જાગો જાગો જન-પ્રહ્લાદ પારેખ

જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી;
રાત વહી ને ભોર ભઈ. – જાગો.

હિમડુંગરનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી. – જાગો.

દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ. – જાગો.

શ્યામલ-વરણી પલટી ધરણી,
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં,
લાલ રંગ સહુ અંગ ધરી. – જાગો.

પ્રહ્લાદ પારેખ
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.