મનુષ્યનો આત્મા – જવાહરલાલ નેહરુ

               મનુષ્યનો આત્મા કેવી અજબ ચીજ છે ! સંખ્યાતીત પરાજયો વેઠયા છતાં આદર્શને ખાતર, સત્યને ખાતર, શ્રદ્ધાને ખાતર, દેશને ખાતર તથા ઇજ્જતને ખાતર માણસ યુગયુગાન્તરોથી પોતાના જીવનનું, તથા જેને પોતે પ્યારામાં પ્યારું લેખતો હોય તે બધાંનું, બલિદાન આપતો આવ્યો છે. એ આદર્શ ભલે બદલાય, પણ આત્મબલિદાનની માણસની એ તાકાત કાયમ રહી છે અને એટલા ખાતર તેનું ઘણું ઘણું દરગુજર કરી શકાય એમ છે તથા તેને વિશે હાથ ધોઈ નાખવાનું અશક્ય બની જાય છે. ભારે આપત્તિની પળે પણ તેણે પોતાનું ગૌરવ છોડયું નથી, કે નથી પોતે સેવેલા આદર્શો પરની શ્રદ્ધા તેણે ગુમાવી. કુદરતનાં પ્રચંડ બળોના રમકડા સમો તથા આ વિરાટ વિશ્વમાં એક રજકણ સમો હોવા છતાં, નિસર્ગની મૂળભૂત શક્તિઓ સામે તેણે પડકાર ઉઠાવ્યો છે. માણસમાં ખરે જ દેવનો કંઈક અંશ છે – અને સાથેસાથે જ તેનામાં શેતાનનો પણ અંશ છે.

જવાહરલાલ નેહરુ
[‘મારું હિંદનું દર્શન’ પુસ્તક : 1951]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.