શૂર સંગ્રામકો દેખ ભાગૈ નહીં,
દેખ ભાગૈ સોઈ શૂર નાહીં.
કામ ઔ’ ક્રોધ, મદ, લોભસે જૂઝના,
મંડા ઘમસાન તહં ખેત માહીં.
શીલ ઔ’ શૌચ, સંતોશ સાહી ભયે,
નામ સમસેર તહં ખૂબ બાજૈ.
કહૈ કબીર કોઈ જૂઝી હૈ શૂરમા
કાયરાં ભીડ તહં તુરત ભાજૈ.
કબીરનું આ ભજન આપણી સત્યાગ્રહની લડત દરમિયાન બહુ લોકપ્રિય થયું હતું.
શાંતિવાદી સાધુઓ પણ લડતની પરિભાષા રસપૂર્વક વાપરે છે. ‘સાલ્વેશન આર્મી’વાળાઓએ આ દિશામાં કમાલ કરી છે. ‘પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ [પુસ્તક]માં પણ લડતની ભાષા આબાદ રીતે વાપરી છે. બુદ્ધ ભગવાને 49 દિવસ સુધી માર સાથે યુદ્ધ ચલાવ્યાનું વર્ણન કરતાં કવિઓ થાકતા જ નથી.
આ ભજનની ભાષા સીધી સોંસરી છે. શૈલી જોરદાર છે, માણસને ચડાવનારી છે. અને જુસ્સો તો એના દરેક શબ્દમાં ભરેલો છે. કામ, ક્રોધ, મદ અને લોભ – એ ચાર શત્રુઓ એકઠા થઈ પોતપોતાની ફોજ સાથે સામે ઊભા છે. એમની સાથે મરણિયા થઈને ઝૂઝવું છે. રણક્ષેત્રમાં ઘનઘોર યુદ્ધ જામ્યું. શીલ, સદાચાર, પવિત્રાતા અને નિર્લોભ સંતોષ – બધાં મદદમાં આવ્યાં છે અને ભગવાનના નામરૂપી તલવાર વીજળીની પેઠે એવી તો ચાલે છે કે શત્રુની સેના કપાઈ જતાં વાર નથી લાગતી. જે શૂર હશે તે આવા યુદ્ધને મહોત્સવ સમજી, એમાં તરત કૂદી પડશે. જે કાયર હશે તે તો ભાગી જવાનો.
કોઈ પણ દેશ ઉપર જ્યારે શત્રુનું આક્રમણ થાય છે, ત્યારે દેશના તેજસ્વી લોકો શત્રુનો સામનો કરવા તૈયાર થાય છે; અને કાયર, દેશદ્રોહી તો શત્રુ સાથે માંડવાળ કરી, પોતાનાં જાન અને મિલકત સુરક્ષિત કરવાની સલાહ આપે છે.
જો યુદ્ધમાં દેશભક્તો હાર્યા, શત્રુનો ઘેરો લાંબો ચાલ્યો, લોકોને જીવવું ભારે થઈ પડયું, તો આવા કાયરો પોતાની સલાહ લોકો આગળ ફરી પાથરે છે અને કહે છે કે, અમે કહેતા જ હતા કે આજની અવસ્થામાં લડવામાં માલ નથી. એ તો ખુવાર થવાનો જ રસ્તો હતો. જો વખતસર માંડવાળ કરી હોત, તો આપણો લાભ જ હતો. અત્યાર સુધી આપણે કેટલીયે ઉન્નતિ કરી હોત. આવે વખતે, થાકેલી પ્રજાને પણ થાય છે કે વાત સાચી છે.
વિજયી શત્રુ જ્યારે શહેરમાં પ્રવેશ કરે છે, ત્યારે હારેલા લોકો આ બધા કાયરોને “ડાહ્યા, દૂરંદેશી સમાજનાયકો”નો ઈલકાબ આપી અપનાવે છે. અને એમને જ પોતાના સમાજની આગેવાની કરવાનું સૂચવે છે. થાકેલા લોકો એમની સગવડિયા શિખામણ પસંદ કરે છે, અને શત્રુનું રાજ્ય મજબૂત કરવામાં મદદ કરે છે; પછી તો આક્રમણકારી શત્રુઓ પોતે જ દેશના ઉદ્ધારકર્તા હોવાનો દાવો કરવા માંડે છે.
પણ પ્રજા પછી જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે એને આવી અધોગતિની ફરી સૂગ ચડે છે. પછી એ પોતાના સાચા આગેવાનોને ઓળખે છે અને સ્વતંત્ર થવાનો ફરી પ્રયત્ન કરે છે.
મધ્યયુગના સંતોએ આત્માને પાડનાર શત્રુઓ સાથે યુદ્ધ ચલાવ્યું હતું તે વખતે એમણે કામ, ક્રોધ, લોભ, મદ આદિ કાયર વૃત્તિઓની સલાહ ન માનવા વિશે પ્રજાને ચેતવણી આપી હતી. પણ પ્રજા આવી ચેતવણીથી કંટાળી. આધ્યાત્મિક જીવનની કઠણાઈ પ્રજાને રુચિ નહિ; તેઓ હાર્યા. એટલે જડવાદી લોકોએ કામવૃત્તિ કેટલીક સ્વાભાવિક છે, ક્રોધ વિના તેજસ્વિતા સંભવે જ નહિ, લોભ એ જ સંસ્કૃતિનો પાયો છે, મત્સર વિના રાષ્ટ્રીયતા બંધાય નહિ, અસૂયા વગર વર્ગસંગઠન થાય નહિ વગેરે વાતો સમજાવી દીધી છે. અને હવે તો મનુષ્યનું હૃદય, મનુષ્યનો સમાજ કામ- ક્રોધાદિ ટોળીના હાથમાં ગયો છે. સાધના, સંયમ, ત્યાગ, તપસ્યા – એ બધા સદ્ગુણો સમાજમાં અપ્રતિષ્ઠિત થયા છે, જીવનવિકાસ માટે ઇંદ્રિયતૃપ્તિ આવશ્યક છે એમ મનાવા લાગ્યું છે. વિજયી રાષ્ટ્રોની આ દૃષ્ટિ જિતાયેલા કાયર લોકો પણ સ્વીકારતા થયા છે.
આવા વાતાવરણ સામે લડીને આત્માનું રાજ્ય, પરમાત્માનું સામ્રાજ્ય ફરી સ્થાપવાનું છે. શીલ, શૌચ, સંયમ અને સંતોષ – આ બધા શીતલ સદ્ગુણોની તેજસ્વિતા સેવા દ્વારા સિદ્ધ કરવાના દિવસો પણ પાછા આવ્યા છે.
કાકા કાલેલકર
[‘ભજનનાંજલિ’ પુસ્તક : 1974]