ગમે ત્યાં થાય તેવું કામ – કુસુમબહેન હ. દેસાઈ

આઇન્સ્ટાઈનના એક વિજ્ઞાની મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. વાતચીત દરમ્યાન બન્ને મિત્રોએ પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું વિચાર્યું. તેનો દિવસ ને સમય નક્કી કર્યાં, અને પુલના અમુક છેડે ભેગા થવાનું ઠરાવ્યું.

પેલા મિત્ર બર્લિન શહેરના અજાણ્યા હતા. પોતાની મુશ્કેલી જણાવતાં એમણે કહ્યું, “કદાચ હું ઠરાવેલા સમયે ન પહોંચી શકું તો ?”

આઇન્સ્ટાઈન : “અરે ! તેથી શો ફેર પડવાનો હતો ? તમારી રાહ જોતો હું પુલને છેડે ઊભો રહીશ.”

મિત્રને સંકોચ થયો : “એમ તો તમારો ઘણો સમય બગડે.”

આઇન્સ્ટાઈન : “મારા સમયની ચિંતા ન કરો. જે જાતનું કામ હું રોજ કરું છું, તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું.”

એ જવાબથી પણ મિત્રને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇન્સ્ટાઈન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછયું : “ત્યાં પુલને છેડે ઊભા ઊભા તમારું રોજિંદું કામ તમે કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી !”

આઇન્સ્ટાઈને હસતાં હસતાં કહ્યું : “અરે, એ તો સાવ સહેલું છે. અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડાઓ પર જો હું ચિંતન કરી શકતો હોઉં, તો પોટ્સડેમ પુલને છેડે ઊભો ઊભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો ?”

કુસુમબહેન હ. દેસાઈ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.