1998નું વર્ષ દલપતરામ કવિની મૃત્યુશતાબ્દીનું વર્ષ હતું. કવિના અવસાન પછી એક સો વર્ષમાં ગુજરાતી કવિતા ક્યાંની ક્યાં પહોંચી છે. તેમ છતાં, અર્વાચીનયુગના આરંભમાં દલપતરામ એવા કવિ થઈ ગયા છે જેમનું નામ ગુજરાતી ‘ભાષામાં ઓગળી ગયું છે’, એવી પ્રતીતિ થયા કરે છે. દલપતરામનું નામ ભાષામાં ઓગળી જવાનું એક કારણ તેમણે ‘હોપ વાચનમાળા’ માટે રચેલાં કાવ્યો છે. દલપતરામની કેટલીક કાવ્યરચનાઓ વિદ્યાર્થીકાળમાં જેમને ભણવામાં આવેલી હશે, તેમાંથી મારી જેમ અનેકોને હજીય લગભગ કંઠસ્થ હશે.
ગુજરાતી ભાષાના પ્રેમી અંગ્રેજ ન્યાયાધીશ ફોર્બ્સ અને દલપતરામની મૈત્રી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક અનન્ય ને ઉજ્જ્વળ પ્રકરણ છે. ફોર્બ્સની પ્રેરણાથી 1848માં સ્થપાયેલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) સાથે યુવાન દલપતરામ જોડાયા અને જોતજોતામાં એને ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને એ સંસ્થામાં રસ લેતા કર્યા.
ભોળાભાઈ પટેલ
[‘ચૂંટેલી કવિતા : દલપતરામ’ પુસ્તક : 2002]
**
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ,
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત,
ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગા ખોળીએ કણી મૂકવા કામ,
ક્યાંએ જગકર્તા વિના ઠાલું ન મળે ઠામ.
**
અરે ન કીધાં ફૂલ કેમ આંબે,
કર્યા વળી કંટક શા ગુલાબે ?
સુલોચનાને શિર અંધ સ્વામી,
ખરે વિધાતા, તુજ કૃત્ય ખામી !
**
મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત;
ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત….
વસુધા અને વિદ્યા વિશે વિવિધ રસોનો વાસ;
આંબો ચૂસે મિષ્ટ રસ, લે આંબલી ખટાશ.
**
ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચચ્ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય….
કૂવા ઉપરના કઠણ જે પાકા કાળા પા’ણ,
દોરડીએ છેદાય છે, એ લેવું એંધાણ.
**
એક ટેક અશ્વે ચડે, લડે લઈને લાગ;
રિપુદળ પર તૂટી પડે, પાછો ન ધરે પાગ….
દાખે દલપતરામ, શૂર તે કહીયે શાનો;
હરખ ન ઊપજ્યો હોય શુણી રવ રણશિંગાનો.
દલપતરામ કવિ