સંસ્થાઓથી દૂર રહેજો-ઝવેરચંદ મેઘાણી

                   સોરઠી યુવક સંઘ સ્થાપવાની તમારી ઉમેદને ધક્કો લાગે તેવું કંઈ ન લખવાની મારી ઇચ્છા હતી, પણ તમે મારા પ્રતિ જે શ્રદ્ધા રાખીને પુછાવેલ છે તે શ્રદ્ધાને જો હું મારા મનોભાવ છુપાવી, તમને રૂડું લગાડવા ખાતર જ પંપાળતું લખું તો અન્યાય કરી બેસું. મારા વિચારો આ છે : મને સંસ્થાઓ પર ઇતબાર નથી; તમે બધા કંઈ કામ કરવાને બદલે બંધારણના ઝઘડામાં ને નાણાંની બેજવાબદાર અવ્યવસ્થામાં અટવાઈ જશો, તેને પરિણામે નર્યા લોહીઉકાળામાં પડી જઈ અભ્યાસ, નિજાનંદ, મૈત્રીનો આનંદ, બધું જ ચૂકશો. ભલા થઈને સંસ્થાઓથી દૂર રહેજો. એ કરતાં તો અવિધિસરનાં સ્નેહ-મૈત્રી-મિલનો કેળવજો ને અંદરખાનેથી ઉત્તમ ભાવનાઓ ચોમેર રેલાય તેવું મુક્ત જીવન ખીલવજો. કોઈ કોઈ વાર મેળારૂપે મળો તો પણ એ પ્રસંગ પૂરતો જ સમારંભ કરીને પછી વીંખી નાખજો. સંસ્થા કદી રચશો નહીં.

ઝવેરચંદ મેઘાણી
[પુષ્કર ચંદરવાકર અને મિત્રો પર પત્ર : 1940]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.