આજે માનવસમાજ અનેક ક્ષેત્રોમાં ધરમૂળથી પરિવર્તન માગી રહ્યો છે. પરિવર્તન લાવવા માટે આજ સુધી અનેક પદ્ધતિઓ અપનાવાઈ છે, અને એ પદ્ધતિઓનાં સારાંમાઠાં પરિણામો આપણે જોયાં છે. આજે હવે એ બધી પદ્ધતિઓ કાંઈક ઊણી હોય એવો અનુભવ થાય છે. એટલે આપણી સમક્ષ પ્રþા એ ઉપસ્થિત થયો છે કે માનવસમાજમાં ત્વરિત પરિવર્તન આણવા માટે આજના યુગને અનુરૂપ અને માનવીને શોભે તેવી સંસ્કારી પદ્ધતિ કઈ હોઈ શકે ?
હિંસા, બળજબરી અને જોરજુલમ દ્વારા મૂળભૂત પરિવર્તન લાવી શકાશે, એ વાત ઉપર હવે ઝાઝો ભરોસો રહ્યો નથી. મતપેટી કબજે કરીને માત્ર કાયદા દ્વારા સમાજની સિકલ ફેરવી શકાશે, એવોયે વિશ્વાસ સમજદાર માણસને રહ્યો નથી. એટલે દરેક બાબતમાં લોકમત કેળવવા ઉપર ભાર મુકાય છે.
પણ એ લોકમત કેળવવાની પદ્ધતિ યે આજે કાયાકલ્પ માગી રહી છે. વ્યાખ્યાનો, ઉપદેશ અને આદર્શ નમૂનાઓ દ્વારા લોકમતને જરૂર પ્રમાણે ઢાળવાની પદ્ધતિની મર્યાદાઓ નજર સમક્ષ આવતી જાય છે. એટલે આજના સંવેદનશીલ માનવચિત્તને અનુરૂપ પરિવર્તનપદ્ધતિ ખોળવી, એ આજે આપણી સમક્ષનું આહ્વાન છે.
આવી પરિવર્તનની પ્રક્રિયા સાહિત્યકારની હોઈ શકે, શિક્ષકની હોઈ શકે. માનવસમાજમાં આદતો, રૂઢિઓ, માન્યતાઓ વગેરે વર્ષોના અનેકવિધ સંસ્કારોનું પરિણામ હોય છે, અને સામાન્ય રીતે જે-તે કાળની જરૂરિયાતમાંથી તે જન્મ્યાં હોય છે. એ બધાંમાં પરિવર્તન આણવા માટે નવા સંસ્કાર સીંચવાના રહે છે. એ સંસ્કાર- સિંચન શિક્ષક કરી શકે, સાહિત્યકાર કરી શકે.
ક્રાંતિકારીની જેહાદ, તીવ્રતા અને દૂરદ„શતા; શિક્ષકની ધીરજ, સમજાવટ ને એકડો ઘૂંટાવવાની આવડત; તથા સાહિત્યકારની સંવેદનશીલતા, સલૂકાઈ ને અપ્રત્યક્ષ પદ્ધતિ : સમાજપરિવર્તન કરવા માટે આ બધાંનો સમન્વય કરવાનું અનિવાર્ય છે.
કાન્તિ શાહ
[‘ભૂમિપુત્ર’ દશવારિક]
**
અમથાં કિરણ પસાર થયાં હોય, શક્ય છે ?
એ એક ક્ષણ પસાર થયાં હોય શક્ય છે….
ગિરનારની શિલાઓ સજીવન બની ગઈ
એનાં ચરણ પસાર થયાં હોય શક્ય છે.
મનોજ ખંડેરિયા