શબ્દ એ શસ્ત્રા-ફિલ બોસ્મન્સ

કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.
શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે.
તમારી જીભને કારણે સામો માણસ ગમાર લાગે એવું તો ન જ કરો.
તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે એવું તો કરતા જ નહીં.
એક કઠોર શબ્દ, એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક કાયમી જખમ.
સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે,
જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે,
કંઈક જુદું જ અનુભવે છે અને બોલે છે –
થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રુઝાવો.
શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઈએ, શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ, જે લોકોને એકમેક સાથે જોડી આપે અને સુખચેનનો અહેસાસ કરાવે.
શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે, લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.
જિંદગી બહુ જ ટૂંકી છે. અને આપણી દુનિયા કુરુક્ષેત્ર બનાવવા માટે બહુ નાનકડી છે.
મારે જે કહેવું છે એના વિશે હું પૂરેપૂરું જાણું નહીં ત્યાં સુધી, હે ઈશ્વર, મારી વાણીના તીરને મ્યાન કરવામાં મદદ કર.

ફિલ બોસ્મન્સ (અનુ. રમેશ પુરોહિત)
[‘સુખને એક અવસર આપો’ પુસ્તક : 1993]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.