સૂરજ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો,
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટયો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટયો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેયે ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.