હાથે કરી કેમ હારી તું જા ? – જુગતરામ દવે

હાથે કરી કેમ હારી તું જા ?
થાતું નથી કહી બેસી શું જા ? – હાથે.

સરખાવી જો ઓલ્યો બાળો પ્રહ્લાદજી,
તુંથી હુતી શું એની લાંબી ભુજા ? – હાથે.

જુલમની જાળમાંય રમતો એ બાળુડો,
રોતલ થતાં શું તને ના’વે લજ્જા ? – હાથે.

છૂંદ્યો છેદ્યો ને એને સળગાવ્યો જીવડો,
એવી ક્યાં તેં તો હજી સાંખી સજા ? – હાથે.

નાજુક કાયા તે તારી કેવીક, કાપરા ?
કંકણ પ્રહ્લાદ કને તું તો કૂચા ! – હાથે.

જોયો જોયો રે તારો જાલિમ જોરાવર,
હિરણ્ય વાઘ અને એ તો અજા. – હાથે.

મૃત્યુને રોજ તાલી દેતા પ્રહ્લાદજી,
સંકટ સ્પર્શ્યું કે તત્ત્વ નહોતા તજ્યા. – હાથે.

સાચાને શક્ય સહુ, ખોટાને મિષ બહુ,
બાળે ત્રાકાળ એવી રોપી ધજા. – હાથે.

જુગતરામ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.