એ ભાવનાને જાગ્રત કરવા જ ! – ઝવેરચંદ મેઘાણી

               પાંચાળમાં ઉનાળો વિતાવી વતન વળી નીકળેલા ચાર ગોવાળો ધણ લઈને ધાંધલપુર રાત રહ્યા. સાંજે આથમણા આભમાંથી કાળભૈરવના વાંસા જેવાં કાળાં વાદળાં ચડતાં જોઈને એકે કહ્યું, ‘ભાઈ, આજ તો આભનો રંગ જુદો છે. એવો વરસ્યો તો મહિનામાં ગજ ગજ સમાણાં ખડ ઊગી નીકળવાનાં.’ વાત કરે છે ત્યાં સુસવાટા કરતો પવન ફૂંકાયો અને મુશળધાર મંડાયો. દરિયાની રેલ ફરી વળે એટલાં બહોળાં પાણી આખા ગામની સીમમાં ફરી વળ્યાં. અસંખ્ય પશુ તણાઈ ગયાં. જીવને જોખમે દેશાવર ભટકીને જાળવી રાખેલું એ ગૌધન મેઘરાજાએ હણી નાખ્યું. ગોવાળો ભૂખ્યા ને તરસ્યા ચાર દિવસ સીમમાં પડી રહ્યા અને પછી પોતાની વહાલામાં વહાલી વસ્તુ સદાને માટે એ ગામને પાદર મૂકી જતા હોય તેમ તે ગોકળીઓ પોકેપોક રોતાં રોતાં વતન તરફ ચાલી નીકળ્યા.
               પાંચ દિવસ [23થી 27 જુલાઈ] વરસેલા વરસાદે ધંધૂકા, ધોલેરા અને પાસેના ભાલપ્રદેશને ડુબાડી દીધો. કેટલાં મકાનો પડયાં, પશુઓ મર્યાં, ગામ સાફ થઈ ગયાં… કંઈ ખ્યાલ આવી શકતો નથી.
               ‘બહાદુરી’ સ્ટીમર મુંબઈથી રાહત સામગ્રી લઈને ભાવનગર પહોંચી. મદદ વહેંચવા મને પાંચાળ સોંપાયો. ચાર જણાની અમારી ટુકડીએ વહેંચાઈને નેવું ગામો તપાસ્યાં અને સહાય વહેંચી. મહાજનોએ લોકોને ઢોરો તેમ જ ઘરવખરી સહિત જે રક્ષણ ભેદભાવ વગર દીધું તેની વાતો સાંભળીને થાય કે આપણી સામુદાયિક જીવનની ભાવનાને જાગ્રત કરવા ખાતર જ આ તોફાન મોકલાયું હશે.

ઝવેરચંદ મેઘાણી
[‘સૌરાષ્ટ્ર’ અઠવાડિક : 1927]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.