મેઘાણીભાઈ – યશવંત ત્રિવેદી

આ વસંતનાં ફૂલોમાં હું યુગો સુધી ઢાંકી રાખીશ
દેવળમાં બળતી મીણબત્તી જેવો
તમારો વેદનાનો ચહેરો….
તમારાં જુલ્ફાંમાં
સાવજની કેશવાળીના પછડાટથી ત્રામત્રામી ઊઠતું ગીરનું રાન
કંઠના ટોડલા પર બેઠેલું મોરલાના અવાજનું ટોળું
ઘેઘૂર અધબીડયાં પોપચાંમાં
હમણાં ધોધમાર વરસું વરસું કરતા અષાઢના આકાશ જેવી
મોરપીંછની આંખો…
તમે ચાલીસ ચાલીસ વર્ષ પહેલાં
ઘોળીઘોળી ભરેલા પિયાલામાંથી ઊભરાઈને
આજે અત્યારેય
મને કસુંબીના છાંટા ઊડે છે, મેઘાણીભાઈ !
પગમાં ક્રાંતિનાં પગરખાં
આંખોમાં થીજી ગયેલાં આંસુના દ્વીપ
ને ઝોળીમાં બારમાસીનાં વેડેલાં ગીત –
જોઉં છું તો ગોધૂલિ ટાણે
કોઈના લાડકવાયાની આરસખાંભી પર
તમે લોહીના અક્ષરે કવિતા લખી રહ્યા છો…

યશવંત ત્રિવેદી
[‘પરિપ્રશ્ન’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.