રાનમાં-ધ્રુવ ભટ્ટ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી
થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં….
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે
ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું
ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો
વાછંટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં….
આપણને થાય એવું વાદળને થાય, એવું
ઝરણાંને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી
દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ
તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ધ્રુવ ભટ્ટ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.