સાહિત્યકાર અને શિશુ-ઝવેરચંદ મેઘાણી

                       સવારનો પહોર છે. બાળક ખુશમિજાજમાં જાગેલ છે. એકાએક એનો પિત્તો દૂધ-ચાની બેઠક વખતે જ બદલી જાય છે. રોજની સંસારી ભાષામાં પ્રદર્શિત થતા એના કજિયાનું કારણ જડતું નથી, ગોતવા યત્ન પણ થતો નથી. પ્રભાતનો નાસ્તો ઝેર જેવો બને છે. કજિયાળાને માતા ઢીબવા લાગે છે, પિતા ધમકાવવા માંડે છે. એવી ધમકી આપનાર ફોજદાર હોય તો એને માટે અમે એક કોલમ ભરી કાઢીએ ! એવું ઢીબવું જો કોઈ ટેનિસ-ખેલાડીએ ટેનિસ-બોય પર ગુજાર્યું હોય તો એ કિસ્સાને અદાલતમાં લઈ જવા લાયક લેખીએ.

               અહીં બાળક મા-બાપની જંગમ મિલકત છે. ધમકીઓ અને ઢિબામણનો ભોગ બની ધ્રુસકાં ભરતો એ શિશુ આજે તો સામનો કરવાને શક્તિવિહોણો હોઈ બેસી રહે છે, થાકીને સૂઈ જાય છે. પોતાની બેવકૂફીનું ને જડતાનું ભાન અનુભવતાં માતાપિતા આત્મલજ્જાના મૌનમાં મોં છુપાવી અબોલા ભાંગવાનો સમય પણ હાથ કરી શક્યાં નથી, ત્યાં તો બધી કટુતા ને તમામ તેજોવધ નિદ્રાની નદીમાં ધોઈ નાખી શિશુ જાગે છે; એના મોંમાં એ જ સ્નેહશબ્દો છે. એ નાહી-ધોઈ, વાળ ઓળાવી, પોતે કેવો રૂપાળો છે તે બતાવવા ‘જોવો !’ બોલતો સામે આવી ઊભો રહે છે ત્યારે આત્મલજ્જિત અવદશાની મા-બાપને મન અવધિ થાય છે.

                ને સાહિત્યકાર પિતા અંતરને પૂછે છે : તારા જ ઘરના ઉંબરને ઘસીને નવલિકાનું ઝરણ વહી રહ્યું છે, પણ એ નવલિકા તું આજે ન લખજે ! લખીશ તો લાગણીવેડા નીપજશે. એક દિવસ બાળકના મનોવ્યાપારોનાં ઊંડાં પડોને ઉકેલીને જોજે ને પછી લખજે કે આ જ શિશુ ગુજરેલા ગજબનો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનો હિસાબ મોટી ઉંમરે માગશે – અદાલતમાં મિલકત-હિસ્સાનો દાવો નોંધાવીને. સાચે જ લાગે છે કે પિતાપુત્ર વચ્ચે અદાલતી કજિયારૂપે ફાટતા જ્વાળામુખીઓના ગર્ભમાં આવા નાનકડા પ્રસંગોની જ ભૂસ્તરક્રિયાઓ કામ કરતી હશે.

ઝવેરચંદ મેઘાણી
[‘પરિભ્રમણ’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.