માની શીખ – ઇલા પાઠક

અમે દાદીમાને મા કહેતાં. તેમને વારંવાર યાદ કરવાનું બન્યા કરે છે. ત્યારે અકારી લાગતી છતાં ઉપયોગી શીખ અનેક વાર સાંભરી આવે છે. તે જે કહેતાં હતાં તે છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષથી જોતી આવું છું કે તેવું ને તેવું પ્રસ્તુત રહ્યું છે, અને વ્યવહારુ પણ.

કિશોરાવસ્થામાં માને મોંએ જેનો વારંવાર ઉલ્લેખ થતો તે : “કોઈને ચામ વહાલું નથી, કામ વહાલું છે. આગળ પડીને કામ કરી દઈશ, તો સૌ કોઈ તને બોલાવશે. જ્યાં જઈએ ત્યાં ‘લાવો, હું કરું’ કહીએ, જેથી સામાને વહાલાં લાગીએ.” હકીકત છે કે ઘરમાં કે બહાર, નોકરીમાં કે સામાજિક કાર્યમાં “ચામ વહાલું નથી, કામ વહાલું છે” તે જોતી આવી છું.

કૉલેજના પહેલા વર્ષે, પહેલા વર્ગમાં બીજે નંબરે આવી ત્યારે મારાથી સહજપણે ઘરમાં હર્ષ પ્રદર્શિત થઈ ગયેલો. ત્યારે માએ મને ઠપકારી હતી : “એમાં આટલું ફુલાવાનું શું ? ભણીએ એટલે સારી રીતે પાસ તો થવું જ જોઈએ ને ? એમાં મોટી ધાડ મારી હોય તેમ ક્યારની ફરે છે તે !”

ઇલા પાઠક
[‘અખંડ આનંદ’ માસિક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.