લાખ વાચકોનો મહાસંઘ-મહેન્દ્ર મેઘાણી

              ગુજરાતી બોલનારી પ્રજા ત્યારે ચાર કરોડથી સહેજ વધુ હશે. એટલે કે એકાદ કરોડ કુટુંબો. તેમાંથી ફક્ત એક ટકાને, એટલે એક જ લાખ પરિવારોને, સત્ત્વશીલ વાચનની એક ચોપડી એકસામટી પહોંચાડવાનું એક સ્વપ્ન હતું. તેને સાચું પાડવાનો પુરુષાર્થ આઠસોએક મિત્રોએ મળીને સાત મહિના દરમિયાન કર્યો, તેને પરિણામે 1989માં બહાર પડયું એક નાનું પુસ્તક ‘ચંદનનાં ઝાડ’.

            લાખ વાચકોનો એક મહાસંઘ જાણે કે સાહિત્યનાં તીર્થક્ષેત્રોની યાત્રાએ નીકળી રહ્યો છે. માર્ગમાં આ યાત્રીઓને રોજના એક પાના જેટલું વાચન મળતું રહે, પૌષ્ટિક ખોરાકના જેટલી કાળજીથી એ તેમને પીરસાતું રહે, એવી વ્યવસ્થા કરવાની છે. એવું વાચન એટલી નજીવી કિંમતે સુલભ બની શકે તેમ છે તેની સાબિતી છે ‘ચંદનનાં ઝાડ’. હવે પછી કોઈને એવું કહેવાનો વારો નહીં આવે કે, પુસ્તકો મોંઘાં છે એટલે અમે વસાવી શકતાં નથી. આપણી પ્રજાને માથાદીઠ અમુક અનાજ, તેલ, દૂધ, બળતણ કે કાપડ મળે, તેમ દરેક નાગરિકને રોજનું એકાદ પાના જેટલું નરવું વાચન પણ સાંપડી રહે તેવું આયોજન આપણે કરી શકીએ તેમ છીએ.
લાખ વાચકોના આ સંઘમાં કોને કોને સામેલ કરવાનાં છે ? ગામડાંના ખેડૂતો ને પશુપાલકોને, કાંતનારી બહેનો અને વણકરોને, દરજી-મોચીથી માંડીને સુથાર- કડિયા સુધીના કારીગરોને, રેલ-પાટા ને સડકો પર દિવસરાત વાહનવહેવાર ચાલુ રાખનારા કર્મચારીઓને, ટપાલીઓને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને.

             આ લાખ વાચકો પાસે ધરવા જેવું જે યાદગાર વાચન આપણી ભાષામાં પડેલું છે, તેનું સ્મરણ કરતાં એના અનેક લેખકો પ્રત્યે આભારવશતાની લાગણી અંતરમાં ઊભરાય છે. એમના સાહિત્યમાંથી આ વિશાળ વાચક-સમુદાયને અનુરૂપ ચયન કરીને તેમને નજીવી કિંમતે સુલભ કરી આપવાનો કીમિયો આપણે અજમાવતા રહેવાનો છે.

             નર્મદા યોજના હેઠળ સરદાર સરોવરનું વિશાળ જળાશય ભરાશે તેને પરિણામે ચોપાસ સેંકડો હેક્ટરના વિસ્તારના કૂવાઓમાં પાણીના ભૂગર્ભ પ્રવાહો જઈ પહોંચશે. ત્યાંની વાડીઓમાં મોલાતો લહેરાશે અને વગડો છે ત્યાં વનરાજિ વિસ્તરશે. એ પ્રમાણે આ લાખ વાચકોનું સંગઠન રચાયા પછી પ્રજાજીવનમાંથી સુકાયેલાં રસનાં નવાણો સાહિત્યના પ્રવાહો વડે સજીવન બનશે. અત્યારે સરેરાશ ગુજરાતી પુસ્તકની એક હજાર જ નકલ છપાય છે, તેને બદલે હવે આપણાં કેટલાંક પુસ્તકોની પાંચ પાંચ હજાર નકલ પ્રગટ થતી રહેશે. પોતાની કલાના ભોક્તાઓનો આવો વિસ્તરતો જતો સમુદાય જોઈને સાહિત્યકારોને પણ નવા નવા વિષયો અને વધતી જતી સજ્જતા સહિત વાચકો સમક્ષ ઉપસ્થિત થવાની પ્રેરણા મળશે.

          આ ‘ચંદનનાં ઝાડ’ પાંચ જ રૂપિયામાં, ચાલુ બજારભાવના પાંચમા ભાગની કિંમતે, એક લાખ વાચકોને ઘેરબેઠાં સાંપડેલું. માની ન શકાય તેટલી નજીવી કિંમતે એ મળ્યું તેનું મોટું શ્રેય આઠસો ઉદારદિલ પુસ્તકપ્રેમીઓને જાય છે. લાખ નકલોની આગોતરી કિંમત ચૂકવીને તેમણે કોઈ સમર્થ પુસ્તક-પ્રકાશકની કામગીરી બજાવી છે. તદુપરાંત, પોતાની આસપાસના સમાજને આ પુસ્તક પડતર કિંમતે જ સુલભ બનાવવામાં પોતાનાં સમયશક્તિ અર્પણ કરીને સેંકડો પુસ્તક-ભંડારોથી ન થાય તેટલું મોટું કામ તેમણે બજાવ્યું છે. કોઈ પણ પુસ્તકના પ્રકાશકે તથા વિક્રેતાઓએ બજાવેલી કામગીરીના બદલામાં તે પુસ્તકની કિંમતના છાસઠ ટકા જેટલો હિસ્સો તેમને ફાળે આજે જતો હોય છે. આ આઠસો મિત્રોએ તે છાસઠ ટકા બચાવી આપીને આ પુસ્તક આટલી અલ્પ કિંમતનું બનાવી આપ્યું. ગુજરાતી પુસ્તક-પ્રકાશનના ઇતિહાસમાં તેમનું અર્પણ યાદગાર નીવડશે.

           આઠસો કુટુંબો-સંસ્થાઓએ આ પુસ્તકની ઓછામાં ઓછી પચાસ-પચાસ નકલ તો મગાવી જ. 100, 200… એમ 5,000 સુધી નકલો મંગાવનારાની સંખ્યા પણ સારી એવી થઈ. આઠસો પૈકી ત્રીજા ભાગના મિત્રોએ જ 70 ટકા જેટલી નકલો છપાવવા માટે મૂડી-રોકાણ કરેલું અને તેના વિતરણનો બોજો પણ ઉઠાવેલો. આ લાખ નકલની વરદીઓ બસો ગામ-શહેરોમાંથી નોંધાઈ અને તેમાંથી પણ લગભગ 30 ટકા એકલા મુંબઈના મહાનગરમાંથી.

           આ પુસ્તકની યોજના 1988ના એપ્રિલમાં જાહેર કરી ત્યારે એવું ઠરાવેલું કે તેની લાખ નકલ ખરીદીને વિતરણ કરનારા મિત્રો મળે પછી જ તેનું છાપકામ શરૂ કરવું. સદ્ભાગ્યે, લાખ નકલો માટેના એવા સંકલ્પો કાકા કાલેલકરની જન્મજયંતીના શુભ દિવસે, પહેલી ડિસેમ્બરે, પૂરા મળી રહ્યા.

મહેન્દ્ર મેઘાણી
**

‘ચંદનનાં ઝાડ’
પાંચ ચરિત્રાગ્રંથોના અંશોનું સંકલન
સાફલ્યટાણું : લે. ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (પ્રકાશન : 1983, 1986, પાનાં 28+335)
મારી જીવનયાત્રા : લે. બબલભાઈ મહેતા (પ્રકાશન : 1982, 1982, પાનાં 16+232)
મારી અભિનવ દીક્ષા : લે. કાશીબહેન મહેતા (પ્રકાશન : 1986, પાનાં 16+127)
મૂળ સોતાં ઊખડેલાં : લે. કમળાબહેન પટેલ (પ્રકાશન : 1977, 1985, પાનાં 28+259)
સત્યકથા (ભાગ 2) : લે. મુકુન્દરાય પારાશર્ય (પ્રકાશન : 1984, પાનાં 194)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.