વાતવાતમાં ‘શામળિયોજી આવ્યા’ ! – ઝવેરચંદ મેઘાણી

               ભાઈ ચેલૈયા, ખરે જ જો આ શિયાળબેટ તારી માભૂમિ હોય, સાચે જ જો આ ખાંડણિયો તારા લોહીથી ખરડાયેલ અબોલ સાક્ષી હોય, તો હું તને કહું છું કે લાખો નાનકડા ચેલૈયા તારું ગીત સાંભળી તારી જોડે જ કપાયા ને કંડાયા છે. તારાં ફૂલની કણી પણ આ મિટ્ટીમાં ક્યાંક પડી હોય તો એને કાને પુકારું છું કે બાવાઓ, સાધુઓ, ધર્મગુરુઓનો એનો એ અઘોર પંથ ચાલ્યો આવે છે, મા-બાપોની અંધશ્રદ્ધા હજુ ય ઘેર ઘેર કિશોર કુમળા ચેલૈયાઓનો – શરીરનો નહિ પણ આત્માનો – વધ કરી રહેલ છે. ને સામે બેઠેલું માનવભક્ષી ધર્મપાખંડ આહુતિ પછી આહુતિ પામતું ‘હજુ લાવો !’ ‘હજુ લાવો !’ની હાક પાડી રહેલ છે. બંધુ ચેલૈયા, નક્કી કોઈ અઘોરી જોગીએ આવી દશા કરી હશે, પણ આપણે કરુણ અંત સહી શકતા નથી એટલે પ્રભુએ પ્રગટ થઈ તમને સહુને સજીવન કર્યા એવો સુખદ અંત બાપડા લોકકવિએ ઠોકી બેસારેલો હોવો જોઈએ.
               ના, ના, એ કથાઓ જેવી સીધી ને મર્મવેધક છે તેવી જ છો રહી. એમાંથી અંતરાત્માઓનાં મંથનો જાગે છે; એ નિગૂઢતાને માનવી યુગયુગો સુધી વિચાર્યા કરે, સારાસાર ખેંચ્યા કરે, જીવનનું સ્વતંત્ર ઘડતર કર્યા કરે. વાતવાતમાં ગરુડે ચડીને શામળિયોજી આવ્યાની ચાવી બેહૂદી લાગે છે.

ઝવેરચંદ મેઘાણી
[‘સોરઠને તીરે તીરે’ પુસ્તક : 1933]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.