રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના !…
મનમાં વિચાર શું છે ? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના !…
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ !
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના !…
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે ?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
અમૃત ‘ઘાયલ’
[‘શૂળ અને શમણાં’ પુસ્તક]