આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી, અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી, આવી વિચારશૂન્યતા પેદા થાય છે.
**
ઉત્તમ સાહિત્ય લાગણીઓને સૂક્ષ્મ બનાવે છે, ધર્મબુદ્ધિને જાગૃત કરે છે, હૃદયની વેદનાને તેજસ્વી કરે છે, સમભાવ કેળવે છે. બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.
**
અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકિન્સની ‘પિક્વિક પેપર્સ’ નામની નવલકથાએ પ્રજાનું એટલું કલ્યાણ કર્યું છે, જેટલું ધર્મગ્રંથ ‘બાઇબલે’ પણ નથી કર્યું.
**
છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઈ ગઈ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે ? પોતાનાં કર્તવ્યો ઇમાનદારીથી બજાવવા માટે જેમને જીવનભર કાંઈક ને કાંઈક શિક્ષણ લેતા રહેવું પડે છે, એવા દરેક વયના વિદ્યાર્થીઓ માટે, જિંદગીના અંત લગી વિદ્યાર્થી રહેનારાઓ માટે ભેરુ, ભોમિયા અને ગુરુની કામગીરી બજાવે તેવું વાચન તેમને કોણ પૂરું પાડશે ?
**
ગરીબ લોકોનું જીવન સંતોષમય, આશામય અને સંસ્કારમય બને, પોતાના જીવન પરની રાખ ખંખેરીને તેને પ્રદીપ્ત કરવાની પ્રેરણા તેમને મળે, એવું વાચન તેમને માટે સુલભ બનાવવું જોઈએ. જીવનને દોરવાની, પુરુષાર્થને પ્રેરવાની, વિચારોને શુદ્ધ કરવાની, ભાવનાને પવિત્ર રાખવાની અને પ્રજાનો વિશ્વાસ મેળવવાની શક્તિ જેમાં હોય તેવું વાચન પ્રજાને પહોંચાડવાનું છે. લોકોને ઉત્સાહ આપે, લોકોની શુભ વૃત્તિ જાગૃત કરે, સરસ્વતીના પ્રસાદથી લોકોનું ધર્મતેજ પ્રજ્વલિત કરે તેવું વાચન તેમને પૂરું પાડવાનું છે. છાપવાની સુગમતા ઘણી વધી ગઈ છે તેને પરિણામે છાપાં- સામયિકો-પુસ્તકોના ઢગલા ખડકાય છે. તેમાંથી આવું કેટલુંક ખંતપૂર્વક શોધીશોધીને જનસમુદાય પાસે સંક્ષેપમાં સતત મૂકતા રહેવું એ ખૂબ જરૂરી છે.
**
આ પ્રકારના વિચારોમાંથી પ્રેરણા મેળવીને 1950ના મંગલ પ્રજાસત્તાક-દિને ‘મિલાપ’ માસિક શરૂ કરેલું. સામે નમૂનો રાખેલો અમેરિકન માસિક ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો. અનેક છાપાં-સામયિકો-પુસ્તકોમાંથી પરિશ્રમપૂર્વક વીણેલાં, બને તેટલાં ટૂંકાવેલાં, બે-ત્રણ ભાષામાંથી અનુવાદિત કરેલાં લખાણો સરેરાશ 50 પાનાંના અંકમાં વાચકો પાસે દર મહિને ‘મિલાપ’ મૂકતું રહ્યું. તંત્રીની શક્તિ ઓસરવા લાગતાં 1978ના અંતે તેનું પ્રકાશન બંધ થયું.
પણ છાપવાની કામગીરી અટક્યા પછી, ઉત્તમ લખાણો નાનામોટા સમૂહો પાસે વાંચી સંભળાવવાનો નાદ લાગ્યો. એ રીતે 1950માં શરૂ થયેલી આ વાચનયાત્રા દરમિયાન જે લખાણો અનેક વાર વાંચ્યાં ને વાંચી સંભળાવ્યાં છતાં જેનું સ્મરણ ચિત્તમાંથી ખસતું નથી, તેનો સંચય એકવીસમી સદીના વાચકો માટે મૂકતા જવાની તીવ્ર ઇચ્છામાંથી આ પુસ્તકનો ઉદ્ભવ થયો છે. ‘મિલાપ’ના પહેલાં દસ વરસના અંકોમાંથી એ રીતે ચૂંટેલાં લખાણો ‘દાયકાનું યાદગાર વાચન’ પુસ્તકરૂપે પ્રગટ થયેલાં. પણ પછીના દાયકાઓ માટે એવા સંગ્રહો કરી શકાયા નહીં. ‘મિલાપ’નાં કેટલાંક લખાણો ‘યાદગાર જીવનપ્રસંગો’ અને ‘ભવનું ભાતું’ નામની ચોપડીઓરૂપે પણ પાછળથી આપેલાં.
હવે જીવનયાત્રાનો અંત દૂર નથી ત્યારે, આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં જવાની હોંશ રહે છે. તેને પરિણામે અત્યારે 650થી વધુ પાનાંની સામગ્રી અહીં રજૂ કરી છે. બીજી આથી લગભગ બમણી સામગ્રી તૈયાર પડેલી છે. ‘મિલાપ’માં લગભગ બધાં લખાણો ટૂંકાવીને આપવામાં આવતાં. તેને પણ શક્ય તેટલાં વિશેષ અહીં ટૂંકાવેલાં છે. હિંદી લખાણો ગુજરાતી વાચકો માટે ઘણાં સુગમ હોવાથી મોટે ભાગે તેના અનુવાદ કરવાને બદલે મૂળ સ્વરૂપે, પણ નાગરીને બદલે ગુજરાતી લિપિમાં, ‘મિલાપ’માં રજૂ થતાં, તે રીતે અહીં આપ્યાં છે.
આ 650 જેટલાં પાનાંમાં નાનાંમોટાં મળીને લગભગ 600 લખાણોનો સમાવેશ થયો છે. કેટલાંક 2-3 પાનાંનાં છે, તો ઘણાંખરાં એક પાનાનાં કે તેથીય નાનાં છે. પુસ્તક હાથમાં લઈને ઉઘાડીએ, ત્યારે જે પાનું આવે ત્યાંથી રસપૂર્વક વાંચી શકાય તેવું બન્યું છે.
પોતાનાં લખાણોના સંક્ષેપ કરવાની છૂટ આપવા બદલ સહુ લેખકોનો વિનમ્રભાવે ખૂબ આભાર માનું છું. એ લેખકો પૈકી કેટલાકે ‘મિલાપ’ વિશે વરસો પહેલાં જે માયાળુ શબ્દો ઉચ્ચારેલા તેમાં શ્રી દિલીપ કોઠારીએ ‘મિલાપ’ની કલ્પના લોકશિક્ષણની એક ‘ટેક્સ્ટબુક’ તરીકે કરી હતી. અત્યંત નમ્રતાપૂર્વક હું એવું ઇચ્છું કે આ પુસ્તક આપણી પ્રજાના ચારિત્રય-ઘડતર માટે, વ્યાપક સમાજશિક્ષણ માટે ઉપયોગી નીવડે. તેવું બને તો તેનો સંપૂર્ણ યશ સહુ લેખકોને જ હશે, જેમના વિચારો અને ભાવનાઓના ભંડારનો એક અંશ આ પાનાંમાં સુલભ બન્યો છે.
રવીન્દ્ર જયંતી : 7 મે, 2003
મહેન્દ્ર મેઘાણી
[ભાગ પહેલામાંથી]
**
“વીંધો અમને આરંપાર !”
કબીર વિશેના એક લેખના આરંભે શ્રી હરીશ મીનાશ્રુએ ટાંકેલા ઓસ્ટ્રિયાના લેખક ફ્રાંઝ કાફકા(1883-1924)ના એક અવતરણનો અનુવાદ ‘અરધી સદીની વાચનયાત્રા’ના વાચકો પાસે રજૂ કરવા જેવો છે. વીસમી સદીની પશ્ચિમની દુનિયાની ભયભરી ચિંતાઓ ને વિસંવાદિતાઓની અભિવ્યક્તિ પોતાની સ્વપ્નશીલ, માનસશાસ્ત્રીય ને અસ્તિત્વવાદી નવલકથાઓ મારફત કરાવનાર કાફકાનાં લખાણોમાં ચંચૂપાત કરી શકે નહીં તેવા મારા જેવા વાચકોને પણ સ્પર્શી જાય ને સમજાય તેવું કશુંક મળી આવ્યું :
મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતા હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને, ભલા ? આપણને તો એવાં પુસ્તકોની જરૂર છે, જે કોઈ મોટી હોનારતના જેવી અસર આપણી ઉપર કરે, ઊંડી વેદનામાં આપણને ડુબાડી દે, જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવીમાત્રથી દૂર દૂરનાં જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે. પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારો કુહાડો હોવું જોઈએ.
**
કાફકા કહે છે તેવા કોઈક પુસ્તકથી વીંધાઈને જખમી બનવાનું સદ્ભાગ્ય આપણામાંથી કેટલાંકને સાંપડયું હશે. જેના જખમની પૂરી રૂઝ હજી કલેજામાં નહીં વળી હોય, એવાં બે પુસ્તકો મેં દાયકાઓ પહેલાં વાંચેલાં તે કેમેય ભુલાતાં નથી : તોલ્સતોયનો નરહરિ પરીખે કરેલો અનુવાદ ‘ત્યારે કરીશું શું ?’ અને પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’.
આખાં ને આખાં પુસ્તકોથી નહીં, તો તેના કેટલાક અંશોથી અથવા સામયિકો- વર્તમાનપત્રોમાંના કોઈક લખાણથી પણ આપણે ક્યારેક વીંધાતાં રહીએ છીએ. એવાં જે વેરવિખેર લખાણો જીવનવાટે ભેટી ગયાં, તેમાંથી કેટલાંક એકત્રિત કરીને ગુજરાતી વાચકો સમક્ષ નમ્રભાવે રજૂ કરવાનો પ્રયત્ન ‘અરધી સદીની વાચનયાત્રા’ (ભાગ 1)માં કર્યો છે. એ જાતનાં લખાણોનો આ બીજો ભાગ હવે પ્રગટ થાય છે. પહેલા ભાગને આવકારનારા વાચકોને બીજો ભાગ પણ સંતોષ આપશે, એવી ઉમેદ છે.
આ બંને ભાગમાં મળીને લગભગ 500 લેખકોનાં ટૂંકાવેલાં લખાણો રજૂ થયાં છે. આટલાં જ પાનાંના બીજા બે-ત્રણ સંગ્રહો આપી શકાય તેટલાં લખાણો વીતેલી અરધી સદી દરમિયાન ભેગાં થયેલાં છે. એ રીતે જો પાંચ ભાગ તૈયાર થઈ શકે, તો એક હજાર જેટલા લેખકોનાં સંક્ષિપ્ત લખાણોનો – કાવ્યો, નિબંધો ને વાર્તાઓનો સંચય રચાય.
મકરન્દ દવેએ પોતાના ‘જીવણ’ને ઉદ્દેશીને જે તલસાટ વ્યક્ત કર્યો છે, તે વધુ ને વધુ વાચકો પુસ્તકો માટે પણ અનુભવશે એવી આશા રાખીએ :
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર….
ઉમાશંકર જયંતી : 21 જુલાઈ, 2004
મહેન્દ્ર મેઘાણી
**
[ચોથી આવૃત્તિ]
વાચકો સદ્ભાવપૂર્વક જેના તરફ ધ્યાન દોરતા રહે છે તેવી ભૂલો સુધારવાની તક આ મુદ્રણ વખતે પણ મળી છે. ખાસ તો બેએક લખાણો પહેલા અને બીજા બંને ભાગમાં આવી ગયાં હતાં, તે બે પૈકી એકમાંથી રદ કરીને તેના સ્થાને નવાં મૂક્યાં છે. બે-ચાર લખાણોનો સ્થાનફેર પણ કર્યો છે.
પહેલા ભાગની પણ નવી આવૃત્તિ આની સાથે જ બહાર પડે છે. અને જેના પ્રકાશનમાં થોડોક વિલંબ થયો છે તે ત્રીજો ભાગ પણ ઑગસ્ટ મહિનામાં પ્રગટ થાય છે.
હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ 2006માં.
રવિશંકર મ. રાવળ જયંતી : 1 ઑગસ્ટ, 2005
મ. મે.