જેને ઊંચા ઉતારા રે, ઓછા પડે આભ તણા,
એ તો ભાંગલી ભીંતે રે, હસી ઊભા આ હમણાં.
આંખો આડી છો ચાલે રે, ચાલે ઊંધા ચરણ છતાં,
એ તો આવે ને આવે રે, આવે હસતાં હસતાં.
હરિ, આ કોને કહેવું રે, ભૂલોમાં જે રોજ ભમે,
એને પંથ સુઝાડો રે, સામેથી તમે જ તમે.
તમે શેરી વચાળે રે, વળી તમે સીમ મહીં,
ક્યાં ને શી રીતે મળશો રે, એનું કોઈ નીમ નહીં.
કાલ ગરવાને માથે રે, બેઠા અવધૂત થઈ,
આજ જોયા તો બેઠા રે, બજારે બકાલું લઈ.
સ્વામી ! આ કેવી લીલા રે, કેવી આ તે જાદુગરી,
નજરું ખાલી ને ખાલી રે, ને તોય ભરી ને ભરી.
હવે હરખે હું હાલું રે, હવે હાલું કોઈ દિશે,
એક તમને નિહાળું રે, હું કોઈ ને કોઈ મિષે ?
મારા સરવે મનોરથ રે, બળ્યા તો ભલેને બળ્યા;
આ તે અચરજ કેવું રે, કે એમાં તમે જ મળ્યા !
હવે ઢોલ પિટાવું રે કે નગર ઢંઢેરો કરી,
કોઈ આઘા મ જાજો રે, કે અમથાં ને અમથાં મરી.
જેનું કાંઈ ન હાલે રે, જેનું નહીં કોઈ જગે,
હોંશે હોંશે રહે છે રે, હરિ એને હાથવગે.
મકરન્દ દવે