વેગળાં ને વેગળાં જ !

               આપણા ઘરની નિયમિત મુલાકાત ત્રણ જણા લેતા હોય છે : એક છે છાપાંવાળો, બીજો દૂધવાળો અને ત્રીજો ટપાલી. આ ત્રણે સ્વજન જેવા લાગવા જોઈએ. આ ત્રણે મૂક સેવકોને આપણે ક્યારેય બે સારા શબ્દોથી આવકારીએ છીએ ખરા ? એ લોકો આપણે બારણે આવે ત્યારે પાણીનો ભાવ પણ પૂછીએ છીએ ખરા ? વરસને વચલે દહાડેય તેમને એક કપ ચા કે નાસ્તો ધરવાનું સૌજન્ય બતાવીએ છીએ ખરા ? એક જીવતો માણસ આપણે ત્યાં લગભગ નિયમિત રીતે આવતો રહે તોય એના અસ્તિત્વનો સ્વીકાર કરવાની તમીજ આપણામાં હોય છે ખરી ?
ઘરમાં કામ કરતી કામવાળી એક એવું પાત્રા છે જે ઉપેક્ષાયા કરે છે. એ કેઝ્યુઅલ લીવ, સીક લીવ, હાઉસ રેન્ટ, બેઝિક પગાર, મોંઘવારી અને પ્રોવિડન્ટ ફંડથી પર છે. એના અસ્તિત્વનો સ્વીકાર એની ઓચિંતી ગેરહાજરી વખતે જ થાય છે. ઓછામાં ઓછા પૈસે વધારેમાં વધારે કામ કરાવવાનું એક ષડ્યંત્રા ગોઠવાઈ જાય છે. જ્યાં કામવાળીઓ આ અંગે થોડી જાગૃતિ બતાવે છે, ત્યાં ‘દિવસો ખરાબ આવ્યા’ એવી વાતો થવા માંડે છે.
રોજબરોજ આપણા સંપર્કમાં આવતા અને આપણું જ કામ કરતા માણસો સાથે આપણે શરીરથી નખ વેગળા રહે એવું વર્તન રાખીએ છીએ.

ગુણવંત શાહ
[‘નૂતન શિક્ષણ’ માસિક : 1977]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.