પુસ્તકોનો લગાવ ભારે, એમને જોવાં-અડવાં સુધ્ધાં ગમે, રોમાંચિત કરે; પણ ક્યારેય પદ્ધતિસરનું વાચન કર્યું નથી. લખવાનો શોખ મને ક્યારેય થયો નથી. મારી દીકરીના જન્મ પછી આડત્રીસ કે એવી ઉંમરે બહાર નોકરીએ જવા અસમર્થ હતી, તેથી ઘેર બેસી કમાવા માટે કેટલાંક અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા હતા. ઘણા બધા ચિંતકોએ મને અનેક રીતે પ્રભાવિત કરી છે : ટ્રોટ્સ્કી, ફ્રોઈડ, કૃષ્ણમૂર્તિ, રજનીશ વગેરે. પણ જો કોઈ એક વ્યક્તિનો મારા પર સૌથી વધારે પ્રભાવ હોય, તો એ ગાંધીજી છે. એમનું લખાણ જ્યારે પણ વાંચું છું ત્યારે મોટે ભાગે તાજગીસભર લાગ્યું છે. પોતે જે માનતા હોય એને તત્કાળ આચરણમાં મૂકી સાહસભેર એ જીવ્યા, સતત પ્રયોગશીલ રહ્યા અને ઉક્રાંત થતા ગયા. બહોળા ફલક ઉપર એક વિરલ સાધક રહ્યા અને ગુરુપણું કર્યું નહીં. નેતાગીરી એમને સહજ પ્રાપ્ત થઈ, પણ એમનાં તમામ કાર્યો એમની સાધનારૂપે રહ્યાં. એમની સતત પ્રયોગશીલતાને કારણે મને એક પ્રકારની મોકળાશ એમની સાથે લાગી છે.
મંજુ ઝવેરી
[‘કંકાવટી’ માસિક : 2000]