ગાંધીજીએ આ દેશને ઢંઢોળવા મુંબઈને કિનારે પગ મૂક્યો એ જ સાલનો બનાવ છે. ભાવનગરના તખ્તેશ્વર મંદિર પાસેના એક બોઋડગ હાઉસના દરવાજા પર એક બપોરે ધમાલ મચી છે. તીર-કામઠાં ને બંદૂકોવાળા પંદરવીશ શિકારીઓ બંધ દરવાજાની બહાર ઊભા છે. કેટલાકની પાસે સાંકળે બાંધેલ કૂતરા છે, કોઈને કાંડે બાજ છે.
“માસ્તર ક્યાં છે ?”
“ઘેર નથી, બંદરે ગયા છે.” અંદર ઊભેલ છોકરાઓ કહે છે.
“તમારી કૂતરી ક્યાં છે ? લાવો, મહારાજા સાહેબે મગાવી છે.”
“કૂતરી તો ક્યાંય રખડતી હશે. સા’બ આવે પછી આવજો,” છોકરાઓ બનાવટી જવાબ આપે છે. કૂતરી એમને અતિશય વહાલી છે.
“અમે હમણાં જ એને ઝાંપામાં આવતી જોઈ છે. અંદર જ છે. બારણાં ઉઘાડો; અમારે તપાસ કરવી છે.”
છોકરાઓ બારણાં આડા ઊભા છે, ને શિકારીઓ બારણાં ધકેલે છે, ધમકીઓ આપે છે, ગાળો દે છે; પણ છોકરાઓ ચસકતા નથી. કાળુડી ને એનાં ગલૂડિયાં એમને જીવ જેવાં વહાલાં છે. એમની બૂમાબૂમ સાંભળી પડખેના ઓરડાની બારીમાંથી ડોકું કાઢી એક આધેડ બાઈ શિકારીઓને ધમકાવે છે : “મારા રોયાઓ, એમ પરાણે ઘરમાં પેસતાં લાજશરમ નથી આવતી ?”
બરાબર એ જ વખતે માસ્તર આવે છે : મોં ઉપર ધૂળનો થર જામ્યો છે; કપાળ પર પરસેવાનાં ટીપાં બાઝ્યાં છે; કોટ કાઢી હાથ પર નાખ્યો છે. માસ્તર જુવાન છે. મોં પર ખડકની દૃઢતા ને પ્રતિમાની નિશ્ચલતા છે, પણ પ્રતિમાની નિર્જીવતા નથી. શરીર સંન્યાસીના દંડ જેવું સીધું, ને માથું પર્વતના શિખર પેઠે ઊંચું રહ્યું છે.
“ભાઈ, ભાઈ, આપણા ફળિયામાં શિકારીઓ પેઠા છે, ને બા તો રડે છે.” એક વિદ્યાર્થી દોડતો આવીને કહે છે.
માસ્તરને જોતાં જ પેલી આધેડ બાઈ ઘરમાંથી બહાર નીકળીને રડી દે છે : “મારે આંહીં નથી રહેવું, અમને અમારે ગામ મોકલી દે; આ ત્રણ દોકડાનાં સપાઈસપરાં મને ને મારી વહુને ગાળો કાઢે ત્યાં અમારે નથી રહેવું.” માસ્તર મૂંગામૂંગા જ એને આશ્વાસન આપે છે. છોકરાઓને હાથ વતી દૂર ખસવાનો ઇશારો કરી શિકારીઓને પૂછે છે.
એક ઘરડો શિકારી આગળ આવીને કહે છે : “માસ્તર, એ તો વાત એમ બની કે કાલ સાંજે મહારાજા સા’બની ગાડી અહીંથી નીકળેલી ત્યાં અહીં બે ગલૂડિયાં રમતાં ભાળ્યાં. ગલૂડિયાં રૂપાળાં ને રાભડા જેવાં હતાં એટલે બાપુસાહેબે પૂછયું કે, આ ગલૂડિયાં કોની કૂતરીનાં છે ? તપાસ કરતાં ખબર પડી કે આ બોડિંગની કૂતરીનાં જ છે. એમને એમ થયું કે આપણે એ કૂતરી રાખી લઈએ તો ઓલાદ સરસ થાય. એટલે અમને આજ લેવા મોકલ્યા.”
“પણ એને લઈ જાવ તો ગલૂડિયાં મરી જાય; ધાવે કોને ?” છોકરાઓ કહે છે.
“એ તો દૂધ પવાય,” પેલો શિકારી કહે છે. “લ્યો માસ્તર, હવે કૂતરી લાવો.” માસ્તર તો વિચારમાં ઊતરી ગયા છે – જાણે એ એમની ટેવ જ હોય ને ! – એટલે સહેજ ઝબકીને કહે છે : “કૂતરી ? કૂતરી તો નહીં મળે.”
છોકરાઓ તાળીઓ પાડવા માંડે છે, માસ્તર આંખ વતી જ ના ભણે છે, ને બધા શિકારીઓ સાંભળે તેમ સ્પષ્ટપણે, દરેક શબ્દ પર ભાર મૂકીને કહે છે : “તમે મહારાજા સાહેબને કહો કે માસ્તર કૂતરી આપતા નથી.” “તમે શું બોલો છો, માસ્તર ? કાંઈ ભાન-બાન છે ?” માસ્તર કાંઈ જવાબ આપતા નથી; પોતાના હાસ્યથી જ પોતે બેભાન નથી એમ કહે છે.
“મહારાજાએ તો અમને હુકમ આપ્યો છે કે કૂતરી લઈને જ આવજો.”
“હું આપવાનો નથી.”
“માસ્તર, અમે તમારી હારે માથાઝીક કરવા નથી આવ્યા. કાં તો કૂતરી આપો, નહીંતર અમે ઝાંપો તોડી અંદર આવીએ છીએ.” આખરે પેલા ઘરડા શિકારીએ સંભળાવ્યું ને તિરસ્કારથી ઉમેર્યું : “બામણ અમથા માને જ નહીં.”
“ગોપાળ, પોલીસ-ઉપરી સાહેબને મારું નામ દઈ સલામ સાથે કહેજે કે અમારી બોઋડગની હદમાં થોડાક હથિયારબંધ લોકો પરાણે ઘૂસવા માગે છે; આપ પોલીસની મદદ લઈને આવો.” એમના અવાજમાં ત્રાંબાનો રણકાર ને પોલાદની દૃઢતા છે. હોઠ સખત રીતે બીડી એ બારણા પાસે ઊભેલ શિકારીઓને હાથ વતી હડસેલી આડા ઊભા રહે છે. “જોઉં છું કે તમે કેમ દાખલ થાવ છો ?”
શિકારીઓના ગુસ્સાનો પાર નથી. એ તો મહારાજાના માનીતા શિકારીઓ : મહારાજાના એમના પર ચારે હાથ ! આવાં તો કાંઈક તોફાન એમણે મચાવ્યાં છે, કોઈ દી ઊની આંચ આવી નથી. આજ એક પંતુજી એમને બધાને ડરાવી જાય ? એમનાં કૂતરાં ઘૂરકે છે; બાજ ચિચિયારીઓ પાડવા માંડે છે.
થોડી વારે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એમના માણસો સાથે આવી પહોંચે છે. એટલે માસ્તર એક બાજુએ ખસી જઈને કહે છે : “હવે તમે સંભાળો.”
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ માસ્તરને ઓળખે છે; ગામમાં જેટલાં ભણેલાં માણસો છે એ સૌએ માસ્તરનું નામ સાંભળ્યું છે. ત્રણેક વર્ષ પહેલાં જ એ રાજ્યની કૉલેજમાં પ્રોફેસર હતા, મહિને બસો રૂપિયાનો પગાર હતો, માનપાન હતાં; પણ કૉલેજનું ભણતર નિરર્થક લાગતાં એ છોડી દીધું છે, ને અત્યારે પંદરવીશ ટાબરિયાંને લઈને અહીં બેસી ગયા છે; ‘શાકુંતલ’ ને ‘શિશુપાલવધ’, રોમ કે ગ્રીસનો ઇતિહાસ ભણાવવાને બદલે ચકાચકીની વાર્તા કહેવા માંડયા છે. કેટલાક લોકો એમને ભેજાંગેપ માને છે. પોલીસ-ઉપરીએ પણ અહીં આવીને મહારાજાના શિકારીઓને જોયા ત્યારે એ સહેજ ખંચકાઈ ગયો. એણે તો ધારેલું કે કોઈ ડફેરબફેર હશે.
“માસ્તર, આ તો મહારાજાના શિકારી છે.”
“એ તો છે જ; પણ એ પરહદપ્રવેશના ગુનેગાર છે.”
પોલીસ ઉપરી બિચારો મૂંઝવણમાં પડે છે. શિકારીઓને સમજાવવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ તો એક મામલત વગરની કૂતરી માટે ઝઘડો થાય છે.
“ત્યારે તો માસ્તર, તમે કૂતરી આપી દો ને !”
“જુઓ સાહેબ, આપને મહારાજા સાહેબના શિકારીઓની બીક લાગતી હોય તો આપ મને કહી દો કે, હું તમને રક્ષણ નથી આપી શકતો; એટલે હું મારું રક્ષણ કરી લઈશ. બાકી કૂતરી તો શું આ ફળિયાની કાંકરી પણ આપવી કે ન આપવી એ મારી મુનસફીની વાત છે. આપની સ્થિતિ હું સમજી શકું છું, આપ ખુશીથી ના પાડી દો; હું મારો રસ્તો ગોતી લઈશ.”
“પણ તમારે કાયમ અહીં રહેવું છે, સંસ્થા ચલાવવી છે. રાજ્યનાં હજાર કામ પડશે. બે દોકડાની કૂતરી માટે મહારાજા સાહેબ સાથે…”
“આમાં કૂતરીનો સવાલ નથી; જબરદસ્તીનો સવાલ છે. હું જબરદસ્તીને નમતું નહીં આપું.” એમના અવાજમાં પ્રતિજ્ઞા લેનારનું ગાંભીર્ય છે. પોલીસ ઉપરી એ રંગ પારખે છે; પોતાના સિપાહીઓને દરવાજા આડા ઊભા રહેવાનો હુકમ કરી કહે છે : “માસ્તર, ચાલો તો, આપણે ટેલિફોન કરતા આવીએ.”
ટેલિફોનની ઘંટડી ગાજે છે : ટરરરં….ટરરરં. “હાં, હાં, કોણ – માસ્તર ના પાડે છે ?”
“જી હા, એ કહે છે કે, મારે કૂતરી નથી આપવી; ને શિકારીઓ કહે છે કે કૂતરી લઈને જ આવવાનો આપનો હુકમ છે.”
“તે માસ્તરને સમજાવો કે કૂતરી આપી દે.”
સજ્જન પોલીસ અમલદાર મૂંઝાઈને માસ્તર સામું જુએ છે.
“ મારું નામ લઈને મહારાજા સાહેબને કહો કે કૂતરી એમ નહીં મળે. કૂતરી લેવાનાં આ લખ્ખણ નથી. મારી બોઋડગમાં પૂછ્યા વિના પેસી જાય, મારાં છોકરાંઓને ગાળો કાઢે, મારી માને ધમકાવે – એમ કૂતરી ન મળે.”
પોલીસ-ઉપરી માસ્તરનો સંદેશો કહે છે.
“હેં, ગાળો કાઢે છે ? મારીને કાઢી મૂકો એ બધાને – સમજે છે શું ?”
પોલીસ ઉપરી ખડખડાટ હસી પડે છે.. એક ઘડી પછી શિકારીઓ બબડતા ફફડતા પાછા જાય છે.
એ બોડિંગ તે દક્ષિણામૂર્તિ : મહારાજા તે ભાવસિંહજી, ને માસ્તર તે નાનાભાઈ ભટ્ટ.
**
બાળપણ છેક ગરીબાઈમાં વિતાવેલું. મા નાનપણમાં મૂકીને જ મરી ગયેલાં. પિતાનો અગ્નિહોત્રી ને કથાકારનો ધંધો હતો ….કથા વાંચતી વખતે જો પાટલા પર કાંઈ પૈસા આવ્યા હોય તો ઘરમાં શાક આવે, નહીંતર સૌ લૂખુંપાંખું ખાઈ લે એવી સ્થિતિ. પણ આ ગરીબાઈ પિતાને ભાગ્યે જ સાલતી, ને દીકરાને તો કદીયે નથી સાલી. એલફિન્સ્ટન કૉલેજ તો બાદશાહી કૉલેજ ગણાય. ત્યાં તો બધા અમીરના દીકરા પેઠે રહેનારા. એ બધા વચ્ચે પણ નરસિંહપ્રસાદ એક જ પહેરણે ચલાવે : રોજ રાત્રે પહેરણ ધોઈને સૂકવી નાખે, ને સવારે ઊજળા બાસ્તા જેવું પહેરણ પહેરીને કૉલેજમાં જાય. એક જ કોટે ચાર વર્ષ કાઢેલાં.
મુંબઈમાં ભણતા ત્યારે રજા પડે કે તરત જ આજુબાજુના ડુંગરામાં ભટકવા ઊપડી જાય. સાથે રાખે એકાદ લાકડી ને બેચાર ટંકની ભાખરી. કેનેરી, કાર્લા, એલિફન્ટા-ઘારાપુરીની ગુફાઓ – એ બધું તો પગ નીચે કેટલીય વાર કાઢી નાખેલું. ઊંચા ઊંચા ડુંગરાની ટોચે ચડી ક્ષિતિજ સુધી પથરાયલા રત્નાકરને જોયા કરવામાં કલાકો ચાલ્યા જાય; એકાદ ઝાડ નીચે વાંચતાં વાંચતાં સાંજ પડી જાય. મોજશોખ તો જીવનમાં કદી રુચ્યા નથી. હા, મુંબઈમાં એક મોજ માણેલી : એ અરસામાં એક અમેરિકન નાટક-કંપની આવેલી, તે શેક્સપિયરનાં નાટકો અસાધારણ સુંદર રીતે ભજવે. નરસિંહપ્રસાદે એ વર્ષમાં એલિઝાબેથના સમયનાં નાટકોને ઐચ્છિક વિષય તરીકે લીધેલાં. એમણે નક્કી કર્યું કે આ નાટકો તો જોવાં જ. તપાસ કરી તો છેલ્લામાં છેલ્લા વર્ગની ટિકિટ પણ દસ રૂપિયા. ને દસ રૂપિયા તો નરસિંહપ્રસાદનું આખા મહિનાનું ખર્ચ આવતું. છતાં ત્રણ નાટકો જોયાં. ત્રીસ રૂપિયા ખરચ્યા ને છ મહિના એકટાણું જમ્યા. એલિઝાબેથના સમયનાં કાવ્યો ને નાટકો ખરીદવા માટે પાંચસો રૂપિયા ઉછીના લીધેલા – એવું ગાંડપણ !
**
ભણી રહ્યા પછી એમણે ભાવનગર રાજ્યમાં નોકરી માગી – પણ તે અંગ્રેજી હાઈસ્કૂલ કે કૉલેજમાં નહીં, પણ ગુજરાતી પ્રાથમિક શાળામાં. રાજ્ય પણ સહેજ વિચારમાં પડયું : બી.એ.માં જે પ્રથમ શ્રેણીમાં ઊંચા ગુણ લઈને પાસ થયેલ છે, એ ગુજરાતી નિશાળમાં એકડિયા ભણાવવાનું શા માટે પસંદ કરે છે ? નરસિંહપ્રસાદ રાજને કહે છે કે, મારે ખરેખર શિક્ષણનું કામ કરવું હોય તો આ બાળપોથી ને એકડિયાનાં ધોરણો જ લેવાં જોઈએ. જેનો પાયો જ પોલો ખોદાયો છે એના પર હું કઈ રીતે મોટી ઇમારત ચણવાનો હતો ? મારે તો પાયામાં જ પૂરણી કરવી છે.
રાજ્યને વાત સમજાઈ, પણ ગુજરાતી કેળવણી ખાતામાં ઊહાપોહ થઈ પડયો. કેટલાક ‘સિનિયર’ શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો કે આ પ્રમાણે વધુ અંગ્રેજી ભણેલાને ગુજરાતી નિશાળોમાં દાખલ કરશો તો બીજા સિનિયર કદાચ ઊંચા નહીં આવી શકે. એમાંના એક મહેતાજી તો પહોંચ્યા નાનાભાઈના પિતાની પાસે ને તેમને સમજાવ્યું કે, નરસિંહપ્રસાદ તો અમારા પેટ પર પગ મૂકે છે. એને જગ્યાઓનો ક્યાં તોટો છે તે ગુજરાતી શાળામાં દાખલ થાય છે ? એને તો અંગ્રેજી નિશાળમાં ગમે ત્યાં દાખલ કરશે. પણ જો તે અહીં દાખલ થશે તો અમે આગળ નહીં વધી શકીએ. પિતાના અતિશય આગ્રહથી છેવટે એમણે એ વિચાર પડતો મૂક્યો ને રૂ. 50ના પગારથી મહુવાના હેડમાસ્તર તરીકે નોકરીમાં જોડાયા.
હાઈસ્કૂલમાંથી પછી કૉલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા; પગાર પણ સારો એવો વધ્યો. બધું સુખશાંતિથી ચાલતું હતું, પણ મનને સુખશાંતિ નહોતી. તેઓ જોતા કે કૉલેજના વિદ્યાર્થીઓ એમની પાસે આવતા, પણ એ તો કેમ પાસ થવું એની ચાવીઓ શીખવા જ – કેમ જીવન જીવવું તે શીખવા નહીં. જાણે એમની ને વિદ્યાર્થીઓની વચ્ચે એક વ્યાપારી સંબંધ હતો, એકબીજાના જીવનમાં પ્રવેશવાનાં બારણાં જાણે બંધ હતાં. તેઓ જોતા કે વિદ્યાર્થીઓ કૉલેજમાં ચાર વર્ષ રહ્યા પછી પણ એટલા જ દિશાશૂન્ય ને ઉપલકિયા રહેતા.
આ સ્થિતિ કરુણ હતી. પૃથ્વીનાં દ્રવ્યોમાંનું સૌથી મૂલ્યવાન દ્રવ્ય, યૌવન, નિરર્થક વેડફાયે જતું હતું. એમને થાય છે કે આવી અર્થશૂન્ય કેળવણીનો હું કેમ ભાગીદાર થાઉં ? અહીં તો અધ્યાપકો મહાલયો બાંધે છે, પણ ઈંટ-ચૂના વિના જ. અહીં જે બધા વિદ્યાર્થીઓ આવે છે એ ધોવાઈ ગયેલાં ખેતરો જેવા, ઘઈડાવાળી પાટી જેવા : એમાં કશું ઝિલાય તેમ નથી, કશું સર્જાય તેમ પણ નથી.
1910-11ના એક શુભ દિવસે એ કૉલેજમાંથી રાજીનામું આપી દે છે. ગુજરાતના કેળવણીના ઇતિહાસમાં એ દિવસ યાદ રહેશે કારણ કે તે દિવસે ગુજરાતમાં શિક્ષણવિદ્યાનો પુનર્જન્મ થયો, શારદાની વીણાનો બંધ પડેલ ઝંકાર ફરી શરૂ થયો.
તે દિવસે એમને આ માર્ગે ન જવાની સલાહ આપનારા સંખ્યાબંધ નીકળેલા. ઘણાએ કહેલું કે, “રોટલી વિના રઝળશો, ને પછી વારે વારે આ કૉલેજની જગ્યા નથી મળવાની.”
પણ એમણે એક જ જવાબ આપેલો કે, “એવું થશે તો મારું દુર્ભાગ્ય સમજીશ.”
**
દક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ થઈ તે દિવસોની વાત છે.
“ધરમશી ક્યાં છે ?” છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી એક ગૃહપતિ બૂમ પાડે છે.
“એની જગ્યાએ.”
“કહો કે મહાદેવ બોલાવે છે.” ગૃહપતિ છાત્રાલયમાં હમણાં જ જોડાયેલા છે. એ ધરમશીને ધમકાવતા હોય છે :
“ક્યાં હતા અત્યાર સુધી ? તમારો વાળવાનો વારો હતો. હજુ કેમ વાળ્યું
નથી ? હું એ બિલકુલ નહીં ચલાવું.”
વિદ્યાર્થી બબડતો-ફફડતો ચાલ્યો જાય છે. ઉપરની મેડી પરથી એક સ્થિર ને શાંત અવાજ આવે છે : “મહાદેવ…”
ગૃહપતિ ઉપર જુએ તો ઑફિસની બારીમાં નાનાભાઈ ઊભા છે. “આવ્યો, નાનાભાઈ.”
ઉપર જતાં જ સંભળાય છે : “તમે ગૃહપતિ છો, હવાલદાર નથી. હાકોટા હવાલદાર નાખે.”
“પણ નાનાભાઈ, એણે છાત્રાલય વાળ્યું નથી.”
“એ બરાબર છે; મેં તમને છાત્રાલય વળાવવા નથી રાખ્યા, એ તો પંદર
રૂપિયાનો હવાલદાર પણ કરી શકે. તો હવાલદાર અને ગૃહપતિ વચ્ચે ફેર શો ? તમે વ્યવસ્થા, સ્વચ્છતા બધું રખાવો – પણ હવાલદાર થઈને નહીં.”
એમના પરિચયમાં આવ્યા પછી મને સૌથી મોટું આશ્ચર્ય થતું તે એમના ગૃહસ્થાશ્રમનું. પહેલી જ વાર એમને ઘેર ગયો, ત્યારે એ બેઠા બેઠા મંજુને હીંચોળતા હીંચોળતા જેઠાલાલના હિસાબના ચોપડામાં સહી કરતા હતા ને તેમને હિસાબની ગૂંચ બતાવતા હતા.
પછી જ્યારે જાઉં ત્યારે હીંચોળતા હોય, કાં તો ખાટલો પાથરતા હોય, કોઈ વાર બાથરૂમમાં બેસી બધાંનાં લૂગડાંને સાબુ દેતા હોય, કોઈ વાર રસોડામાં બેસી અજવાળીબહેનને કંઈક વાંચી સંભળાવતા હોય. વચમાં વચમાં વાંચવાનું અટકી પડે ને ઘરની વાતો ચાલે. આમ કોઈ નેતાને તૂટેલી માંચી પર બેસી છોકરાંને હીંચોળતા જોયેલ નહીં. અહીં એક વિદ્વાનને, એક મોટી સંસ્થાના નિયામકને, પથારીઓ પાથરતો ને થાળી-વાટકા મૂકતો જોઉં છું. મારા આશ્ચર્યની કોઈ સીમા રહેતી નથી.
એવું જ મને બીજું આશ્ચર્ય થાય છે કે અજવાળીબહેન સાથે એમને કેમ ફાવતું હશે ?
અજવાળીબહેન બિચારાં લગભગ અભણ; બ્રાહ્મણની દીકરી તરીકે છૂતાછૂતનો પાર નહીં. ઘરમાં પેસતાં જ એમ થયા કરે, કે રખે ક્યાંક અડી તો નહીં જવાય ને ! એમનું પાણિયારું-રસોડું, પૂજાઘર અને ચારે બાજુ મરજાદની વાડ ઊભી કરેલી. મને તો આશ્ચર્ય, કે આ તે કેમ નભે ! વારંવાર સવાલ થયા કરે : કેવું જબરદસ્ત છે આ બન્ને વચ્ચેનું અંતર ! ક્યાં નાનાભાઈની વિદ્વત્તા, યશ, સ્થાન, ત્યાગ – ને ક્યાં અજવાળીબહેન ? એ કેટલું ભણ્યાં હશે ? બે-પાંચ ચોપડી. કેમ ચાલ્યો હશે એમનો સંસાર ? આજસુધી તો અનેકને મોંએ સાંભળ્યું છે, કે જે બન્નેમાં સમાન આદર્શ, સમાન શીલવ્યસન ન હોય, એક અભણ ને બીજું ભણેલું હોય, ત્યાં સંસાર-રથનાં ચક્રો ચૂંચૂં ચૂંચૂં કરવાનાં જ – ને કદાચ અધવચ્ચે જ ખૂંપી જવાનાં. અહીં તો એ ઊણપ, એ ક્લેશ, એ ક્ષુદ્રતા, એ કર્ણકટુ વાદવિવાદની છાયા પણ દેખાતી નથી. કઈ અદૃશ્ય વસ્તુએ આવડા મોટા અંતરને ભેદીને એમને નિકટ આણ્યાં હશે ?
પરિચય થયાને બહુ દિવસો નથી થયા. એક રાત્રે કંઈક કામે ગયો હતો. પોતે મંજુને હીંચોળતાં હીંચોળતાં હાલરડું ગાતા હતા. મને કહે : “હમણાં તો નવરાશ મળે છે, પણ શરૂઆતમાં તો દિવસમાં પા કલાક પણ બચુની બા સાથે બેસવાને વખત ન મળે મને. પછી તો મન સાથે નક્કી જ કર્યું, કે દિવસનો અમુક સમય તો આપવો જ – પછી ભલે ગમે તેવું કામ હોય. આજ સુધી એ નિયમ અતૂટ ચાલ્યો આવ્યો છે, ને એમાં હું ઘણું કમાયો છું : મંજુ કે બેબીને હીંચોળતાં, એમની પથારી કરતાં, એમને પંપાળતાં, રાતમાં એ થાકી ગઈ હોય ત્યારે ઊઠીને ગોદડું સમું કરતાં મનને આનંદ ને કૃતાર્થતા મળે છે. મારા સંસારનો સમસ્ત ભાર પત્ની પર નાખી દીધો છે, એનું થોડુંક પ્રાયશ્ચિત્ત કરતો હોઉં એમ લાગે છે.”
“એ જ આપની મોટાઈ.”
“ઘણાં લોકો આમ કહે છે ત્યારે મને લાગે છે, જીવનમાં જે મોટાં કારભારાં ડોળે એ જ મોટા ? બીજા ગુણોની કિંમત નહીં ? સાદામાં સાદા માનવીમાં પણ એક એની પોતાની મહત્તા પડી હોય છે, જે વિશ્વના બીજા કોઈ ખૂણેથી મળવાની નથી, એ આપણે ભૂલી ગયા છીએ ? ….કહે છે, કે મારી બા ખડ વાઢવા જતી ત્યારે ઝોળીમાં મને સાથે લઈ જતી. વાંસા પરની ઝોળીમાં મને સુવાડયો હોય, ને ખડ વાઢતી જાય. આ ત્યાગ, આ સંભાળની તોલે શું મારો આ થોડોક બુદ્ધિવૈભવ મૂકી શકાય તેમ છે ?”
એક વાર મેં પૂછયું : “મારી બા ખાદી કેમ નથી પહેરતાં ?”
એ હસીને કહે : “ભાઈ, મારી એક મૂંઝવણ છે : મેં ખાદી ને સ્ત્રી-સ્વાતંત્રય, બંનેની હિમાયત સાથે ઉપાડી છે. કહેતા હો તો ખાદી પરાણે પહેરાવું, ને સ્ત્રીસ્વાતંત્રયનો ઝંડો હેઠો મેલી દઉં. પણ જ્યાં સુધી એ ધજાગરો પણ ઝાલ્યો છે ત્યાં સુધી તો ખાદી પહેરાવવાનું નહીં બને….
“મારે મનથી ખાદી એ કેવળ રાજકીય પોશાક નથી. એ અહિંસાનું પ્રતીક છે. પ્રેમમૂર્તિ ઈશુ ને કારુણ્યમૂર્તિ બુદ્ધની મૂર્તિ માટે લોકો તલવાર ઉપાડે છે એ ક્ષણે જ બુદ્ધ ને ઈશુ મરી જાય છે. હું રાહ જોઈ શકીશ, પણ તલવાર નહિ ઉઠાવી શકું. ખાદી પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની નહીં…
“બગીચાનો માળી પાણી સીંચ્યા જ કરે છે. કદી છોડને પહોંચ્યું કે નહીં એ જોવા છોડને ઉખેડતો નથી. એ તો જાણે જ છે, કે છોડનાં મૂળિયાં જે દિવસે પાણીને ગ્રહણ કરશે તે દિવસે ટોચે કૂમળી ટીશીઓ નીકળવાની, નવરંગી પાંદડાં પ્રગટવાનાં. હા, શંકા થાય તો એટલું જુએ, કે કતુએ તો નથી આપતો ને ? વધારે
પડતું તો નથી આપતો ને ? પણ મૂળિયું ઉખેડીને જોવાનું ડહાપણ તો ભગવાને એને નથી જ આપ્યું !”
**
ચારે બાજુની કૃત્રામતાએ ને ઝેરે એમને ગામડાંનાં ખુલ્લાં ખેતરો ને મહેનતુ લોકો તરફ ધકેલ્યા. ત્રીશ વર્ષ પહેલાં કહ્યું હતું તેમ એક શુભ દિવસે કહે છે : “ચાલો, આ બધાંને છોડીને ગામડામાં ચાલ્યા જઈએ.”
કાર્યવાહકો કહે છે : “આ ચાર લાખ ખરચીને મકાનો કર્યાં, તેનું શું ?”
“મકાનો કાંઈ આપણને બાંધી રાખી નહીં શકે. આપણો સંકલ્પ હશે તો ઈંટચૂનો તો ગમે ત્યાં ભેળાં થવાનાં.”
પણ એ ગંજાવર સંસ્થામાંથી એક પણ જણ એમની સાથે જવા તૈયાર નથી.
કૉલેજ છોડી ત્યારે જેમ અનેકે ચેતવણી આપી હતી એમ આજે પણ સૌ ચેતવે છે. ધ્રુવને છોડીને અધ્રુવ પાછળ નહીં દોડવાને વિનવે છે : “આવડી મોટી સંસ્થા, કાર્યકર્તાઓનું આવું જૂથ, આટલી પ્રતિષ્ઠા, એ બધાંને શા માટે છોડી દો છો ?…. આટલાં વર્ષો શહેરમાં ગાળ્યાં પછી ગામડામાં ફાવશે ?… છોકરાં તથા છોકરાંની બાનું શું ? તમે હવે કેટલાંક વર્ષ ? તમારા ગયા પછી નવી સંસ્થાને કોણ સંભાળશે ?….આવી રૂડી સંસ્થા વીંખી નાખવાનું કેમ સૂઝે છે ?” આવા અનેક પ્રશ્નો ને વિનવણીની ઝડી વરસે છે. કોઈ કોઈ સંસ્થા ભાંગી નાખવાના આક્ષેપો કરે છે. કોઈ વળી એવી શંકા પણ બતાવે છે કે – આ બધું નવી સંસ્થામાં ભેળું કરવું હશે !
તેઓ તો પોતાની નિત્યની ટેવ મુજબ હસે છે. આવું તો કેટલુંય ઝેર એમણે આજ સુધી પચાવ્યું છે. માત્ર મનમાં જ એક સંકલ્પ કરે છે કે, અહીંની એકેએક ચીજ મારે શિવનિર્માલ્ય છે.
જે સંસ્થાનો એક એક પથરો ચણાતાં જોયો છે, એક એક ખૂણા સાથે રાગના તંતુઓ જોડયા છે, જે કલામંદિરની એક એક કૃતિને પ્રશંસા ને અભિમાનથી એકઠી કરી છે, એને નજર પણ નાખ્યા વગર પાછળ છોડીને બિલકુલ અજાણ્યા ને અનિશ્ચિત ભાવિ તરફ એકેય સાથી વિના ચાલતા થવું એ સહજ વસ્તુ નથી. આજે તો જુવાની પણ નથી. મિતાહારે સ્વસ્થ રાખેલું શરીર પણ ખળભળી ગયું છે. કોઈક વાર આંખમાં થાકનો પડછાયો દેખાય છે. પણ સંકલ્પ ? સંકલ્પ તો સ્થિર ને પ્રકાશવંત દીપ પેઠે પડયો છે. સંસ્થાનો રાગ ખરી જાય છે, વૃદ્ધાવસ્થા ભુલાઈ જાય છે; માત્ર સામે દેખાય છે – ધૂળમાં રગદોળાયેલું, અજ્ઞાન ને દારિદ્રયે છિન્નભિન્ન ગામડું.
ગુજરાતની કેળવણીના ઇતિહાસમાં એ દિવસ પણ લખાશે.
જાણે ફરી જુવાની ફૂટી. સવારના ચાર વાગ્યે ઊઠે છે તે સૂએ ત્યાં સુધી કામ ચાલ્યા કરે છે. એ જ ઉત્સાહ, એ જ ચીવટ, એ જ અવિચલતાથી છોકરાંઓને ભણાવવાનું, પટેલિયાઓને સમજાવવાનું, કાંતવાનું, વાડીઓમાં ફરવાનું, દર્દીઓને જોવાનું ચાલ્યા જ કરે. થાક નથી – ઊલટો ઉત્સાહ છે : જાણે બાકી રહી એકેય ક્ષણ નિરર્થક ન જાય.
કોઈ કોઈ વાર મિત્રો આવી ચડે છે; પૂછે છે :
“આપ અહીં ગ્રામવિદ્યાપીઠ કાઢવાના ?”
“વિદ્યાપીઠ શેની કાઢું ? હજુ તો મારી પાસે એમને આપવાની વિદ્યા જ નથી, ત્યાં પીઠ શાની ચલાવું ? મને ઝરડાંની ઝાંપલી બનાવતાં આવડે છે ? આંબામાંથી ઘણ કેમ કાઢવો એ ખબર છે ? ગાયને દોહતાં, બળદનું ખાણ પલાળતાં, હળ હાંકતાં, કોશ કાઢતાં – કશું આવડે છે ? અરે, નીંદતાં-ગોડતાં પણ ક્યાં આવડે છે ? આવો હું એમની વિદ્યાપીઠ શું કાઢું ? હું તો બને તો ઘણું ભૂલવા ને નવું શીખવા આવ્યો છું. આમ નવું નવું શીખતાં જ દેહ પડી જાય તોય જીવતર સફળ થઈ ગયું ગણું.”
મનુભાઈ પંચોળી