ગુજરાતી ગ્રંથ-પ્રકાશનના ઇતિહાસમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનું પ્રદાન અવિસ્મરણીય છે, તેમ ગૂર્જરની વિકાસયાત્રામાં શ્રી ઠાકોરભાઈનો પુરુષાર્થ પણ અવિસ્મરણીય છે. શંભુભાઈ અને ગોવિંદલાલ જેવા પિતૃઓ પાસેથી મળેલી ગૂર્જરની ગરવી પરંપરાને વિશેષ ઓજસવંતી બનાવવામાં ઠાકોરભાઈની દીર્ઘદૃષ્ટિ તેમજ શ્રી કાન્તિભાઈ, શ્રી મનુભાઈ અને શ્રી પ્રકાશભાઈનો સહકાર ઉલ્લેખનીય છે. વિશાળ વાચકવર્ગનો વિશ્વાસ સંપાદન કરવામાં એ ચારેય ભાઈઓ અગ્રેસર રહ્યા. વાચકોને કેવા સાહિત્યની અપેક્ષા છે અને વાચકોને કેવું સાહિત્ય આપવું જોઈએ – આ બંને બાબતો વચ્ચે વિવેક કરવામાં તેમને તેમની ખાનદાની ખૂબ પ્રોત્સાહક બની છે. વ્યવસાયમાં નફા કરતાં નીતિ અને નિષ્ઠાને પ્રાધાન્ય આપીને ગૂર્જરે શિષ્ટ સાહિત્યનું જ પ્રકાશન કરવાની પરંપરાનું જતન કર્યું છે.
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા, ગૂર્જર પરિવારના સદ્ગત વડીલો શ્રી શંભુભાઈ શાહ અને શ્રી ગોવિંદભાઈ શાહ તેમજ શ્રી ઠાકોરભાઈ શાહની સ્મૃતિમાં સ્થપાયેલું ઠાકોરભાઈ ગોવિંદભાઈ શાહ ફેમિલી ટ્રસ્ટ જીવનને એક ડગલું આગળ લઈ જાય તેવી ગુણવત્તા સહિતનાં પુસ્તકો ખૂબ ઓછી કિંમતે પૂરાં પાડવા સંકલ્પબદ્ધ છે.
ઠાકોરભાઈ ગોવિંદભાઈ શાહ ફેમિલી ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર સમાજને સ્પર્શે છે. કોઈ પણ પ્રકારની સંકુચિત-સ્વાર્થી વાડાબંધીઓથી દૂર રહીને માણસના હૃદય સુધી પહોંચવાનું આ ટ્રસ્ટનું પ્રથમ લક્ષ્ય છે.
શ્રી મહેન્દ્ર મેઘાણીએ ‘અડધી સદીની વાચનયાત્રા’ અંતર્ગત સમગ્ર ગુજરાતી સાહિત્યનો અર્ક વાચકોને આપ્યો છે. સમયની સંકડાશ વચ્ચે વાચકોની સાહિત્યરુચિને ટકાવી રાખવા માટેનો આ પુરુષાર્થ તેમનું અનોખું અને યશસ્વી પુણ્યકાર્ય છે. આ ટ્રસ્ટ દ્વારા હવે તેનું પ્રકાશન કરતાં અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ.
ભવિષ્યમાં પણ ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ અત્યંત કિફાયતી કિંમતે વાચકોને મળતી રહે, એ દિશામાં આ ટ્રસ્ટ સક્રિય રહેવા ઉમેદ સેવે છે. આપ સૌ સુજ્ઞ સ્વજનોનાં સૂચનો અમારા વિકાસપંથના માઈલસ્ટોન બની રહેશે.
ટ્રસ્ટીઓ, ઠાકોરભાઈ ગોવિંદભાઈ શાહ ફેમિલી ટ્રસ્ટ