છેલ્લાં પચાસ વર્ષમાં ઘણી શોધો થઈ છે. ચંદ્ર પર અને સૂર્યમંડળમાં રૉકેટો, ઉપગ્રહો મોકલવાની અદ્ભુત શોધો માણસે કરી છે.
પણ છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રાની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માણસજાતને મુક્તિનો અનુભવ લેવો હશે તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે.
‘યુનેસ્કો’ના ખતપત્રની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. કોરી જમીનમાં પડેલ તિખારો આપોઆપ ઓલવાઈ જાય છે. પણ ઘાસવાળી ભોંયમાં જો પડે તો જરૂર દાવાનળ લાગે છે. તિખારો ન પડે તે એક સાવચેતી; ને તિખારો પડે તો પણ આગ ન લાગે, આપમેળે બુઝાઈ જાય, તે બીજી સાવચેતી. બાળકેળવણીનું શાસ્ત્રા આ બીજા પ્રકારનું કામ કરે છે. એટલે જ બાળકેળવણીમાં કામ કરનારાઓને હું ઘણી વાર શાંતિસૈનિકો કહું છું. શાંતિ સ્થાપવાનું કામ માત્ર આઈઝનહોવર, ખ્રુશ્ચોવ કે વિનોબાજી જ નથી કરતા, પણ રાનીપરજનાં ઝૂંપડાંઓ વચ્ચે બાલવાડી ચલાવનાર ગ્રામસેવિકા પણ કરી રહેલ છે. કારણ કે તે પોતાની સંભાળમાં મુકાયેલાં ભૂલકાંઓમાં આક્રમક વૃત્તિનાં બીજ ન રહે તેવી હિકમતથી કામ કરી રહેલ છે.
લડાઈનાં પડઘમ વાગે કે તરત જ આક્રમકને સંખ્યાબંધ સૈનિકો મળી રહે છે, તે શા કારણે ? સૈનિકો નોંધવાની પડાપડી થાય છે, જે રહી જાય છે તે ઘણી વાર રડે છે, તે શા માટે ? ઉનાળામાં ધરતી પર તરણુંય નથી હોતું, ને વરસાદ પડતાં હરિયાળું ઘાસ ઊગી નીકળે છે, તે શા કારણે ? ઘાસનાં સૂક્ષ્મ બીજો ત્યાં ધરતીમાં જ હતાં, વરસાદ પડતાં તે બીજ ફૂટી નીકળ્યાં. આક્રમક વૃત્તિનાં બીજો ત્યાં ચિત્તની ભૂમિમાં વેરાયેલાં જ હતાં, અનુકૂળ ઘડી મળતાં જ તે ફૂટી નીકળ્યાં. સંસ્કૃતિ, વિવેક, સારાસાર વૃત્તિ કશું ત્યાં કામ ન આવ્યું.
બાલશિક્ષણ અને બાલમાનસશાસ્ત્રા એમ કહે છે કે આ આક્રમક વૃત્તિ કાંઈ બાળકમાં પહેલેથી નથી હોતી. જિજીવિષા, સંરક્ષણની ઇચ્છા તેને હોય છે, પણ આક્રમણની વૃત્તિ તો કુશિક્ષણનું જ પરિણામ છે, ને યોગ્ય શિક્ષણ તેને રોકી શકે છે.
જમાનાઓથી સાધુસંતો શાંતિનો ઉપદેશ દેતા આવ્યા છે. તેનું પરિણામ શા સારુ આટલું ઓછું આવ્યું છે ? ઈશુ કે ભગવાન તથાગત, સંત ફ્રાંસિસ, એકનાથ કે તુકારામનાં ચારિત્રય, જ્ઞાન અને કરુણા અપરિમેય હતાં; પણ તેના સંસર્ગમાં આવેલામાંથી મોટા ભાગને તેઓ ચિત્તશાંતિ આપી શક્યા ? ને તેમના ગયા પછી પણ તેમના ઉપદેશનાં શ્રવણમનનથી કેટલાંનાં જીવતરનું પરિવર્તન થયું ? એમની મહત્તા અને ગુણવત્તા બંનેના પ્રમાણમાં પરિણામ કેટલું ? ગંગાના અનર્ગળ જીવનદાયી પ્રવાહમાંથી કેમ મબલખ પાક નથી ઊતર્યો ? હું ઉત્તર આપવાનું સાહસ કરું ? આ મહાપુરુષોએ પોતાનો ઉપદેશ પ્રૌઢોને આપ્યો છે. તેમણે પોતાનું કાર્યક્ષેત્ર પ્રૌઢ-પરિવર્તનનું ગણ્યું હતું.
‘મહાભારત’માં ભગવાન વ્યાસે એક મા„મક પ્રસંગ મૂક્યો છે. દુર્યોધનને એક વાર વિદુર સમજાવે છે કે ભાઈભાઈના યુદ્ધનું પરિણામ કેવું ભયંકર આવે છે ! દુર્યોધન એ બધું સાંભળીને કહે છે जानामि धर्मम् न च मे प्रवृतिः, जानामि अधर्मम् न च मे निवृत्तिः। – (ધર્મ શું છે તે હું જાણું છું, પણ મારાથી તે પળાતો નથી. અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ મારાથી તેમાંથી પાછું ફરાતું નથી.) સૌની ઓછેવત્તે અંશે આવી દશા હોય છે. આપણે દુર્યોધનની નાનીમોટી આવૃત્તિઓ છીએ; કારણ કે જ્ઞાન પછીથી આવે છે, આદતો-લાગણીનાં વલણ બાળપણમાં પડી ચૂક્યાં હોય છે. આથી ઉપદેશ આપણને એક બાજુ ખેંચે છે અને આદતો-લાગણીઓ બીજી બાજુ. આ ગજગ્રાહમાં, થોડાક સદ્ભાગીઓને બાદ કરીએ તો, બાળપણની આદતો અને લાગણીઓ જીતે છે. આ પૂજ્ય અને પ્રણમ્યની મહાપુરુષો પ્રત્યે પૂરો આદર રાખીને પણ એમ કહી શકાય કે એમણે આની શરૂઆત કરવી જોઈએ ત્યાંથી નો’તી કરી, એટલે તેમના પ્રયત્નનું પરિણામ ઓછું આવ્યું છે.
બાલશિક્ષણશાસ્ત્રીનું બીજું વિધાન એ છે કે આક્રમક વૃત્તિનાં મૂળ બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે. બાળકોનાં અપમાન અને નિરાશાના જે અનુભવો આપણા ઘરમાં, શેરીઓમાં ને શાળામાં થાય છે તે બાળકો ભૂલી નથી જતાં. તેમના હાથપગ નાના હોવાથી તે મૂંગાં રહે છે, પણ તેમના ચિત્તના ચોપડામાં તેઓ તે સમાજને ખાતે ઉધારી રાખે છે. મોટાં થતાં જ તે ચોપડો ખોલે છે ને પોતાનું લેણું સમાજ પાસેથી એક યા બીજી રીતે વસૂલ કરે છે. બાળકે નાનપણમાં અપમાનના અનુભવ કર્યા હોય છે, એટલે મોટી ઉંમરે તે કોઈને ને કોઈને પીડિત કર્યા સિવાય રહી શકતો નથી.
બાળકને જેટલી વાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ તેટલી તેની આત્મશ્રદ્ધાની ઈંટો એક પછી એક ખસેડીએ છીએ. ને જેની આત્મશ્રદ્ધા ગઈ તે તક આવ્યે આક્રમક થાય છે, ને તક ન મળે ત્યાં સુધી અરજદાર રહે છે. તેને આપણે દબડાવ્યો, રોવડાવ્યો, હીણપત આપી; તેને થયું કે આનો બદલો કેમ લેવો ? પોતાનાથી કોઈ નાનો મળશે તેને તે દબડાવશે. બીજા દેશ પર આક્રમણનાં નગારાં વાગે ત્યારે તેમાં ભરતી થઈને દેશસેવાના નિમિત્તે મનમાં ભરી રાખેલાં અપમાનોની કોઈના પર દાઝ કાઢી પોતાની વડાઈ સાબિત કરશે.
કર્ણ ચીતરીને વ્યાસ ભગવાને આપણને આ જ શિખામણ આપી છે. કર્ણને નાનપણમાં સૌએ અજ્ઞાતકુલશીલ ગણી તિરસ્કાર્યો. પણ કર્ણ બળવાન હતો એટલે એ સહન કરી બેસી ન રહ્યો. તેણે દુર્યોધન સાથે ભળી પાંડવ-કૌરવનું પાટે ચડવા ન દીધું. દ્રૌપદીના વસ્ત્રહરણમાં, છળકપટ ભરેલા દ્યુતમાં, બધે તેણે સાથ આપ્યો. કર્ણ મોટો દાનવીર હતો. પોતાનાં કવચકુંડલ દાનમાં આપતાં તે અચકાયો ન હતો. શાસ્ત્રોનો પણ જાણકાર અને છતાંયે તેણે આવું કેમ કર્યું હશે ? નાનપણમાં અપમાનો-નિરાશા વેઠવાં પડેલાં તેનો બદલો લેવા કર્ણે આ બધું કર્યું. તેને ભણવું હતું તે માટે ખોટો વેષ લઈને તેને પરશુરામ પાસે ભણવા જવું પડયું, ને ત્યાં પણ પકડાતાં શાપ મળ્યો. દ્રૌપદીને પરણવું હતું, પણ ભરસભામાં ‘સૂતપુત્રને નહિ વરું’ કહી દ્રૌપદીએ તેને અપમાનિત કર્યો. કૃપાચાર્યે કુમારોની પરીક્ષા વખતે ‘તું રાજવંશનો પુત્ર નથી – તારાં માતાપિતા કોણ ?’ કહી હાંસી કરી. ભીષ્મ તો તેને કાગડો કહેતા. આમ ચારે બાજુ નિરાશા ને અપમાન મળતાં બદલો લેવા તે અધર્મને પક્ષે ગયો, આક્રમણ કરનારાઓનું સોગઠું બન્યો. હજારો વર્ષ પર ભગવાન વ્યાસે જે કવિની દૃષ્ટિથી જોયું, તે જ બાલશિક્ષણકારોએ આજે વૈજ્ઞાનિક દૃષ્ટિથી શોધ્યું છે.
બાલશિક્ષણશાસ્ત્રીઓનું ત્રીજું વિધાન એ છે કે સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. આક્રમણનો ઉપાય અંતઃતૃપ્તિ છે. જે સમાજ પોતાનાં બાળકો માટે તેમની વય, તેમની વૃત્તિ લક્ષમાં રાખીને સર્જનકાર્ય માટેની વ્યવસ્થા પોતાની શિક્ષણવ્યવસ્થામાં જ યોજે છે, તેને કોરટો-જેલો-લશ્કરોનું ખર્ચ ઓછું કરવું પડે છે. આત્મસંયમ નથી ત્યાં પરસંયમ-પરશાસન લાવવું પડે છે. એટલે જ પ્લેટોએ કહ્યું કે જે સમાજ યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરે છે તેને લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડે છે. આ આત્મસંયમ જેટલો નિગ્રહથી આવે છે તેનાથી વિશેષ અંતઃતૃપ્તિથી આવે છે. જેને પોતાની પ્રવૃત્તિ કઈ તે જડી ગયું છે, તેને બીજાના કામમાં ડખલ કરવાની, બીજાની ટીકા કરવાની ફુરસદ જ હોતી નથી. ફૂલ પર બેઠેલી મધમાખીની જેમ તે રસ ચૂસવામાં તલ્લીન થઈ જાય છે. આપણામાંના મોટા ભાગને આંતરતૃપ્તિ નથી માટે બહાર દોડધામ કરીએ છીએ, વસ્તુઓના ગંજના ગંજ ખડકીને મોટા થવાનો ખોટો ડોળ કરીએ છીએ, કારણ અંદર આપણું મન ખાલીખમ હોય છે.
બાળકોને એ અવસ્થાએ આપણે સ્વયંસ્ફુરિત પ્રવૃત્તિ કરવા દઈએ તો અંતઃતૃપ્તિ માટેનો તેમનો માર્ગ ખુલ્લો થશે ને બીજાને ડખલ કરવાનું, બીજાની ઈર્ષા કરવાનું, બીજાને હલકાં પાડી મોટાં થવાનું ઝેર તેમના સ્વભાવમાં નહિ પ્રવેશે. આ ઝેર શું આપણા સમાજમાં ઓછું છે ? કોઈક જરાક આગળ વધે તો રાજી થનારા કેટલા ? અને ઈર્ષા કરનારા કેટલા ? આવો ઈર્ષાળુ સમાજ, સમાજ કહી શકાય ખરો ? ઈર્ષાળુ વ્યક્તિઓ યુદ્ધની આગ ફેલાવનારાઓને સૂકા ઘાસની ગંજી જેવી ઉપયોગી નીવડે છે. એટલે, બાલશિક્ષણનું કામ એક ધાર્મિક કામ છે, ને બાલશિક્ષકો શાંતિસૈનિકો છે. ભલે આવું કામ કરનારા શિક્ષકો ઝાઝા ન હોય, પણ જેટલા હોય તેટલા ભારે આદરને પાત્રા છે. કારણ કે સમાજના સ્વાસ્થ્ય ને સુખ માટે તેઓ પાયાનું કામ કરી રહ્યા છે. આપણાં ધન, માલ, આબરૂ, સુખાશા એ બધાંને માટે આપણે વારે વારે શેરબજાર, પોલીસ કે અદાલત તરફ જોઈએ છીએ. તેને બદલે જો આપણે બાલમંદિરો તરફ જોતા, બાલમંદિરો પાસેથી મદદ માગતા થઈએ તો સંભવ છે કે આપણી આશા વહેલી સફળ બને. કારણ કે ધનનું ધન આખરે તો આપણાં સુશીલ સંતાનો છે, અને તેમને સુશીલ બનાવવાની મોટામાં મોટી શક્યતા યોગ્ય બાલશિક્ષણમાં છે.
મનુભાઈ પંચોળી