બાલમંદિરિયું – જુગતરામ દવે

બાલમંદિરિયું બાલમંદિરિયું
અમારું સુંદર સોહાય,
વહાલું મારું બાલમંદિરિયું.

ટેકરીને શિખરે મંદિર અમારું,
દહેરાથી જાણે ધજાય,
વહાલું મારું બાલમંદિરિયું.

કાંકરીયે કાંકરી વહાલી મારી ટેકરીની,
ઝાડવાંની ઝાઝી ઘટાય,
વહાલું મારું બાલમંદિરિયું.

સવારે સૂરજ હસતા રે આવે,
સાંજે હસી હસી જાય,
વહાલું મારું બાલમંદિરિયું.

સવારે સૂરજ સોનલાં રે વેરતા,
સાંજે ગુલાબ ઢોળી જાય,
વહાલું મારું બાલમંદિરિયું.

કોઈ રાતના દૂધના ડેકે સરોવર,
કોઈ રાત તારા વરસાય,
વહાલું મારું બાલમંદિરિયું.

સૂરજલોકથી ને ચાંદા તે લોકથી,
તારાથી આવ મોરી માંય,
વહાલું મારું બાલમંદિરિયું.

સામે તે ઘૂઘવે ઘેરો સમુંદર,
આવ આવ ત્યાંથી જગમાંય !
વહાલું મારું બાલમંદિરિયું.

જુગતરામ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.