આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો
તૃણે તૃણે પોપટિયો લીલો
કૂંપળ કૂંપળ ખીલતો લીલો
ખેતર મોલે ખૂલતો લીલો
નીલ-પીતની વચ્ચે મેઘધનુષમાં ઝૂલતો લીલો.
ડુંગરઢાળે થતો મથાળે જતો
ફરકતો વનઝાડીનો ઘેરો લીલો
વચ્ચે વચ્ચે વાંસઝુંડનો ઝૂકે લચકેલચકા લીલો.
ક્યાંક ઉદાસી વાદળવાયો
વૃક્ષો નીચે ક્યાંક દબાયો
ચમકે ક્યાંક તડકેરી લીલો
ક્યારીક્યારીએ મલકમલક સોનેરી લીલો.
સરિતાનાં તટજળમાં હીંચે શ્યામલ લીલો
વર્ષાધારાના બુરખાની આરપાર મદીલો લીલો
પૃથ્વીના પટ ઉપર આજ છકી અદકીલા
લીલા બસ લીલા રંગની લીલા.
ઉમાશંકર જોશી
[‘સંસ્કૃતિ’ માસિક : 1976]