સાતત્ય વિનાનું શિક્ષણ

               આપણી શિક્ષણવ્યવસ્થા વિદ્યાર્થીઓને કમાઈ ખાવાની કરામત જ શીખવે છે; જીવનનાં મૂળભૂત મૂલ્યો, માનવીને માનવી બનાવે એ ગુણધર્મો હવે શીખવાતા નથી. આપણને નાનાં નાનાં ક્ષેત્રોના તજ્ઞો જોઈએ છે. એ તજ્ઞનું ફલક નાનું થતું ગયું છે અને એમાંથી જે બાદબાકી થઈ છે તે માનવીને માનવી બનાવે તે માનવવિદ્યાની. તજ્ઞ નિપુણ થયા, પણ સારા માનવી થવામાં કચાશ રહી ગઈ. પરિણામે એક ભૌતિકવાદી સમાજ-રચના અસ્તિત્વમાં આવી. આવી સમાજરચનામાં પૈસા, સંપત્તિ, ભૌતિક સુખો મેળવવાની વૃત્તિ જ પ્રધાનપદે હોય છે. આવી સમાજરચનામાં આપણે જીવીએ છીએ અને આપણું હાલનું શિક્ષણ એ મૂલ્યોને પોષે છે.
               આપણા સરેરાશ શિક્ષકો વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ઉદ્દેશીને જે વિશેષણો વાપરે છે, જે ભાષા બોલે છે તે માત્ર અશિષ્ટ નહિ પણ ધિક્કાર પ્રેરે એવાં છે. ન્યાતજાત, માબાપ, પશુઓ, ગુજરાતી ભાષાનાં પ્રચલિત-અપ્રચલિત વિશેષણો અપશબ્દો બધાં જ વર્ગમાં વિદ્યાર્થી સાથેના વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે અને બચાવ કરવાને અસમર્થ એવાં બાળકો આનો ભોગ બને છે ને સાક્ષી બને છે. શિક્ષક તરફ એ સતત નફરત કેળવતાં થાય છે. શિક્ષકો સમાજમાં આદરણીય કેમ થતા નથી એનાં કારણોમાંનું એક આ પણ છે. શિક્ષણની આખી પ્રક્રિયા શિક્ષક માટે કેવળ અર્થોપાર્જનનું સાધન બની છે, વિદ્યાર્થી માટે એ અનિવાર્ય અનિષ્ટ બની છે.
               શાળાઓમાં વધતી જતી અશિસ્તમાં સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થીઓની વર્ગમાંની ગેરહાજરી અંગેની છે. આપણી શિક્ષણસંસ્થાઓમાં બે પરિબળો કામ કરે છે. એક પરિબળ શ્રીમંતોનાં છોકરાંઓનું છે અને બીજું રાજકારણી બડેખાંઓનાં છોકરાંઓનું. આ છોકરાંઓ કૉલેજમાં દાખલ થાય છે, ત્યારે એમનું લક્ષ પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવાનું, એ સમૃદ્ધિથી જે કંઈ ખરીદી શકાય તે ખરીદવાનું જ હોય છે. આ વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી આપતા નથી. વિદ્યાર્થી પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઝુકાવે છે ત્યારે ધૂમ પૈસો ખર્ચે છે. જો જીતે છે તો એની ઉજવણીમાં પૈસાની છોળ ઉછાળે છે. કૉલેજના આંતરિક વહીવટમાં પણ આ બન્ને પરિબળોની પાર વિનાની દાદાગીરી હોય છે.
               શિક્ષણ-સંસ્થાઓની મિલકતનું દુરસ્તીકામ કદાચ નાણાભીડને લીધે થતું નથી અને બીજી બાજુ અસામાજિક તત્ત્વો તરફથી એમાં ભાંગફોડ થતી રહે છે. વિદ્યાર્થીઓ પણ શાળા-કૉલેજોનાં મકાનમાં ભાંગફોડ કરે છે. આપણે ત્યાં આંદોલન – કોઈ પણ હેતુ માટેના આંદોલનની પહેલી પ્રતિક્રિયા મકાનની ભાંગફોડ કરવાની છે. કૉલેજની ચૂંટણી હોય, હડતાલ હોય, કોઈ પરત્વે વિરોધ વ્યક્ત કરવાનો હોય, એટલે વિદ્યાર્થીઓ ટોળામાં ભેગા થઈને પથ્થરમારો કરીને મકાનની બારીઓના કાચના ભુક્કા બોલાવી દે. ઇલેક્ટ્રિક ફિટિંગની તોડફોડ કરે. શાળાનાં મકાનોમાં સરસ કાચની શોભતી બારીઓમાં આજે દેવદારનાં પાટિયાં કાચને બદલે લાગેલાં દેખાશે. એ વિદ્યાર્થીઓનાં આંદોલનની દેન છે. આપણી સંસ્થાઓમાં અદ્યતન સાધનો રાખવાં પડે છે, આવાં સાધનો પાછળ જે જાળવણીની કાળજી લેવાવી જોઈએ તેનો અભાવ હોય છે અને એક વાર આવું સાધન બગડયા પછી તેની દુરસ્તીનો ખર્ચ એટલો મોટો હોય છે કે, તે કરાવવા સંસ્થા તૈયાર થતી નથી. એવું જ ઓરડાઓના પંખાઓ, વીજળીના દીવાઓ વિશે કહી શકાય. વિદ્યાર્થીઓ વર્ગમાંથી બહાર નીકળતી વખતે પંખાઓની ચાંપ બંધ કરવાનું શીખ્યા જ નથી. ઊલટું ખાલી ઓરડાઓમાં બંધ પંખા ચાલુ કરવાનું ટીખળ એ કરતા હોય છે.
               અધ્યાપકો એક કાળે સમાજનું બ્રેઈન ટ્રસ્ટ ગણાતા. દેશના, સમાજના કોઈ પણ પ્રþાના પહેલા પ્રત્યાઘાત અહીં પડતા, સમાજને માર્ગદર્શન અહીંથી મળતું. આ બધું ગઈકાલનું બની ગયું. આજે મોટી ચિંતાની વાત તો એ છે કે, અધ્યાપકોને નોકરીની સલામતી મળતાં, પગારધોરણો સુનિશ્ચિત બનતાં અને નિવૃત્તિ પછીના લાભોની ખાતરી મળતાં એ વર્ગનું અતડાપણું અને અહમ્ વધ્યાં. એક કવિતા લખનારો દેશની સેવા કરે છે એટલી જ સેવા ખેતર ખેડતો માણસ પણ કરે છે – એ વાત સ્વીકારવાને એ તૈયાર નથી ! સંઘ જે કહે તે અંતરાત્માની વિરુદ્ધ હોય તોપણ બાબાવાક્ય પ્રમાણમ્ કહીને મૂંગા મૂંગા કરવું, આરામખુરશીમાં બેસીને વાણીવિલાસ કરવો. આટલો મોટો બૌદ્ધિકોનો વર્ગ આટલો ઉદાસીન, નિક્રિય, અશ્રદ્ધાળુ અને મંદપ્રાણ બને એ કેટલા મોટા દુર્ભાગ્યની વાત છે ! વિદ્યાર્થીઓને વીફરવા માટેનાં કારણોનું મૂળ પણ અહીં જ છે.
               રોટલો રળી ખાવાની કરામત શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી લેવી, એટલો જ શિક્ષણનો અર્થ આજે કરવામાં આવે છે. પછી રોટલો રળી ખાવા માટે ગમે તે ઉપાયો અજમાવવા પડે, ગમે તેવા ભ્રષ્ટાચાર કરવા પડે કે જૂઠાણાં ચલવવાં પડે તેમાં કોઈ બાધ આવતો નથી. પરિણામે આપણી આજની શિક્ષણવ્યવસ્થા સાતત્યવિહીન, ઉદ્દેશવિહીન અને ઠીંગડિયા જ રહી છે.

કુંજવિહારી મહેતા
[‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ પુસ્તક]

**

ઊડયા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડયા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડયા
ઊડયા જ કરવાનું આ ધુમ્મસમાં, નર્યા ધૂમમાં,…
ઊડયા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં

ચંદ્રકાન્ત ટોપીવાળા

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.