લેખનની મુશ્કેલીઓ-નગીનદાસ પારેખ

              કોઈ ભાવ, વિચાર કે વસ્તુ ભાષા દ્વારા લખીને બીજાને પહોંચાડવાની કળા, તે લેખન. એમાં બે વસ્તુ સમાઈ જાય છે : એક તો જે કહેવાનું છે તે, અને બીજી તે કહેનારી ભાષા.
           કોઈ પણ વસ્તુ આપણે બીજાને કહેવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં તેનો આપણા મનમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણે તે સામા માણસને બરાબર કહી શકીએ. ત્યાર પછી એને સારી રીતે સામા માણસને પહોંચાડવા માટે ભાષા જોઈએ. આપણા મનમાં કહેવાની વાત સ્પષ્ટ હોય, છતાં બીજો માણસ તે બરાબર સમજી શકે એ રીતે કહેવાની ભાષા આપણી પાસે ન હોય, તોયે લેખન સફળ થતું નથી.
               પોતાને શું કહેવું છે તેની જે માણસને ખબર જ નથી હોતી, તેનું લખાણ ગાંડા માણસના રઝળપાટ જેવું હોય છે. તેમાં હકીકતનાં ટોળાં ફાવે તેમ ભટકતાં હોય છે. લખાણમાં અસંગતિ, અસંબદ્ધતા વગેરે દોષો દેખા દે છે. તેનું કારણ, લેખકના ચિત્તમાં વિચાર સ્પષ્ટ થયો હોતો નથી.
     લેખન સંબંધે પહેલી મુશ્કેલી શું લખવું છે તે નક્કી કરવાની છે; અને બીજી, એ કહેવાને કાબેલ ભાષા મેળવવાની છે. આ બે તત્ત્વોને આધારે આપણે લેખકોના ચાર વર્ગ પાડી શકીએ.
               1. જેમની વિચારણા સ્પષ્ટ અને તર્કશુદ્ધ છે, અને સાથોસાથ તે વ્યક્ત કરવાને કાબેલ એવી ભાષા પણ જેમની પાસે છે.
               2. જેમની પાસે સ્પષ્ટ વિચારણા છે, પણ ભાષાની સજ્જતા ઓછી છે.
              3. જેમની પાસે ભાષાની સજ્જતા છે, પણ જેમની વિચારણા ગોટાયેલી કે ધૂંધળી છે.
              4. જેમની પાસે સ્પષ્ટ વિચારણા પણ નથી અને ભાષાની સજ્જતા પણ ઓછી છે.
              આમાંના પહેલા વર્ગના પ્રતિનિધિ તરીકે હું બર્ટાન્ડ રસેલને લેવા માગું છું. એમનાં લખાણ જેમણે વાંચ્યાં હશે તેમને એ અનુભવવાનો આનંદ મળ્યો હશે કે અત્યંત સૂક્ષ્મ અને સંકુલ વિચારો પણ કેવા સુવ્યવસ્થિતપણે પાણીના રેલાની માફક અસંદિગ્ધ અને પ્રાસાદિક ભાષામાં વહેતા હોય છે. એમનું કોઈ પણ લખાણ વાંચીએ ત્યારે વાક્યો અને વિચાર વ્યૂહબદ્ધ થઈને કૂચ કરતા સૈન્યની માફક ચાલતાં લાગે છે. એનું કારણ, એમણે પોતાનું કહેવાનું ચિત્તમાં બરાબર પ્રત્યક્ષ કરેલું હોય છે, એકએક વાક્ય અને તેમાં આવતો દરેક શબ્દ સુધ્ધાં એમણે વિચારી લીધેલો હોય છે.
            બીજા વર્ગના લેખક પાસે સ્પષ્ટ વિચારણા હોય છે, પણ ભાષાની સજ્જતા ઓછી હોય છે. એ વર્ગના લેખકોના પ્રતિનિધિ તરીકે ‘હિંદ સ્વરાજ’ના લેખક ગાંધીજીને હું લેવા માગું છું. એમણે પોતાના જીવનના ચાલીસમા વરસે ‘હિંદ સ્વરાજ’ લખ્યું. એ સમયે એમના વિચારો સ્પષ્ટ થઈ ગયા હતા, સ્થિર થઈ ગયા હતા અને પોતાને શું કહેવું છે તે એમના મનમાં બરાબર સ્પષ્ટ હતું. તેમ છતાં એમના લખાણમાં જે કચાશ લાગે છે તેનું કારણ ભાષાને લગતી સજ્જતા એમની ઓછી છે એ છે. આ સજ્જતા પણ ગુજરાતી કરતાં અંગ્રેજીમાં એમની વધારે છે. એટલે તેઓ પોતાની વાત અંગ્રેજીમાં વધુ સારી રીતે કહી શકે છે. ‘હિંદ સ્વરાજ’ એમણે મૂળ ગુજરાતીમાં લખેલું, પણ પછી ગુજરાતી ન જાણનાર મિત્રો માટે એનો અંગ્રેજી અનુવાદ કરેલો. એ મૂળ પુસ્તક અને તેનો અંગ્રેજી અનુવાદ, એ બેની મદદથી હું મારી વાત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશ.
             ‘હિંદ સ્વરાજ’માં (પાના 55 ઉપર) આ વાક્ય આવે છે : “તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે.”
              અહીં લેખકના મનમાં “હવે તેને દોષ દઈએ” અથવા “તેનો દોષ કાઢીએ” એમ હોવાનો સંભવ છે.
           અંગ્રેજોના સ્વભાવમાં રહેલી એક વસ્તુનો પરિચય આપતાં (પાના 39 ઉપર) તેઓ કહે છે : “તેઓનામાં એક વસ્તુ છે ખરી, તે એ કે પોતાના દેશને જવા નહીં દે, ને જો કોઈ તેની ઉપર નજર કરે, તો તેને આંધળો ભીંત કરી મૂકશે.”
           હવે, આપણે સામાન્યપણે “આંધળું ભીંત” એ શબ્દપ્રયોગ “સારાસાર વિવેકશૂન્ય, ભાન ભૂલેલું” એવા અર્થમાં કરીએ છીએ. પણ અહીં ગાંધીજીએ તે શબ્દપ્રયોગ જુદા જ અર્થમાં કર્યો છે. અને એમનો ઇષ્ટ અર્થ અંગ્રેજી અનુવાદ જોયા પછી જ મને સમજાયો. અંગ્રેજીમાં એ ભાગ આ પ્રમાણે છે :
            “They have certainly one quality very strongly developed. They will never allow their country to be lost. If any person were to cast an evil eye on it, they would pluck out his eyes.”
           અહીં આપણે જોઈએ છીએ કે “તેઓ તેની આંખ જ નિકોલી કાઢે” એમ કહેવા માટે એમણે આવો પ્રયોગ કર્યો છે, જે એમણે ઇચ્છેલો અર્થ દર્શાવવાને સમર્થ નથી. આ સિવાય પણ આખો વિચાર અંગ્રેજીમાં વધારે સ્પષ્ટ છે, એ ખ્યાલમાં આવ્યું હશે.
           શું કહેવું છે તે ગાંધીજીના મનમાં સ્પષ્ટ હોવા છતાં તે કહેવાને કાબેલ શબ્દો એમની કલમે ચડતા ન હોઈ, કહેવાનું બરાબર કહેવાતું નથી.
            હવે લેખકોના ત્રીજા વર્ગનો વિચાર આપણે હાથ ધરીએ. એ વર્ગના લેખકો પાસે ભાષા હોય છે, પણ એમના વિચારો ધૂંધળા હોય છે. આ વર્ગના પ્રતિનિધિ તરીકે હું કોઈ એક લેખકને ન લેતાં કેવળ છૂટક ઉદાહરણ જ આપીશ. ‘જુવાની ટકાવવી હોય તો’ એ નામના લેખમાં લેખક લખે છે : “કોઈ એ ટકાવી શકતું નથી એ હકીકત છે. એ ટકી શકે તેવી વસ્તુ નથી એ હકીકત છે. એ ટકી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જોઈએ એ આદર્શ છે. એને ટકાવવાની કલા છે એ શાસ્ત્રા છે…. જુવાની એ માણસની ટકે છે, જેના જીવનમાં કવિતા ટકે છે.”
             અને લેખને અંતે આવે છે : “એક વખત એ ગયા પછી આવતી નથી એ ખરું, પરંતુ એ જવા માટે આવતી નથી એ પણ એટલું જ ખરું છે.”
           આને આપણે શું કહીશું ? વિચારદોષ, તર્કદોષ કે શબ્દછલ ?
             ચોથા પ્રકારના લેખકો પાસે વિચારણાની સ્પષ્ટતા પણ નથી હોતી, તેમ નથી હોતી ભાષાની સજ્જતા. એવા લેખકો કેવળ શબ્દાડંબરથી કામ લેવા મથે છે અને હાસ્યાસ્પદ પરિણામ નિપજાવે છે.
             આચાર્યશ્રી કૃપાલાનીજીના જીવનનો પરિચય આપતી એક પુસ્તિકામાંથી દૃષ્ટાંત હું લઉં છું. એમના દેખાવનું વર્ણન : “ઉન્નત ભાલપ્રદેશની સીમાના એક છેડાથી શરૂ થઈને વિશાળ ગરદનના બીજા છેડા સુધી… પથરાયેલા મનોહર વાળના જુલફા. છેક આજાન સુધી સ્પર્શતો ખાદીનો શ્વેત ઝભ્ભો.”
            શબ્દના ગોળાથી વાચકને માત કરવાની નેમ વાંચતાં જ વરતાઈ જાય છે.
            “અન્યાયની સામે સર્વતોમુખી શક્તિથી ઝઝૂમવાની કેવી અદ્ભુત આત્મશક્તિની કેળવણીની તાલીમ એમણે પ્રાપ્ત કરી છે…”
          ‘ઝૂઝવું’ એટલે યુદ્ધ કરવું, અને ‘ઝઝૂમવું’ એટલે તોળાઈ રહેવું, લટકવું, એ તે શબ્દોના સાચા અર્થો છે. ઘણા લેખકો ‘ઝૂઝવા’ના અર્થમાં ‘ઝઝૂમવું’ વાપરે છે. જેમ કે, શ્રી ખબરદારના એક કાવ્યમાં આવે છે –
          ક્યાં રજપૂત વીર ઝઝૂમ્યા
         બળ દાખવવા જ અસીમ.
           ‘કેળવણી’ એટલે જ ‘તાલીમ.’
           એવો જ એક બીજો પ્રયોગ જુઓ : “સમગ્ર દેશમાં મહાત્માજીની દાંડીકૂચે એક નવા રાજદ્વારી વાતાવરણની હવા દેશમાં ફેલાવી દીધી હતી.”
           ‘વાતાવરણ’ એટલે જ ‘હવા’, પણ લેખકને એક શબ્દથી સંતોષ નથી. આ વાક્ય જુઓ : “એમની પ્રાધ્યાપકક્ષમ શિક્ષણપદ્ધતિની સુકીર્તિની સુવાસ પથરાઈને મઘમઘી ઊઠતી હતી.”
          આવાં વાક્યો વિચાર અને વસ્તુની ઊણપ લચ્છાદાર ભાષાથી ઢાંકવાના વ્યર્થ પ્રયત્નોનાં જ નિદર્શક છે. આવી શબ્દોના સાથિયામાં રાચનારી શૈલી કેટલી હદ સુધી જઈ શકે, તેનો ઉત્કૃષ્ટ નમૂનો નીચેના વાક્યમાં જોવા મળે છે : “નજીકમાં આવેલાં વૃક્ષોનાં નાનાંમાં નાનાં પાંદડાંય જાણે પોલીસની આજ્ઞાઓનું ઉલ્લંઘનનો અસ્વીકાર કરવાની ના પાડતાં હોય એમ હાલી રહ્યાં હતાં.” ઉપહસનીયતામાં આને ટપી જાય એવાં વાક્યો ભાગ્યે જ મળે.
નગીનદાસ પારેખ
[‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય’ : ભાગ 2]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.