એમ પણ બને-મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજાને છળે એમ પણ બને.

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.

તું ઢાળ ઢોલિયો : હું ગઝલનો દીવો કરું
અંધારું ઘરને ઘેરી વળે, એમ પણ બને.

મનોજ ખંડેરિયા

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.