1952-53ની સાલની વાત છે. રાજકોટમાં પૃથ્વીરાજ કપુર આવ્યા હતા, એમનાં પ્રખ્યાત નાટકો લઈને. પૃથ્વીરાજનાં નાટકોમાં રાષ્ટ્રીય અને સામાજિક જાગૃતિની એક ઝલક હતી. ગોંડલ રોડ ઉપરના એક વિશાળ મકાનમાં તેમનો ઉતારો હતો. તેમનાં નાટકો વિષે ઘણીબધી વાતો કરી અને પછી તેમના પુત્ર રાજકપુર વિષે પૂછયું. સવાલ કંઈક આવો હતો : “રાજકપુર ‘બરસાત’ જેવી ફિલ્મમાં શું કહેવા માગે છે ? પ્રણયની ઉત્કટતાનાં આ દૃશ્યો, પ્રેમનાથનું દિલફેંક જુવાનનું પાત્રા અને તેની ચેષ્ટાઓ જુવાન પેઢી ઉપર કેવી અસર કરતાં હશે ? તમને નથી લાગતું કે રાજકપુરનું ‘બરસાત’ જુવાન પેઢીના માનસને દૂષિત કરશે ?”
પૃથ્વીરાજે જવાબ આપ્યો તે કંઈક આવો હતો : “આ સવાલ તમારે રાજકપુરને કરવો જોઈએ. એનો જવાબ હું આપીશ તો તમને થશે કે હું મારા પુત્રનો બચાવ કરું છું. પણ તમને હું એક સામો સવાલ કરું – આપણે આપણાં યુવક- યુવતીઓ વિશે શું માનીએ છીએ ? આપણે આ ખરાબ છે, ખરાબ છે કહીને તેની આંખોથી કેટલુંક ઢાંક્યા કરીશું ? બાળકોને, જુવાનોને આપણે શું ‘ગ્લાસ વીથ કેર,’ સાચવી-સંભાળીને રાખવા જેવી કાચની વસ્તુઓ જ બનાવી દેવાં છે ? તમે શું એવું માનો છો કે તમે બાળકથી, જુવાનથી જિંદગીની બરછટ બાજુ ઢાંકેલી રાખશો એટલે તે સદ્ગુણી જ બની રહેશે ? શું સદ્ગુણો પાપના સંપૂર્ણ અજ્ઞાનમાંથી પાંગરે છે ? આને તમે શું નિર્દોષતા કહેશો ? નવી પેઢીથી તમે ઘણુંબધું છુપાવ્યા કરશો તો તેથી તે નિરોગી બની જશે, તેવું માનવાની ભૂલ કરશો નહીં. આવું કરીને તમે તેમને સદ્ગુણ શીખવી નહીં શકો; એ માત્ર દંભ શીખશે. રૂપજીવિનીઓની છબીઓ સંતાડયા કરશો, તો તેઓ માત્ર સતીઓની છબીઓ જ પિછાનશે તેમ માનવું ભૂલભરેલું છે. છુપાવેલી વસ્તુને તેનું પોતાનું આકર્ષણ છે. હું કહું છું કે તેને જિંદગીની બધી બાજુઓ જોવા દ્યો. અને તેમાંથી સારી બાજુ ગ્રહણ કરવાની તેની શક્તિ નહીં વિકસાવો તો તે મહાત્મા ગાંધીના જીવનચરિત્રામાંથી પણ માત્ર ચોરીનો પ્રસંગ જ પકડી લેશે અને મનમાં ને મનમાં કહેશે કે, મહાત્મા જેવા મહાત્માએ પણ ચોરી કરી હતી તો આપણે તેમ કરીએ તો શું ખોટું ? તમે તેને વિવેક શીખવો.
“મારું માનો તો સદ્ગુણોનો ચારો ચરાવવા માટે પણ બાળકોને તેના વાડામાં પૂરવાનું રહેવા દ્યો. સદ્ગુણના વિકાસના શુભ હેતુથી પણ આવાં બંધનો ઊભાં કરવાનું માંડી વાળો. તેમને છૂટા મૂકો. તેમને પણ ભૂલ કરવા દો. તમે તેને જિંદગીની તલવાર આપી છે, તો સાથે તલવારનું મ્યાન પણ આપો અને મ્યાનમાં તલવાર રાખતાં તેને શીખવો. તલવાર શું છે એ તે જોઈ પણ ના શકે, તે માટે માત્ર તેને મ્યાન ન આપો. આમ કરશો તો માત્ર કુતૂહલ જ કોઈક દિવસ તે મ્યાન તોડી નાખશે અને એમાં રહેલી તલવાર તેને જ ઘાયલ કરશે.”
પછી તો ચર્ચા ખૂબ ચાલી. આ સવાલ જ એવો છે કે જેનો કોઈ બિનવિવાદાસ્પદ ઉકેલ આવી ના શકે. વખત જતાં પૃથ્વીરાજની વાતમાં તથ્ય લાગ્યું. આપણે ફિલ્મોને સેન્સર કરીએ કે તેનો બહિષ્કાર કરીએ, આપણે પુસ્તકો ઉપર પ્રતિબંધની જેહાદ ચલાવીએ કે તેને લોકોની આંખે ચઢતાં રોકીએ, તેથી પાપનો અને દુરાચારનો ક્ષય થઈ જવાની આશા રાખતા હોઈએ તો તે મોટી ભૂલ છે. આપણે જેને સદાચાર કહીએ છીએ તે પણ માણસના જીવનમાંથી ઊગેલો હોવો જોઈએ. તેની ફોરમ તેના પોતાનામાંથી પ્રગટવી જોઈએ.
બાળકની આંખથી આપણે જન્મની ઘટના કે મોતનો બનાવ ઢાંકેલો રાખીશું તો તેથી શું થવાનું ? દુનિયામાં નવાં બાળકો આવે છે, અને માણસો મરી જાય છે, ક્યાંક અલોપ થઈ જાય છે, તે હકીકત ક્યાંક ને ક્યાંક તેની સમજ સાથે અથડાયા જ કરે છે. જિંદગીની વાસ્તવિકતાઓ સંપૂર્ણપણે સંતાડી-છુપાવી શકાતી નથી. જીવનના ચિત્રમાંથી માત્ર રૂપાળા રંગો જ બતાવવાની અને તેનાં કાળાં ધાબાં ઢાંકી દેવાની તમારી મથામણ એળે જવાની છે. જીવનનું ગમે તેવું અટપટું પણ આખું ચિત્ર જ તેને જોવા દેવું પડશે. તમે જોવા નહીં દો તોપણ વહેલુંમોડું તે તેની આંખે ચઢવાનું જ છે.
જે પ્રકૃતિગત છે તેને તમે તદ્દન ભુલાવી નહીં શકો. આખી દુનિયા ઉપર કાળો પડદો પાડીને તમે એક સ્ત્રી અને એક પુરુષને નિર્દોષ શિશુના સ્વરૂપે કોઈક નિર્જન ટાપુ ઉપર એકલાં મૂકી દેશો, તો પણ ફરી આદમ અને ઈવની કહાણી શરૂ થયા વગર રહેવાની નથી. અજ્ઞાન કદી સદ્ગુણનું ફળદાયક ખાતર બની શકતું નથી. માણસ માણસને સારાખોટાની, દૂધ અને પાણીની સમજ આપી શકે, વિવેક આપી શકે; બાકી માત્ર દૂધ દેખાડવાથી તે પાણીથી અજ્ઞાત રહે તેમ માનવું ભૂલભરેલું છે.
ચોપડીઓ ઉપર, ફિલ્મો ઉપર તમે ‘ફોર એડલ્ટસ ઓનલી’, ‘ફક્ત પુખ્ત વયનાઓ માટે જ’ એવી ચેતવણી ચીતરાવી શકશો. પણ આ સંસાર ફોર એટલ્ટસ ઓન્લી, પુખ્ત વયનાઓ માટે જ છે તેવું તમે કઈ રીતે શીખવશો ? તમે બાળકને ક્યાં રાખશો ? કેટકેટલા પડદા, કેટલી કેટલી ઓઝલ ઊભી કરશો ? ગમે તેટલા પડદા છતાંય તમે તેના મનને અંધારામાં રાખી નહીં શકો. તેને જે જોવું હોય તે જોવા દો, જાણવું હોય તે જાણવા દો અને તે જે જુએ છે, તે જે જાણે છે, તેનો મર્મ સમજાવો. તમે માનો છો તેવી માણસની નમાલી માટી નથી – તમે કીચડ કરવા નાખેલી માટીમાંથી પણ કમળ બેઠાં થઈ જાય છે. બહારવટિયો વાલ્મીકિ બને છે અને સાપને દોરડું સમજવા જેટલો કામાતુર પુરુષ સંત તુલસીદાસ બને છે. પુણ્યની જરૂર દોસ્તી કરાવો, પરંતુ પાપની પણ પિછાન તેને થવા દ્યો. તે પાપનો જ ભાઈબંધ બની જશે, તેવો ડર રાખવાની જરૂર નથી.
ભૂપત વડોદરિયા
[‘ગુજરાત સમાચાર’ દૈનિક : 1977]