અમર બે મિનિટ

                 જનરલ રોબર્ટ લીની સમર્થ દોરવણી નીચે [અમેરિકાના] દક્ષિણના કોન્ફેડરેટ રાજ્યનું સૈન્ય સંઘરાજ્યનાં સૈન્યો પર એક પછી એક વિજય મેળવતું આવ્યું હતું. સાત મહિનાના ગાળા દરમ્યાન જનરલ લીએ સંઘરાજ્યના કરતાં લગભગ અરધા સૈન્ય તથા ઘણી ઓછી શસ્ત્રસામગ્રીથી સંઘરાજ્યનાં સૈન્યોનો બે વાર કચ્ચરઘાણ કાઢીને તેને સખત હાર આપી હતી.

                પોટોમેક નદી ઓળંગીને જનરલ લી પોતાના સૈન્યને ઉત્તરમાં દોરી ગયો. ઉત્તરનાં હેરિસબર્ગ, ફિલાડેલ્ફીઆ, બાલ્ટીમોર, વોશિંગ્ટન વગેરે મહત્ત્વનાં શહેરો સર કરવાનો તેનો ઇરાદો હતો. જનરલ લીની ચડાઈથી આખા ઉત્તરમાં ગભરાટ ફેલાઈ ગયો. લીના સૈન્ય આગળ નિરાશ્રિતોનાં ટોળેટોળાં નાસભાગ કરવા લાગ્યાં.

              લીનો સામનો કરવાને સંઘરાજ્યના સૈન્યને ઝડપથી રવાના કરવામાં આવ્યું. લિંકને જનરલ મીડને એ લશ્કરની સરદારી સોંપી. મીડે જનરલ લીના સૈન્યનો પીછો પકડયો. ગેટીસબર્ગના નાનકડા કસબા નજીક બંને લશ્કરો અણધાર્યાં ટકારાઈ પડયાં. એ યુદ્ધ દક્ષિણ તેમજ ઉત્તર માટે કટોકટીભર્યું અને જીવનમરણનું હતું. દક્ષિણ હારે તો તેની કેડ ભાંગે અને આંતરવિગ્રહમાં વિજય મેળવવાની તેની છેલ્લી આશા નષ્ટ થાય. ઉત્તર હારે તો સંઘરાજ્ય છિન્નભિન્ન થઈ જાય.

              ગેટીસબર્ગના રણક્ષેત્ર પર ત્રણ દિવસ ખૂનખાર યુદ્ધ ચાલ્યું. પહેલા બે દિવસ તો પરિણામ અનિશ્ચિત રહ્યું, પણ 3જી જુલાઈએ સંઘરાજ્યના સૈન્યે કોન્ફેડરેટ સૈન્યને મારી હટાવ્યું. લી પરિસ્થિતિની ગંભીરતા વરતી ગયો અને પોતાના હજારો ચુનંદા સૈનિકોના મૃતદેહોને જેમના તેમ પડતા મૂકીને પીછેહઠ કરવાનો તેણે પોતાના સૈન્યને હુકમ આપ્યો.

              આંતરવિગ્રહમાં અત્યાર સુધી લડાયેલાં યુદ્ધોમાં ગેટીસબર્ગનું યુદ્ધ સૌથી વધુ ખૂનખાર હતું. એમાં કોન્ફેડરેટ રાજ્યના 28,000 તથા સંઘરાજ્યના 23,000 સૈનિકોની ખુવારી થવા પામી. દક્ષિણને ખમવો પડેલો એ સૌથી મોટો પરાજય હતો. યુદ્ધ જોકે પછી બે વરસ ચાલુ રહ્યું. પણ ગેટીસબર્ગના વિજય પછી ઉત્તરના અંતિમ વિજય વિશે હવે કશી શંકા રહી નહીં. એ કારણે એ યુદ્ધમાં પોતાનો જાન કુરબાન કરનારા સૈનિકો જ્યાં ચિરનિદ્રામાં પોઢયા હતા એ સ્થળની રાષ્ટ્રીય સ્મારક તરીકે પ્રતિષ્ઠા કરવાનું ઠરાવવામાં આવ્યું.

             1863ના નવેમ્બરની 19મી તારીખે એ સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું અને તેમાં હાજરી આપવાને પ્રમુખ લિંકન, મુલકી તેમજ લશ્કરી અધિકારીઓ તથા દેશના અનેક નામાંકિત ગૃહસ્થોને આમંત્રણ આપવામાં આવ્યાં. એ પ્રસંગે શહીદોને અંજલિ આપવાને દેશના સૌથી મશહૂર વક્તા એડવર્ડ એવરેટને નોતરવામાં આવ્યા હતા. લિંકન એ ઐતિહાસિક પ્રસંગને ઘટે એવું ભાષણ તૈયાર કરવા ઇચ્છતા હતા. પણ તેનાં ભરચક રોકાણોને લઈને એ માટે તે બિલકુલ વખત કાઢી શક્યા નહીં. આખરે 18મી તારીખે ગેટીસબર્ગ જવાને તે નીકળ્યા એ સ્પેશિયલ ગાડીમાં જ, બીજે દિવસે આપવાનું પોતાનું નાનકડું ભાષણ ઉતાવળે તેણે ચીતરી કાઢયું.

               મુખ્ય વક્તા એવરેટે એ પ્રસંગની ગંભીરતા, મહત્તા તથા યશસ્વિતા વિસ્તારથી વર્ણવતું વ્યાખ્યાન બે કલાક સુધી આપ્યું. એ પછી લિંકન ઊભા થયા. કોટના ગજવામાંથી પોતાનું લખેલું ભાષણ તેણે કાઢયું. એ કાગળ એક હાથમાં રાખી, બીજા હાથથી ચશ્માં ચડાવીને તેના પર નજર કરી લીધી, અને કાગળ પાછો ગજવામાં મૂકી દીધો. પછી તે આ પ્રમાણે બોલ્યા :

               “સત્યાશી વર્ષ પૂર્વે આપણા રાષ્ટ્રવિધાયકોએ આ ખંડ પર એક નવું રાષ્ટ્ર નિર્માણ કર્યું, જેનું ધ્યેય સ્વતંત્રતા હતું અને ઈશ્વરે માણસમાત્રને સમાન સર્જ્યા છે એ સિદ્ધાંતને જે વરેલું હતું.

                “એ રાષ્ટ્ર, અથવા એવા ધ્યેય તેમજ સિદ્ધાંતને વરેલું બીજું કોઈ રાષ્ટ્ર, લાંબા કાળ સુધી ટકી શકે કે કેમ, એની કસોટી કરે એવા એક મહાન આંતરવિગ્રહમાં આપણે હાલ રોકાયા છીએ.

               “એ વિગ્રહના એક મહાન રણક્ષેત્ર પર આપણે એકઠા થયા છીએ. એ રાષ્ટ્ર જીવતું રહે એટલા માટે જેમણે પોતાના જીવનની આહુતિ આપી તેમના અંતિમ વિશ્રામસ્થાન તરીકે તેના થોડા ભાગની પ્રતિષ્ઠા કરવાને આપણે એકઠા થયા છીએ.
“આપણે એમ કરીએ એ સર્વથા ઉચિત અને યથાર્થ છે.

               “પરંતુ વ્યાપક અર્થમાં આ ભૂમિને આપણે સમર્પિત કરી શકતા નથી. જીવતા રહેલા તથા વિદેહ થયેલા જે વીરપુરુષો આ સ્થળે ઝૂઝ્યા હતા તેમણે જ તેને પુનિત કરી છે. તેમાં વધારો કે ઘટાડો કરવા આપણી પામર શક્તિ અસમર્થ છે.

              “આપણે અહીં જે બોલીએ, તેની દુનિયા ભાગ્યે જ નોંધ લેશે, અથવા ઝાઝો સમય તેને યાદ રાખશે; પરંતુ તેમણે અહીં જે કર્યું, એ તે કદી ભૂલી શકનાર નથી.

              “ખરેખર તો, જેને તેમણે ઉમદા રીતે આટલે સુધી આગળ ધપાવ્યું તે અધૂરા રહેલા કાર્યને પૂરું કરવા આપણે આપણી જાત સમર્પણ કરીએ, એ આપણી જીવતા રહેલાઓની ફરજ છે. હવે તો, અધૂરું રહેલું જે મહાન કાર્ય આપણી સામે છે તેને આપણી જાત આપણે સમર્પણ કરીએ. આ કાર્યમાં છેવટ સુધી પોતાની અશેષ નિષ્ઠા જેમણે અર્પણ કરી, તે યશસ્વી શહીદો પાસેથી અધિકતર નિષ્ઠાની આપણે દીક્ષા લઈએ. આપણે એવો અડગ નિર્ધાર કરીએ કે જેમણે અહીં પ્રાણ પાથર્યા છે તેમનાં બલિદાનો વ્યર્થ નથી ગયાં, અને ઈશ્વરની છત્રછાયા નીચે રાષ્ટ્રમાં સ્વતંત્રતા નવો જન્મ પામે જેથી કરીને પ્રજાની, પ્રજા દ્વારા ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર પૃથ્વી પરથી નાશ ન પામે.”

            આ રીતે બે મિનિટમાં લિંકનનું ભાષણ, જાણે શરૂ થયું તે પહેલાં જ પૂરું થયું ! તેની સામે કેમેરા ગોઠવીને ઊભેલા ફોટોગ્રાફરને ફોટો પાડવા જેટલો સમય પણ ન મળ્યો.

            “આપણે અહીં જે બોલીએ, તેની દુનિયા ભાગ્યે જ નોંધ લેશે, અથવા ઝાઝો સમય તેને યાદ રાખશે,” એવું લિંકને પોતાના ભાષણમાં કહ્યું હતું. પરંતુ તેની એ ધારણા ખોટી પડનાર હતી. ગેટીસબર્ગ ખાતે તેણે ઉચ્ચારેલા શબ્દોની દુનિયાએ નોંધ લીધી એટલું જ નહીં, હજી પણ તે એને યાદ કરે છે અને લોકશાહી જીવતી રહેશે ત્યાં સુધી યાદ કરતી રહેશે. સત્યાસત્ય તેમ જ સાર-અસારની સાચી મુલવણી કરનાર કાળે તેને અમરત્વ આપ્યું.

મણિભાઈ ભ. દેસાઈ

  [‘અબ્રાહમ લિંકન’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.