બેએક વર્ષ પર વડોદરાની વાર્ષિક વ્યાખ્યાનમાલાના વ્યાખ્યાતાઓ લેખે મારો અને મુનિશ્રી જિનવિજયજીનો ભેટો થયેલો. તેમણે મારા હાથમાં કેટલાએક નવા ગ્રંથો મૂક્યા. ગ્રંથો વિશ્વભારતીની શ્રી સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી મુનિજીએ સંશોધિત-સંપાદિત કરેલા.
ઘેર આવી હોંશે હોંશે આ ગ્રંથોનાં પાનાં ફેરવ્યાં, પરંતુ મારા મગજની સ્થિતિ તુંબડીમાં કાંકરા ભરાયા જેવી થઈ. સંસ્કૃત સાહિત્યનાં છેલ્લાં દર્શન મુંબઈ યુનિવર્સિટીનો બી.એ.નો સંસ્કૃત પત્ર પતાવ્યો તે દિવસે કર્યાં હતાં. અનુવાદ વગરના આ પ્રબંધપાઠમાં ચંચુપાત કરવાની મારી અશક્તિ કબૂલી મેં એ મૂલ્યવાન ગ્રંથોનો માત્ર સ્વીકાર નોંધીને ‘કલમ-કિતાબ’માં પતાવ્યું.
પછી મુનિશ્રીનો મેળાપ એમના નિવાસસ્થાને, માટુંગામાં થયો. કોણ જાણે કેટલાયે ઊંચા નંબરનાં ચશ્માં ચડાવીને આ વિદ્વાન પ્રૂફ છેક આંખો પાસે માંડીને તપાસતા હતા. એક નવી રચનાનું મેજ તેમની છાતી સુધી પહોંચતું હતું. મેં પૂછયું “આ ટેબલની રચના કઈ જાતની ?”
“શું કરું, ભાઈ !” એમણે કહ્યું. “આંખોનાં જળ ઊંડાં ગયાં છે. સૂર્ય જેમ જેમ એની ગતિ ફેરવતો રહે છે તેમ હું પણ આ બારી સામે ટેબલને ફેરવ્યે જાઉં છું. તમને આપેલા તેના જેવા પ્રબંધોના તો ગંજેગંજ પડયા છે. તેનો ઉદ્ધાર કોણ કરશે ?”
પ્રબંધ-સંગ્રહનો ઉલ્લેખ સાંભળી હું શરમાયો. મેં ખુલાસો કર્યો કે હું પ્રયત્ન કરવા છતાં એ પ્રબંધો ન વાંચી શક્યો.
“પણ પ્રબંધોનું સંસ્કૃત કેટલું સહેલું છે તે બતાવું ?” એમણે વસ્તુપાલ- તેજપાલનો જ પ્રબંધ ખોલીને લવણપ્રસાદ, દેવરાજ પટ્ટકિલ ને મદનરાણીવાળો એક ફકરો વાંચી સંભળાવ્યો.
એક પ્રસંગના સંસ્કૃત-વાચનની ચાવી લઈ હું ઘેર આવ્યો. પ્રબંધોના અર્થો બેસાડવા માંડયા. ફરી ફરી પ્રબંધો વાંચ્યા અને ગુજરાતના પુનરુદ્ધારના એ શેષ દીપકજ્યોત સમા સમયની આસમાની હૃદય પર છવાતી ચાલી. પરિણામ – આ વાર્તા.
ઝવેરચંદ મેઘાણી
[‘ગુજરાતનો જય’ પુસ્તક : 1940]
**
લાખ વાચકોની અપેક્ષા જે ન રાખતો હોય,
તેવા લેખકે એક લીટી પણ લખવી ન જોઈએ.
જોહાન ગયટે