[સાહિત્યકારો કહે છે કે] મેં મારા લખાણમાં શૃંગારરસ આવવા દીધો નથી. હવે શૃંગારનો જે પ્રકાર સાહિત્યમાં દેખાય છે તે મોટે ભાગે બેહૂદો હોય છે. જ્યાં સુધી મારામાં વિકાર છે ત્યાં સુધી હું શૃંગારનું સાચું દર્શન કરાવી ન શકું. મેં એ રસને ત્યાજ્ય નથી ગણ્યો. જે દિવસે મને શુદ્ધ શૃંગારનું દર્શન થશે તે દિવસે હું એને મારા સાહિત્યમાં આવવા દઈશ. આશ્રમવાસી છું માટે હું એને છેડતો નથી, એમ નથી. શિક્ષક તરીકે આખા જીવનનું દર્શન વિદ્યાર્થીઓને કરાવવાનું હતું. એમાં તો બધી વસ્તુઓ આવે. વિદ્યાર્થીઓને કાજે પણ શૃંગારસાહિત્ય મારે ઠીકઠીક વાંચવું પડયું છે. મારા પોતાના પણ મીઠાકડવા અનુભવો છે. એટલે શૃંગારનું મહત્ત્વ હું સ્વીકારું છું. એને ભ્રષ્ટ ગણું છું, એમ પણ નથી. શુદ્ધ શૃંગાર સુધી પહોંચવાની નિર્વિકારી દૃષ્ટિ કેળવાશે તો હું તે આપીશ જ.
કાકા કાલેલકર
[ષષ્ટિપૂર્તિ મહોત્સવ : 1946]
**
સમસ્ત વિશ્વ મા નામના શબ્દને ટેકે ઊભું છે.
રમેશ પારેખ