“હું થોડો ગાંડો થયો છું !” – જ્યોતીન્દ્ર હ. દવે

               ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડયો.
               દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો, તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિષે વાત નીકળતાં મેં એમને પૂછયું, “તમને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો ? તમને એ ઓળખી શકે છે ખરી ?” “અરે ! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છૂટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાઈ જાય છે; તમે ન આવતા હો તો ? અહીં એના ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ છીએ.” “ત્યારે જાઓ છો શું કામ ?” મેં પૂછયું. “અરે ! એમ કંઈ થાય ? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું ? મારાથી એને કેમ ભુલાય ?”

જ્યોતીન્દ્ર હ. દવે
[‘સમર્પણ’ પખવાડિક : 1975]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.