મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહિ,
ઈ તો હરિજનનાં પરમાણ રે.

ભાઈ રે ! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે.

ભાઈ રે ! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ-વિકલપ એકે નહિ ઉરમાં
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.

ભાઈ રે ! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ !
રાખજો વચનુંમાં વિશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે.

ગંગાસતી
[ઝવેરચંદ મેઘાણી – સંપાદિત ‘સોરઠી સંતવાણી’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.