મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે.
પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે.
ધન વંસીવટ, ધન જમનાતટ, ધન ધન આ અવતાર રે;
ધન નરસૈયાની જીભલડીને, જેણે ગાયો રાગ મલ્હાર રે.
નરસિંહ મહેતા
**
આ બધા કવિઓએ કેટલાંક કાવ્યો એવાં આલેખ્યાં છે કે એની લિપિ શિલાલેખની જેમ ગુજરાતી કવિતામાં અમર થવાને સર્જાયેલી છે.
સુરેશ દલાલ