જવાહરલાલજી જેવો વ્યક્તિત્વનો વૈભવ જવલ્લે જ પ્રગટ થતો હોય છે. બુદ્ધિની – વૈજ્ઞાનિક બુદ્ધિની તેજસ્વિતા અને હૃદયની અભિજાત સુકુમારતા એમનામાં ઝલમલ ઝલમલ થતી. પણ કદાચ એમની મુખ્ય શક્તિ હતી ભાવનાની. સહાનુકંપાનો સ્રોત એમનામાં અવિરતપણે વહેતો.
હિંદ નેહરુને અશોક અને અકબર, એ ઉદારદિલ રાજ„ષઓ સાથે સંભારશે. નેહરુ પોતાને પૂર્વ અને પશ્ચિમના વિચિત્ર મિશ્રણ તરીકે ક્યારેક ઓળખાવતા. એક રીતે યુવક નેહરુ પશ્ચિમની ભારતને ભેટ હતા, પણ શાંતિપુરુષ મહામાનવ નેહરુ એ બુદ્ધ અને ગાંધીના ભારતની જગતને અનોખી બક્ષિસરૂપ હતા. ભારતવાસીઓના હૃદયસિંહાસને વિરાજતા એ મહામાનવના અવાજમાં જગતને મૈત્રી-કરુણાનાં મૂલ્યોનો ઉદ્ઘોષ સંભળાતો અને એના ઘા જાણે રૂઝાતા, એની આશા જાણે પાંગરતી.
આખા જગતનું એક રાજ્ય સ્થપાય, એ સમય આ અણુયુગમાં હવે ઘણો દૂર ન હોવો જોઈએ. જગતરાજ્યનો ઇતિહાસ લખાશે ત્યારે તેના પ્રથમ પ્રકરણમાં નેહરુનું નામસ્મરણ થશે. એવા એક સાચા જગત-રાજપુરુષ એ હતા.
ઉમાશંકર જોશી
[‘હૃદયમાં પડેલી છબીઓ’ : દ્વિતીય ખંડ]