સ્વાધીનોનું ગીત-જોહાન ગયટે

સ્વાધીન અજય છે ભોમ અમારી,
મુક્ત અજય અમ સરિતાતીર;
ગિરિગહ્વર ને ખીણ-કોતરો,
મુક્ત સદા અમ સાગર-નીર !
[વૃન્દ] સ્વાધીન ! અમે સ્વાધીન ! સદા સ્વાધીન !
અમે સૌ ઉન્નત-શિર;
મુક્ત અભય છે ભોમ અમારી,
મુક્ત અભય અમ વહે સમીર.
વિશાળ ગૌચર ધણ અમ વિહરે,
મત્ત મુક્ત અમ ગોપી-ગોપ;
ભર્યાં ભર્યાં ખેતર અમ વિલસે,
મુક્ત નભે લહેરંતા રોપ !
[વૃન્દ] સ્વાધીન ! અમે સ્વાધીન ! સદા સ્વાધીન !
સ્વાધીન ખડાં અમ ઘર જહીં રૂડાં,
જ્યાં સ્વાધીન સુખી સંસાર;
મુક્ત જહીં અમ મા-વહુ-બેટી,
ખેલે મુક્ત જહીં અમ બાળ !
[વૃન્દ] સ્વાધીન ! અમે સ્વાધીન ! સદા સ્વાધીન !…
પડે નજર એ પર જે ઝેરી,
ખાતી તે અહીં મોત-પછાડ;
ઊભા સંત્રી અમે સદા જ્યાં,
હિમગિરિ સરખા માનવ-પહાડ !
[વૃન્દ] સ્વાધીન ! અમે સ્વાધીન ! સદા સ્વાધીન !
વંદન હો આ મુક્ત હવાને,
વંદન હો તુજને મા-ભોમ !
અમો જીવતાં મુક્ત તું નિત હો !
મુક્ત નભે જ્યાં સૂરજ-સોમ !
ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’
[‘પનઘટ’ પુસ્તક]
**
                   પ્રયત્ન કરવામાં હું કદી થાકું, સુખની એકાદ ક્ષણને વળગી રહેવા લલચાઉં, તો હું મરેલો જ છું. ઠરીઠામ બેસી જવાનું મને કદી મન થાય, તો હું ગુલામ જ છું. સ્વતંત્રતા કાજે રોજેરોજ લડી લેવા અને ફરીફરીને તેને જીતવા જે સમર્થ હોય, તેઓ જ એને પાત્રા છે.
જોહાન ગયટે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.