ગમતાંનો કરીએ ગુલાલ-મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી ?
ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી ?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ….

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.