પાસે તે ઘડીએ તંદુરસ્ત ને સશક્ત પહાડખેડુઓ તથા સરંજામ અને ખાધાખોરાકી પૂરતા પ્રમાણમાં તૈયાર હોવાં જોઈએ. એવરેસ્ટનું ચઢાણ ઘણું આકરું છે ને અમારા પહેલા જ કે બીજા છાપાએ પણ એ સર થશે તેવું માની લઈ શકાય નહિ. બેશક, તેની પણ મર્યાદા રહેલી છે. સેંકડો માણસોની સેના ને ટનના ટન જેટલો સરંજામ લઈને પર્વત ઉપર આક્રમણ કરવા નીકળવાનું ન હોય. પરંતુ પહેલા છાપામાં જ અમારી તમામ તાકાત ખતમ કરી દીધેલી તેથી, તક હોવા છતાં પણ, બીજો છાપો મારી શક્યા નહિ – એવું અમારે નીચે આવીને કહેવું પડે તે પણ સારું નહિ.
               અમારા આશાવાદનાં બીજાં પણ કારણો છે : અમારી યોજના ને તૈયારીઓમાં, અમારા માલવાહક મજૂરોમાં ને ખુદ અમારી જાતમાં, અમારા ઉત્તમ પ્રકારના ને પૂરતા સરંજામમાં અમને વિવેકપૂર્ણ શ્રદ્ધા છે. આ બધું અમને પૂરું પાડવા માટે જે અનેક લોકોએ નિસ્વાર્થભાવે મહેનત કરી છે તેમને હું અંજલિ આપું છું.
               પણ બધી વાતને અંતે, અમારી જે આખરી આશા છે તેનો તો ખરેખર કોઈ પાયો જ નથી. તેમ છતાં, જેમ અમે મૂરખ આશાવાદીઓ નથી તેમ નિરાશાવાદીઓ પણ નથી જ. ભાગ્યવિધાતા પાસે જરીક સાનુકૂળ આબોહવાની યાચના કરતાં કરતાં શિખરોના સમ્રાટની સલામીએ અમે જઈ રહ્યા છીએ.

જોન હંટ (અનુ. મહેન્દ્ર મેઘાણી)

**

હોઠમાં હજાર વાત,
એથી યે અનેક લાખ વાત નેનમાં;…
પાંપણો જરાક ઊંચકાય ત્યાં અપાર દૃશ્ય
આવીને સમાઈ જાય નેનના ઉછંગમાં.

ઇન્દુલાલ ગાંધી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.