એ બહાર ! – આનંદશંકર ધ્રુવ

બૌદ્ધ કાળનું સાહિત્ય ખીલ્યું – વિસ્તર્યું તે સમયે હિન્દુસ્તાનની પ્રજા કેટલી પરાક્રમી હતી તે અશોકના શિલાલેખથી અને મધ્ય એશિયા, ગાંધાર, તિબેટ, ચીન, જાવા આદિ સ્થળે મળતાં પુસ્તકો, ચિત્રકામ, બાંધકામ ઇત્યાદિથી સિદ્ધ થાય છે : બૌદ્ધ ‘ત્રાપિટક’ની સ્થાપના, ‘જાતક’ની રચના, જૈનશાસનોનો સંગ્રહ, કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’, ભરતનું ‘નાટયશાસ્ત્ર’, વાત્સ્યાયનનું ‘કામશાસ્ત્ર’, પતંજલિનું ‘મહાભાષ્ય’, અશ્વઘોષનાં કાવ્યો તથા નાટકો, ગુણાઢયની ‘બૃહત્કથા’, આદિ સર્વ સાહિત્ય એ યુગમાં પ્રકટયું છે. ઈ.સ. બીજા સૈકા પછી દોઢસો વર્ષનો ઇતિહાસ અંધારામાં પડેલો છે. પરંતુ એ સમય સાહિત્યની પાનખરનો હોય તો નવાઈ નહિ. એ પછી ગુપ્ત રાજાઓના સમયમાં ફરી બહાર (વસંત) આવ્યો. એ સમય હિન્દના ઇતિહાસમાં ઇંગ્લૈંડના એલિઝાબેથના યુગ કરતાં પણ વધારે તેજસ્વી છે. બ્રાહ્મણ અને બૌદ્ધના સમત્વનો એ સમય; પુરાણ, સ્મૃતિ, આદિ ધર્મશાસ્ત્રોના પુનરુજ્જીવન અને પુનર્ઘટનાનો એ સમય; બૌદ્ધમહાયાનના વિકાસનો એ સમય; કાવ્ય, કોષ, જ્યોતિષ, આદિ શાસ્ત્રોમાં કાલિદાસાદિ નવરત્નોના ઝણઝણાટનો એ સમય; વસુબન્ધુ વગેરે ન્યાયશાસ્ત્રચાર્યોનો એ સમય; જૈન શાસ્ત્રોના ઉદ્ધારક અને પ્રવર્તકનો એ સમય. આ સમયમાં ગુપ્ત રાજ્યની અને એના પ્રભાવની સીમા એક વખતે પશ્ચિમે કાઠિયાવાડના પશ્ચિમ કાંઠા સુધી અને ઉત્તર-પૂર્વમાં તિબેટ અને લગભગ ચીનની સરહદ સુધી પહોંચી હતી.

આનંદશંકર ધ્રુવ
[ગુજરાતી સાહિત્ય પરિષદના 1928ના અધિવેશનના પ્રમુખસ્થાનેથી]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.